ટ્રેકિંગ અકસ્માત નહીં, પણ લગ્ન પહેલાં ઘડાયેલું ક્રૂર મર્ડર પ્લાનિંગ હતું
મહારાષ્ટ્રના પુણે નજીક આવેલા પ્રખ્યાત લોહગઢ કિલ્લા પર 18 જૂનના રોજ થયેલી 26 વર્ષીય કેતન અગ્રવાલની મોતની ઘટનામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. શરૂઆતમાં જેને માત્ર એક અકસ્માત ગણાવવામાં આવી રહ્યો હતો, તે વાસ્તવમાં એક સુઆયોજિત ઘાતકી હત્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. કેતનની મંગેતર સિયા ગોયલે તેના પ્રેમી ચેતન ચૌધરી સાથે મળીને કેતનને 400 ફૂટ ઊંડી ખીણમાં ધક્કો મારી દીધો હતો. પોલીસે હવે સિયા અને ચેતન બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
બંને પરિવારો આ વર્ષના અંતમાં કેતન અને સિયાના લગ્નની જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા હતા. અહેવાલો અનુસાર, આ હાઈ પ્રોફાઈલ લગ્ન માટે રાજસ્થાનમાં Rs 17 crore (17 કરોડ રૂપિયા) નો આખો પેલેસ બુક કરવામાં આવ્યો હતો અને મહેમાનોને લાવવા માટે 2 પ્રાઈવેટ પ્લેનની વ્યવસ્થા પણ કરાઈ હતી. શરૂઆતમાં સિયાએ પોલીસને વાર્તા કહી હતી કે ફોટો પડાવતી વખતે કેતનનો પગ લપસી ગયો હતો, પરંતુ મંગળવારે પોલીસે ખુલાસો કર્યો કે આ પ્રેમ પ્રકરણમાં કરાયેલી હત્યા હતી.
ઉચ્ચ શિક્ષિત અને જાણીતી રિયલ એસ્ટેટ કંપનીનો ડાયરેક્ટર હતો કેતન
આ ક્રૂર કાવતરાનો ભોગ બનેલો 26 વર્ષીય કેતન અગ્રવાલ પુણેના એક પ્રતિષ્ઠિત બિઝનેસ પરિવારમાંથી આવતો હતો. તે પુણે સ્થિત ફેમિલી રન રિયલ એસ્ટેટ ફર્મ 'સક્સેસ ગ્રુપ' (Success Group) નો ડાયરેક્ટર હોવાની સાથે કંપનીનો ચીફ માર્કેટિંગ ઓફિસર (CMO) પણ હતો.
કેતન ભણવામાં ખૂબ જ તેજસ્વી હતો. તેણે પુણેની પ્રતિષ્ઠિત સિમ્બાયોસિસ યુનિવર્સિટી (Symbiosis University) માંથી BBA ની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તે ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયો હતો, જ્યાં તેણે 'Babson F.W. Olin Graduate School of Business' માંથી ઓન્ટ્રપ્રનરશિપ (Entrepreneurship) માં માસ્ટર ઓફ સાયન્સ (MSc) ની ડિગ્રી મેળવી હતી.
સસ્ટેનેબિલિટી અને ઇનોવેશન પ્રોજેક્ટ્સ પર કરતો હતો કામ
પોતાના બિઝનેસ ઉપરાંત કેતન પર્યાવરણ અને નવી ટેકનોલોજી પ્રત્યે પણ ખૂબ જ ગંભીર હતો. તેના પ્રોફેશનલ બાયો અનુસાર, તે પુણેમાં એવા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હતો જે માત્ર આર્થિક વિકાસ જ નહીં, પરંતુ ગ્રીનર ફ્યુચર એટલે કે પર્યાવરણની સુરક્ષામાં પણ યોગદાન આપે. આટલા હોંશિયાર અને કરોડોની સંપત્તિના વારસદાર યુવકની તેના જ લગ્ન થવાના હતા તે યુવતીએ હત્યા કરી દેતા પુણેના બિઝનેસ જગતમાં ભારે સન્નાટો વ્યાપી ગયો છે.






