Political Controversy: આમ આદમી પાર્ટી (AAP)માં આંતરિક કલહ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી રાઘવ ચઢ્ઢાની હકાલપટ્ટી બાદ હરિયાણા 'AAP'ના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ નવીન જયહિંદે અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે. જયહિંદના જણાવ્યા મુજબ, રાઘવ ચઢ્ઢાને કેજરીવાલના નિવાસસ્થાને બોલાવીને અપમાનિત કરી શારીરિક ઈજા પહોંચાડવામાં આવી હતી. નવીન જયહિંદે એક વીડિયો સંદેશ જાહેર કરીને દાવો કર્યો છે કે, વર્ષ 2024માં અરવિંદ કેજરીવાલની ધરપકડ પહેલા રાઘવ ચઢ્ઢાને મુખ્યમંત્રી આવાસ (શીશમહેલ) ખાતે બોલાવવામાં આવ્યા હતા. ત્યાં હાજર ચાર નેતાઓની સામે રાઘવને 'મરઘો' બનાવીને માર મારવામાં આવ્યો હતો. જયહિંદના કહેવા પ્રમાણે, આ મારપીટ પાછળ આર્થિક લેણદેણનો કોઈ મોટો મામલો જવાબદાર હતો.
વધુમાં તેમણે ઉમેર્યું કે, આ ઘટના દરમિયાન રાઘવ ચઢ્ઢા સતત રડતા રહ્યા અને કરગરી રહ્યા હતા, પરંતુ ત્યાં હાજર અન્ય નેતાઓમાંથી કોઈએ પણ તેમનો સાથ આપ્યો નહોતો. આ વિવાદ બાદ જ રાઘવ ચઢ્ઢા લાંબા સમય સુધી જાહેર જીવનથી દૂર રહ્યા હોવાનું માનવામાં આવે છે.
લંડન પ્રવાસ પાછળનું અસલી કારણ શું?
નવીન જયહિંદે રાઘવ ચઢ્ઢાના લંડન પ્રવાસ પર પણ ગંભીર સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, મારપીટ દરમિયાન રાઘવની આંખ પર ગંભીર ઈજા થઈ હતી અને તેની સારવાર કરાવવા માટે જ તેઓ ઈંગ્લેન્ડ ગયા હતા. સામાન્ય લોકોને એવું લાગતું હતું કે, તેઓ પત્ની પરિણીતી ચોપરા સાથે હનીમૂન કે રજાઓ ગાળવા ગયા છે, પરંતુ વાસ્તવિકતામાં તેઓ તેમની આંખનું ઓપરેશન કરાવવા માટે ત્યાં ગયા હતા. જયહિંદે રાઘવ ચઢ્ઢાને પડકાર ફેંક્યો છે કે, જો તેમનામાં હિંમત હોય તો તેઓ આ સત્ય જાહેરમાં સ્વીકારે.
કોણ છે નવીન જયહિંદ?
નવીન જયહિંદ આમ આદમી પાર્ટીના સ્થાપક સભ્યોમાંથી એક છે. તેઓ 2011માં અન્ના હઝારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન સમયે અરવિંદ કેજરીવાલ સાથે જોડાયા હતા. હરિયાણામાં પાર્ટીને મજબૂત બનાવવામાં તેમનો મોટો ફાળો રહ્યો છે અને તેઓ પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. નોંધનીય છે કે, તેઓ AAP સાંસદ સ્વાતિ માલીવાલના પૂર્વ પતિ છે. વર્ષ 2022માં તેમણે પાર્ટીમાં 'એકચક્રી શાસન' હોવાનો આરોપ લગાવીને છેડો ફાડ્યો હતો અને હાલમાં તેઓ 'જયહિંદ સેના' નામના સંગઠન દ્વારા સામાજિક કાર્યો કરે છે.
રાઘવ ચઢ્ઢાની રાજકીય સક્રિયતા
એક તરફ આ ગંભીર આરોપો લાગી રહ્યા છે, ત્યારે બીજી તરફ રાઘવ ચઢ્ઢા રાજ્યસભામાં સતત લોકહિતના મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે. તેમણે છેલ્લા કેટલાક સત્રોમાં ગિગ વર્કર્સના વેતન, ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સ માટે કોપીરાઈટ એક્ટમાં સુધારો, એરપોર્ટ પર સસ્તું ભોજન અને મોબાઈલ રિચાર્જની વેલિડિટી 28 ને બદલે 30 દિવસ કરવાની માંગ કરી છે. જોકે, ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ તેમણે એટલું જ કહ્યું છે કે, "મને ચૂપ કરાવવામાં આવ્યો છે, પરંતુ હું હાર્યો નથી."





