Bihar News: બિહારના રાજકીય ફલક પર આજે મોટી હલચલ જોવા મળી છે. નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ભાજપના દિગ્ગજ નેતા સમ્રાટ ચૌધરીને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. પટનામાં મળેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં વિજય સિન્હાએ સમ્રાટ ચૌધરીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને મંગલ પાંડે અને દિલીપ જયસ્વાલ સહિતના તમામ ધારાસભ્યોએ સર્વાનુમતે વધાવી લીધો હતો. સમ્રાટ ચૌધરી હવે બિહારમાં NDA સરકારના પ્રથમ ભાજપી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
આવતીકાલે શપથગ્રહણ: વડાપ્રધાન મોદી આપશે હાજરી
સમ્રાટ ચૌધરીના શપથગ્રહણ સમારોહ માટેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. આવતીકાલે, 15 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે લોકભવન ખાતે શપથગ્રહણ વિધિ યોજાશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટના પહોંચશે. આ ઉપરાંત કેન્દ્રના અનેક દિગ્ગજ મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહે તેવી શક્યતા છે.
નીતિશ કુમારની ભાવુક વિદાય: રાજીનામું આપી કહ્યું- 'નવી સરકારને મારો સહયોગ'
અગાઉ આજે મંગળવારે નીતિશ કુમારે રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. રાજીનામું આપવા જતા સમયે પણ સમ્રાટ ચૌધરી અને વિજય ચૌધરી તેમની સાથે એક જ ગાડીમાં સવાર હતા, જે રાજ્યમાં સત્તાના સુધરેલા સમીકરણો તરફ ઈશારો કરે છે. રાજીનામું આપ્યા બાદ નીતિશ કુમારે 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, હવે નવી સરકાર રાજ્યના વિકાસના કામો આગળ ધપાવશે અને તેમને મારો પૂર્ણ સહયોગ અને માર્ગદર્શન મળતું રહેશે.
અંતિમ કેબિનેટમાં રડી પડ્યા સુશાસન બાબુ
પોતાના કાર્યકાળની છેલ્લી કેબિનેટ બેઠકમાં નીતિશ કુમાર અત્યંત ભાવુક જોવા મળ્યા હતા. 2005થી બિહારના વિકાસ માટે તેમણે આપેલા યોગદાનને યાદ કરતા તેમની આંખો ભીની થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે, "મેં મારાથી બનતા તમામ પ્રયાસો બિહારની જનતા માટે કર્યા છે." બેઠકમાં હાજર રહેલા અન્ય મંત્રીઓ પણ આ ભાવુક ક્ષણો જોઈ ગમગીન થઈ ગયા હતા.
આ પણ વાંચો: નીતીશ યુગનો આજે અંત : બપોરે 3:15 વાગ્યે રાજ્યપાલને સોંપશે રાજીનામું, જાણો કોણ બનશે બિહારનો નવો નાથ?





