Waghodia Nagarpalika Election: વડોદરા જિલ્લામાં આગામી ૨૬ એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. વાઘોડિયામાં ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બન્યા બાદ આ પ્રથમ ચૂંટણી હોવાથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ સાથે આંતરિક ખેંચતાણ પણ જોવા મળી રહી છે. ભાજપ દ્વારા હાથ ધરવામાં આવેલી સેન્સ પ્રક્રિયામાં વાઘોડિયાની કુલ 48 બેઠકો માટે 207 જેટલા કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી છે. જેમાં નગરપાલિકાની 24 બેઠકો માટે 64, તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 113 અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે 30 દાવેદારોએ પોતપોતાના બાયોડેટા રજૂ કર્યા છે.
આ ચૂંટણીમાં 'જુના જોગીઓ' અને નવા ચહેરાઓ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. ભાજપના કડક શિસ્ત અને નિયમોને કારણે ઘણા પ્રસ્થાપિત નેતાઓના પત્તા કપાય તેવી શક્યતા છે, જેને પગલે પક્ષમાં આંતરિક બળવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. હાલમાં નિરીક્ષકો દ્વારા ત્રણ-ત્રણ નામની પેનલ બનાવી પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે, ત્યારબાદ જ ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લાગશે.
ચાંદોદ બેઠક: 'આયાતી' ઉમેદવારો સામે સ્થાનિકોનો રોષ
બીજી તરફ, ડભોઈ તાલુકાની ચાંદોદ જિલ્લા પંચાયત બેઠક આ વખતે સામાન્ય મહિલા માટે અનામત જાહેર થતા અહીં દાવેદારોનો રાફડો ફાટ્યો છે. ભાજપમાંથી અંદાજે 15 જેટલી મહિલાઓએ ટિકિટની પ્રબળ માંગ કરી છે. આ બેઠક પર સૌથી મોટો વિવાદ 'આયાતી' (બહારના) ઉમેદવારોને લઈને સર્જાયો છે. સ્થાનિક સ્તરે સક્રિય મહિલા કાર્યકરોની સામે બહારના વિસ્તારોમાંથી આવીને લોબિંગ તેજ કરનારા ઉમેદવારોને કારણે રાજકારણ ગરમાયું છે. હાલમાં વૈશાલીબા સાગડોદ, દીપ્તીબેન સોની અને ચેતનાબેન પટેલ જેવા નામો મોખરે ચાલી રહ્યા છે.
ડભોઈના રાજકારણમાં કોન્ટ્રાક્ટર લોબીનો દબદબો
ડભોઈના રાજકારણમાં હંમેશાથી કોન્ટ્રાક્ટર લોબીનો પ્રભાવ રહ્યો છે અને આ વખતે પણ તે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ચર્ચાઓ મુજબ, જાણીતા કોન્ટ્રાક્ટર અંજેશ પટેલ પોતાની પત્ની ચેતનાબેનને ચાંદોદ બેઠક પરથી મેદાને ઉતારવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તાલુકા પંચાયતના અનેક વિકાસ કામોમાં તેમનું વર્ચસ્વ હોવા છતાં, સ્થાનિક સ્તરે કેટલાક જૂના વિવાદો પણ ચર્ચાના ચકડોળે ચડ્યા છે. વફાદાર કાર્યકરોમાં એવી છૂપી નારાજગી છે કે, પક્ષે માત્ર વગદાર લોકોના બદલે પાયાના કાર્યકરોને પ્રાધાન્ય આપવું જોઈએ.





