Mevaliyapura Group Clash: ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ કેવી રીતે શાંત ગામડાની શાંતિ હણી શકે છે તેનો જીવંત દાખલો સાવલીના મેવલીયાપુરામાં જોવા મળ્યો છે. ગામમાં કાર્યરત બે અલગ-અલગ સાઉન્ડ સિસ્ટમ ગ્રુપ, 'VSR' અને 'PS' વચ્ચે લાંબા સમયથી કોનું ગ્રુપ વધુ ચઢિયાતું છે તેને લઈને સોશિયલ મીડિયા પર ખેંચતાણ ચાલી રહી હતી. જોકે, ગત રાત્રે આ વર્ચસ્વની લડાઈએ હિંસક વળાંક લીધો હતો. સોશિયલ મીડિયા પર એકબીજાને નીચા દેખાડવા માટે કરવામાં આવેલી ઉશ્કેરણીજનક પોસ્ટના કારણે બંને પક્ષના લોકો લાકડીઓ અને પથ્થરો સાથે સામસામે આવી ગયા હતા. જોતજોતામાં ગામની ગલીઓ રણમેદાનમાં ફેરવાઈ ગઈ હતી. પથ્થરમારામાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સાવલીના જન્મોત્તરી ચિકિત્સા કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે.
ડીજે વોર: VSR vs PS ગ્રુપ વચ્ચેની લડાઈ લોહિયાળ બની
તપાસમાં બહાર આવ્યું છે કે, વિવાદનું મુખ્ય કારણ ડીજે સાઉન્ડ ગ્રુપની માર્કેટિંગ અને સોશિયલ મીડિયા પરની પોસ્ટ હતી. બંને જૂથો વચ્ચે અગાઉ પણ નાની-મોટી બોલાચાલી થઈ હતી, પરંતુ આ વખતે મામલો બિચક્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પરથી વાંધાજનક પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હોવા છતાં, ઉશ્કેરાયેલા ટોળાએ કાયદો હાથમાં લીધો હતો.
ગુજરાતમાં સર્જાશે ઉકળતા ચરૂ જેવી સ્થિતિ: 4 દિવસ બહાર ના નિકળતા, 44°Cમાં શેકાવાનો આવશે વારો, આજે 2 જિલ્લામાં ઓરેન્જ તો 12 જિલ્લામાં યલો એલર્ટ
પોલીસ છાવણીમાં ફેરવાયું ગામ: 15 શખસો જેલના સળિયા પાછળ
ઘટનાની ગંભીરતાને જોતા સાવલી અને ભાદરવા પોલીસનો કાફલો તાત્કાલિક મેવલીયાપુરા પહોંચી ગયો હતો. ભાદરવા પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.એ. બારોટે સ્થિતિ સંભાળીને તાત્કાલિક કોમ્બિંગ હાથ ધર્યું હતું. પોલીસે આ મામલે સામસામી ફરિયાદ નોંધી કુલ 19 શખસો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, જેમાંથી 15 જેટલા આરોપીઓને રાત્રે જ દબોચી લેવામાં આવ્યા છે. હાલમાં ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત છે જેથી કોઈ અણબનાવ ન બને.
ટેકનિકલ તપાસ અને પોલીસની અપીલ
પોલીસ હવે ટેકનિકલ સેલની મદદથી તે પોસ્ટ મેળવવાનો પ્રયાસ કરી રહી છે જેના કારણે હિંસા ભડકી હતી. અશોક ભોઈ, રાજેશ ભોઈ અને દિલીપ સોલંકી સહિતના મુખ્ય આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસે ગ્રામજનોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર કોઈ પણ એવી પોસ્ટ કે અફવા ન ફેલાવવી જેનાથી કોમી એખલાસ કે શાંતિ જોખમાય.





