Home National Shashi Tharoor Car Attacked Kerala Election Vandoor Violence News

કેરળમાં ચૂંટણી હિંસા : સાંસદ શશી થરૂરની કાર પર હુમલો, ઉશ્કેરાયેલા ટોળાએ ગનમેનને જાહેરમાં માર માર્યો

Shashi Tharoor Attack
Published by: Nirali Gohil
Last Updated: Apr 04, 2026, 10:44 AM IST

Shashi Tharoor Attack: કેરળમાં વિધાનસભા ચૂંટણીના જંગ વચ્ચે હિંસાની આઘાતજનક ઘટના સામે આવી છે. મલપ્પુરમ જિલ્લાના વાંડૂરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશી થરૂરની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં થરૂરના ગનમેન સાથે પણ નિર્દયતાથી મારપીટ કરવામાં આવી છે, જેને પગલે રાજ્યના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ ઘટના ત્યારે બની જ્યારે શશી થરૂર UDF ઉમેદવાર એપી અનિલ કુમારના સમર્થનમાં રોડ શો અને પ્રચાર અભિયાન માટે જઈ રહ્યા હતા. થરૂર અને તેમની ટીમ બે વાહનોના કાફલામાં મુસાફરી કરી રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જ્યારે તેમનો કાફલો વાંડૂર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે બે કારમાં સવાર અંદાજે 8 જેટલા શખ્સોએ અચાનક થરૂરની ગાડી અટકાવી હતી. હુમલાખોરોએ અત્યંત આક્રમક થઈને કારના કાચ પર જોર-જોરથી હાથ પછાડવાનું શરૂ કર્યું હતું અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

ગનમેન સાથે મારપીટ અને ધક્કા-મુક્કી

સ્થિતિ વણસતી જોઈને શશી થરૂરની સુરક્ષામાં તૈનાત ગનમેન તરત જ ગાડીમાંથી નીચે ઉતર્યો હતો. જોકે, ઉશ્કેરાયેલા ટોળાએ ગનમેન પર પણ હુમલો કરી દીધો હતો. ગનમેનને રસ્તા પર ખેંચીને તેની સાથે ધક્કા-મુક્કી કરવામાં આવી હતી અને તેને ઝૂડવામાં આવ્યો હતો. થરૂરની ટીમે આ હુમલાને 'સુનિયોજિત ષડયંત્ર' ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે વિરોધી તત્વો દ્વારા ચૂંટણી પ્રચારમાં અડચણ ઊભી કરવા અને અરાજકતા ફેલાવવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું છે.

પોલીસની કાર્યવાહી: બે લોકોની ધરપકડ

ઘટનાની જાણ થતા જ વાંડૂર પોલીસ હરકતમાં આવી હતી અને તાત્કાલિક વિવિધ કલમો હેઠળ FIR નોંધી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ વીડિયોના આધારે તપાસ શરૂ કરીને અત્યાર સુધીમાં બે લોકોની અટકાયત કરી છે. બાકીના ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ અધિક્ષકે ખાતરી આપી છે કે તપાસ સંપૂર્ણ નિષ્પક્ષ રહેશે અને કોઈ પણ રાજકીય દબાણ હેઠળ આવ્યા વગર દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: "રાઘવ ચઢ્ઢાને કેજરીવાલના ઘરે મરઘો બનાવી માર માર્યો" : "રડતા રહ્યા રાઘવ પણ કોઈએ ન બચાવ્યા" નવીન જયહિંદના સનસનાટીભર્યા દાવાથી ખળભળાટ

સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા ગંભીર સવાલો

કેરળમાં અત્યારે UDF અને LDF વચ્ચે કાંટાની ટક્કર માનવામાં આવે છે, ત્યારે શશી થરૂર જેવા રાષ્ટ્રીય કક્ષાના નેતા પર થયેલા હુમલાએ સુરક્ષા એજન્સીઓની નિષ્ફળતા પર સવાલો ઉભા કર્યા છે. કોંગ્રેસ કાર્યકરોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે હુમલાખોરો સામે સખત પગલાં લેવાની માંગ કરી છે. આ ઘટના બાદ રાજ્યભરમાં રાજકીય નેતાઓની સુરક્ષા વધારવાના આદેશો આપવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now