Home Gujarat Gujarat Municipal Election New Rules Candidates

ગુજરાત મહાનગરપાલિકા ચૂંટણી 2026 : રાજ્ય ચૂંટણી પંચે જાહેર કર્યા નવા કડક નિયમો, જાણી લો કોણ નહીં લડી શકે ચૂંટણી?

ગુજરાતનો નકશો અને વોટિંગ કરતી આંગળી દર્શાવતું દ્રશ્ય
Published by: Chintan Chavda
Last Updated: Apr 04, 2026, 05:56 AM IST

રાજ્યમાં આવનારી મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી પંચે ઉમેદવારી માટે મહત્વપૂર્ણ નિયમો અને માર્ગદર્શિકા જાહેર કરી છે. હાલ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી ચાલી રહી છે ત્યારે આ નવા નિયમો ઉમેદવારો માટે નિર્ણાયક સાબિત થશે.

ચૂંટણી પંચની એડવાઈઝરી મુજબ, મહાનગરપાલિકાની ચૂંટણીમાં એવા ઉમેદવારો ગેરલાયક ગણાશે, જેમનો કોર્પોરેશન સાથે સીધો કે પરોક્ષ વ્યવસાયિક સંબંધ હોય. એટલે કે, કોઈ કોન્ટ્રાક્ટર, ભાગીદાર કે કોર્પોરેશનના કામમાં નફાકારક હિત ધરાવતા વ્યક્તિ ઉમેદવારી નોંધાવી શકશે નહીં. ઉપરાંત, કોર્પોરેશન હેઠળ કોઈ પણ પ્રકારનો નફાકારક હોદ્દો ધરાવતા વ્યક્તિઓ પણ ચૂંટણી લડી શકશે નહીં.

ઉમેદવારી માટે જરૂરી લાયકાત

ઉમેદવારનું નામ છેલ્લે પ્રકાશિત થયેલી મતદાર યાદીમાં હોવું ફરજિયાત છે. સાથે જ ઉમેદવારની ઉંમર ઉમેદવારી નોંધણીના છેલ્લા દિવસે ઓછામાં ઓછી 21 વર્ષ હોવી જોઈએ. તેની પુરવાર માટે જરૂરી દસ્તાવેજો પણ રજૂ કરવા પડશે.

જો કોઈ ઉમેદવારને નૈતિક અધઃપતનના ગુનામાં છ મહિનાથી વધુ સજાનો હુકમ થયો હોય, તો તે પણ ઉમેદવારી માટે ગેરલાયક ઠરી શકે છે. આ તમામ જોગવાઈઓ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ-1949ની કલમ 10 હેઠળ લાગુ કરવામાં આવી છે.

ટેકો આપનાર માટે પણ નિયમ

ઉમેદવારી ફોર્મમાં દરખાસ્ત કરનાર અને ટેકો આપનાર વ્યક્તિ તે જ વોર્ડના નોંધાયેલા મતદાર હોવા જરૂરી છે. સાથે જ ઉમેદવાર અને ટેકો આપનારની સહી સાચી હોવી આવશ્યક છે.

આ પણ વાંચો: ચૂંટણીઓ પહેલા રાજકીય ભૂકંપ : ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલા 3 પૂર્વ કોર્પોરેટરો સામે 1.12 કરોડના કૌભાંડનો આક્ષેપ, વિજિલન્સ તપાસના આદેશ

ગેરલાયક ઠરવાના મુખ્ય કારણો

ચૂંટણી પંચે કેટલાક ચોક્કસ સંજોગો પણ જાહેર કર્યા છે, જેમાં ઉમેદવારી રદ થઈ શકે છે. તેમાં નાદાર જાહેર થયેલા લોકો, કોર્પોરેશનના લાયસન્સ ધરાવતા વ્યાવસાયિકો, ન્યાયિક હોદ્દા ધરાવતા વ્યક્તિઓ, બાકી લેણાં ન ભરનાર અને કોન્ટ્રાક્ટર તરીકે હિત ધરાવતા લોકોનો સમાવેશ થાય છે.

અનામત વર્ગ અંગે ખાસ જોગવાઈ

જો કોઈ ઉમેદવાર SC/ST અથવા પછાત વર્ગનો દાવો કરે અને તે માન્ય ન ઠરે, તો તેની ઉમેદવારી રદ નહીં થાય. પરંતુ તેને સામાન્ય ઉમેદવાર તરીકે વધારાની ડિપોઝિટ રકમ ચૂકવવી પડશે.

આ નવા નિયમો અમલમાં આવતા ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા વધશે અને હિતસંઘર્ષ ધરાવતા ઉમેદવારોને બહાર રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now