Mudeti Sanskrit Mahavidyalaya: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લાના મુડેટી ખાતે ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના નૂતન સંકુલનો ત્રિ-દિવસીય ઉદ્ઘાટન સમારોહ ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ વચ્ચે યોજાયો હતો. આ અવસરે દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિ અને આશીર્વાદથી સમારોહ વધુ પવિત્ર બન્યો હતો.
સમારોહ દરમિયાન ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ‘સદધર્મ સમાજસેવા રત્ન’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીનું સંબોધન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ મહાવિદ્યાલય માત્ર એક શૈક્ષણિક સંસ્થા નથી, પરંતુ સનાતન જ્ઞાન અને વૈદિક પરંપરાને ઉજાગર કરતું પવિત્ર ‘ચેતના કેન્દ્ર’ છે. તેમણે કહ્યું, “સંસ્કૃત મહાવિદ્યાલયથી પ્રાપ્ત થતું જ્ઞાન અને મૂલ્યો વિદ્યાર્થીઓને માત્ર શાસ્ત્રજ્ઞાની જ નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માણના સબળ સંવાહક બનાવશે.”
‘વિકાસ ભી, વિરાસત ભી’
PM નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ નૂતન સંકુલ ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને સાકાર કરશે. આઝાદીના અમૃતકાળમાં પ્રાચીન સંસ્કૃતિ પર ગૌરવ લઈને ‘વિકસિત ભારત @ 2047’ ના સંકલ્પને સિદ્ધ કરવામાં આ સંસ્થા મહત્વનું યોગદાન આપશે.
સંસ્કૃત ભાષાના મહત્વ પર ભાર મૂકતાં તેમણે કહ્યું કે સંસ્કૃત વેદ-ઉપનિષદોનો મૂળ સ્ત્રોત છે અને તેના વિના ભારતીય ઇતિહાસ સમજવો અશક્ય છે. સરકાર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃતના જતન માટે કટિબદ્ધ છે. આ અંતરિયાળ વિસ્તારમાં સંસ્કૃત સાથે અંગ્રેજી અને કોમ્પ્યુટર જેવા આધુનિક વિષયોનું શિક્ષણ પ્રશંસનીય છે.
આ પણ વાંચો: ભચાઉમાં 'લૂંટેરી દુલ્હન' ગેંગનો પર્દાફાશ : લગ્નના નામે છેતરપિંડી કરતી લૂંટેરી દુલ્હન અને દલાલ ઝડપાયા
જગદગુરુ શંકરાચાર્યના આશીર્વાદ
જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે આશીર્વચનમાં કહ્યું કે, સંસ્કૃત એ માત્ર ભાષા નથી, પરંતુ આપણા ઋષિ-મુનિઓએ આપેલા જ્ઞાન, સંસ્કાર અને આધ્યાત્મિક વારસાનું મૂળ છે. તેમણે નૂતન સંકુલની પ્રશંસા કરતાં જણાવ્યું કે શિક્ષણ અને સંસ્કારના આ સમન્વયથી આવનારી પેઢી વેદ અને શાસ્ત્રોના જ્ઞાનથી સુસજ્જ બની વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનો પ્રકાશ ફેલાવશે. આ સંસ્થા વૈદિક પરંપરાઓના જતન માટે આદર્શ કેન્દ્ર બની રહેશે.
સંસ્થાનો ઇતિહાસ
આ વેદ વિદ્યાલયની સ્થાપના પૂજ્ય નર્મદાશંકર ભવાનીશંકર શુક્લ દ્વારા શુક્લ યજુર્વેદ અને ઉપનિષદના જ્ઞાનને જીવંત રાખવાના સંકલ્પ સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ પાંડુરંગ શાસ્ત્રીજી (દાદા)ની પ્રેરણાથી અને અન્ય વિદ્વાનોના સહયોગથી 1988માં ટ્રસ્ટની પુન:સ્થાપના થઈ. 17 ફેબ્રુઆરી, 1997ના રોજ મહાવિદ્યાલયના બીજ રોપાયા, જે આજે ઘટાદાર વૃક્ષ બનીને સંસ્કૃતિનું જતન કરી રહ્યું છે.
આ અવસરે સંસ્થાના ટ્રસ્ટીઓ, રાજ્યમંત્રી પી.સી. બરંડા, વિવિધ ધારાસભ્યો, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ અને આમંત્રિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ નૂતન સંકુલ વૈદિક જ્ઞાન, સનાતન સંસ્કૃતિ અને આધુનિક શિક્ષણના સમન્વયનું જીવંત ઉદાહરણ બની રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.





