હજ યાત્રા વિશ્વના સૌથી મોટા ધાર્મિક સમાગમોમાંથી એક માનવામાં આવે છે. દર વર્ષે લાખો મુસ્લિમ શ્રદ્ધાળુઓ મક્કા અને મદીના પહોંચીને હજની પવિત્ર યાત્રા પૂર્ણ કરે છે. ઈસ્લામના 5 મુખ્ય સ્તંભોમાં સમાવિષ્ટ હજ દરેક સક્ષમ મુસ્લિમ માટે જીવનમાં એકવાર કરવી ધાર્મિક ફરજ માનવામાં આવે છે.
પરંતુ ધાર્મિક મહત્ત્વ સાથે હજ યાત્રા સાઉદી અરબની અર્થવ્યવસ્થાનો પણ અત્યંત મહત્વપૂર્ણ હિસ્સો બની ગઈ છે. માત્ર 5 દિવસ ચાલતી હજની મુખ્ય વિધિઓથી જ સાઉદી અરબને દર વર્ષે અબજો ડોલરની આવક થાય છે. હોટેલ ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટ, ખાણીપીણી, ખરીદી અને પ્રવાસન ક્ષેત્રમાં આ સમયગાળા દરમિયાન ભારે ધંધો થાય છે.
હજ અને ઉમરાહથી અબજો ડોલરની આવક
આંતરરાષ્ટ્રીય રિપોર્ટ્સ મુજબ હજ અને ઉમરાહ યાત્રા દ્વારા સાઉદી અરબને દર વર્ષે અંદાજે 12,00,00,00,000 ડૉલર (12 અબજ ડોલર ) જેટલી આવક થાય છે. ભારતીય ચલણ પ્રમાણે આ રકમ એક લાખ કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે. હજ દરમિયાન વિશ્વના વિવિધ દેશોમાંથી આવતા લાખો યાત્રાળુઓ રહેવા, જમવા, મુસાફરી અને ખરીદી માટે મોટી રકમ ખર્ચતા હોય છે. આ સમગ્ર પ્રવૃત્તિથી સાઉદી અરબના નોન-ઓઇલ સેક્ટરને મોટો ટેકો મળે છે. ક્રૂડ ઓઈલ પરની નિર્ભરતા ઘટાડવા માટે સાઉદી અરબ છેલ્લા કેટલાક વર્ષોથી ધાર્મિક પ્રવાસનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને હજ-ઉમરાહ તેની અર્થવ્યવસ્થાનો મહત્વપૂર્ણ આધાર બની રહ્યાં છે.
આ પણ વાંચો: ડેમોગ્રાફી ચેન્જ પર મોદી સરકાર લાવી 'ગેમ ચેન્જર' પ્લાન : હવે દેશમાં એક પણ ઘૂસણખોર બચી શકશે નહીં
હોટેલ ઉદ્યોગને સૌથી મોટો ફાયદો
હજ યાત્રા દરમિયાન મક્કા અને મદીના શહેરોની તમામ હોટેલો લગભગ સંપૂર્ણપણે ભરાઈ જાય છે. ખાસ કરીને મસ્જિદ અલ હરમ નજીક આવેલી લક્ઝરી હોટેલોનો ભાડો સામાન્ય દિવસોની સરખામણીએ અનેક ગણો વધી જાય છે. માત્ર ફાઈવ સ્ટાર હોટેલો જ નહીં, પરંતુ નાના ગેસ્ટ હાઉસ, હોસ્ટેલ અને ભાડાના રૂમોમાં પણ યાત્રાળુઓની ભારે ભીડ રહે છે. જેના કારણે હોટેલ અને હૉસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીને હજ દરમિયાન સૌથી વધુ કમાણી થાય છે. આ સિવાય હજ યાત્રીઓ માટે ખાસ પેકેજો ઓફર કરતી ટૂર કંપનીઓ અને ટ્રાવેલ એજન્સીઓ પણ મોટો નફો કમાય છે. અનેક દેશોમાંથી ચાર્ટર્ડ ફ્લાઇટ્સ અને વિશેષ ટ્રાવેલ સેવાઓ શરૂ કરવામાં આવે છે.
ટ્રાન્સપોર્ટ અને ફૂડ સેક્ટરમાં રેકોર્ડ ધંધો
હજ દરમિયાન બસ, ટેક્સી, મેટ્રો ટ્રેન અને એરલાઇન સેવાઓની માંગમાં ભારે વધારો થાય છે. યાત્રાળુઓને મક્કા, મદીના, મીના અને અરફાત જેવા પવિત્ર સ્થળો વચ્ચે લઈ જવા માટે વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. સાઉદી સરકાર દ્વારા આધુનિક ટ્રાન્સપોર્ટ નેટવર્ક વિકસાવવામાં આવ્યું છે, જેથી લાખો લોકોની અવરજવર સરળતાથી થઈ શકે. હજ સમયગાળા દરમિયાન એરલાઇન્સ માટે પણ આ સૌથી વ્યસ્ત સીઝન માનવામાં આવે છે.
ખાણીપીણી ક્ષેત્રમાં પણ ભારે તેજી જોવા મળે છે. રેસ્ટોરન્ટ, કેટરિંગ સેવાઓ અને ફૂડ સપ્લાય ચેઇન હજ દરમિયાન રેકોર્ડ સ્તરે કામ કરે છે. અનેક યાત્રાળુઓ તેમના કુલ ખર્ચનો મોટો હિસ્સો ખાણીપીણી પર ખર્ચતા હોવાનું રિપોર્ટ્સમાં જણાવાયું છે.
આ પણ વાંચો: તિહાર જેલનો કેદી પેરોલ પર બહાર આવ્યો... અને સીધા કર્યા લગ્ન! : મેરઠમાં થયેલા અનોખા લગ્ને દેશને ચોંકાવ્યું
એક યાત્રાળુ હજ માટે કેટલો ખર્ચ કરે છે?
રિપોર્ટ્સ અનુસાર એક આંતરરાષ્ટ્રીય હજ યાત્રાળુ સરેરાશ 3 હજારથી 10 હજાર ડોલર સુધીનો ખર્ચ કરે છે. તેમાં ફ્લાઈટ ટિકિટ, વિઝા, હોટેલ, ખાણી-પીણી, સ્થાનિક મુસાફરી અને ખરીદીનો સમાવેશ થાય છે. વિવિધ દેશોના યાત્રાળુઓની આર્થિક સ્થિતિ અનુસાર ખર્ચમાં ફેરફાર જોવા મળે છે. કેટલાક લોકો લક્ઝરી પેકેજ પસંદ કરે છે તો કેટલાક સામાન્ય સુવિધાઓ સાથે હજ પૂર્ણ કરે છે ભારત, પાકિસ્તાન, ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશ અને આફ્રિકન દેશોમાંથી હજ માટે મોટી સંખ્યામાં લોકો સાઉદી અરબ પહોંચે છે.
આ વર્ષે 15 લાખથી વધુ વિદેશી યાત્રાળુઓ
માહિતી મુજબ વર્ષ 2026ની હજ યાત્રામાં અત્યાર સુધીમાં 15 લાખથી વધુ વિદેશી શ્રદ્ધાળુઓ સાઉદી અરબ પહોંચી ચૂક્યા છે. એશિયા, આફ્રિકા અને યુરોપમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ યાત્રાળુઓ મક્કામાં ઉમટ્યા છે. આટલી મોટી ભીડને સંભાળવા માટે સાઉદી સરકારે વિશેષ સુરક્ષા અને આરોગ્ય વ્યવસ્થા ગોઠવી છે. હજ દરમિયાન ભીડ નિયંત્રણ, તાપમાન અને આરોગ્ય સેવાઓ સૌથી મોટા પડકાર માનવામાં આવે છે. સાઉદી સરકાર હજ યાત્રાને વધુ સુવ્યવસ્થિત અને આધુનિક બનાવવા માટે સતત ટેક્નોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરી રહી છે.
આ પણ વાંચો: મમતા બેનર્જી સામે નોંધાઈ FIR : ઈદના કાર્યક્રમમાં એવું તે શું બોલી ગયા દીદી?
ધાર્મિક યાત્રાથી આર્થિક શક્તિ સુધી
હજ હવે માત્ર ધાર્મિક ફરજ પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ સાઉદી અરબ માટે વૈશ્વિક સ્તરે એક વિશાળ આર્થિક પ્રવૃત્તિમાં પરિવર્તિત થઈ ગઈ છે. દર વર્ષે લાખો યાત્રાળુઓ દ્વારા થતો ખર્ચ દેશના પ્રવાસન અને સેવા ક્ષેત્રને મજબૂત બનાવે છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી વર્ષોમાં હજ અને ઉમરાહ યાત્રાળુઓની સંખ્યા વધુ વધશે, જેના કારણે સાઉદી અરબની અર્થવ્યવસ્થામાં ધાર્મિક પ્રવાસનનું મહત્વ પણ સતત વધી શકે છે.





