Marriage Fraud Kutch: કચ્છ જિલ્લાના ભચાઉ પંથકમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી એક ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ભચાઉ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે 'લૂંટેરી દુલ્હન' અને તેના સાગરિત દલાલને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આરોપીઓએ અનેક યુવકોને લગ્નની લાલચ આપી લાખો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, ભચાઉ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી લગ્નના નામે છેતરપિંડી કરતી ટોળકી સક્રિય હોવાની ફરિયાદો ઉઠી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ટોળકીમાં સામેલ યુવતી ખોટા નામ અને બોગસ આધારકાર્ડનો ઉપયોગ કરીને યુવકોનો સંપર્ક કરતી હતી. આરોપી દલાલ મધ્યસ્થી બનીને જરૂરિયાતમંદ યુવકોને લગ્ન માટે વિશ્વાસમાં લેતો હતો. લગ્ન નક્કી થયા બાદ વિધિના નામે અને અન્ય ખર્ચ પેટે લાખો રૂપિયા પડાવવામાં આવતા હતા. તાજેતરમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આ ટોળકીએ બે અલગ-અલગ યુવકોને નિશાન બનાવી અંદાજે 4 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. લગ્ન થયાના માત્ર થોડા જ દિવસોમાં યુવતી કિંમતી દાગીના અને રોકડ રકમ લઈને પલાયન થઈ જતી હતી. આ રીતે તેઓ અલગ-અલગ વિસ્તારોમાં જઈને ભોળા યુવકોને શિકાર બનાવતા હતા.
ભચાઉ DYSP સાગર સાબડાનું નિવેદન
આ સમગ્ર મામલે ભચાઉના DYSP સાગર સાબડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે તપાસ તેજ કરવામાં આવી હતી. પોલીસે આરોપી સોનિયા પટેલ અને ધર્મેન્દ્રસિંહ સોલંકીની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે લૂંટેરી દુલ્હને આમરડી અને ચોપડવાના બે યુવકો સાથે છેતરપિંડી આચરી હતી.
આરોપીઓએ ખોટા દસ્તાવેજોના આધારે અનેક જગ્યાએ ગુના આચર્યા હોવાની શક્યતા છે. પોલીસ હાલમાં તેમની સઘન પૂછપરછ કરી રહી છે અને તેમની સાથે અન્ય કોઈ મોટા નેટવર્કની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચલાવવામાં આવી રહી છે.
લોકોને જાગૃત રહેવા પોલીસની અપીલ
લૂંટેરી દુલ્હનના વધતા જતા કિસ્સાઓને જોતા પોલીસ દ્વારા જનતાને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે લગ્ન જેવા સામાજિક નિર્ણયો લેતા પહેલા સામેવાળા પાત્રની પૂરતી ચકાસણી કરવી જોઈએ. ખાસ કરીને અજાણ્યા દલાલો કે ઓનલાઈન માધ્યમો દ્વારા થતા સંપર્કોમાં સાવધાની રાખવી અને દસ્તાવેજોની ખરાઈ કરવી જરૂરી છે, જેથી કરીને આવી છેતરપિંડીથી બચી શકાય.






