Home National Bihar Cm Nitish Kumar Resigns Sushasan Babu Gets Emotional In Last Cabinet Meeting

નીતિશ કુમારે CM પદેથી આપ્યું રાજીનામું : કેબિનેટની છેલ્લી બેઠકમાં 'સુશાસન બાબુ' થયા હતા ભાવુક, સોશિયલ મીડિયા પર શેર કરી દિલની વાત

Bihar CM Nitish Kumar Resigns
Published by: Nirali Gohil
Last Updated: Apr 14, 2026, 11:54 AM IST

Nitish Kumar Resigns: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે રાજ્યપાલ સૈયદ અતા હસનૈનને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. રાજીનામું આપતા પહેલા તેમણે કેબિનેટની છેલ્લી બેઠક યોજી હતી, જેમાં મંત્રીઓ સાથે વાત કરતા તેમની આંખો ભીની થઈ ગઈ હતી. નીતિશ કુમારે જણાવ્યું કે તેમણે વર્ષ 2005થી અત્યાર સુધી બિહારના વિકાસ માટે અને કાયદાનું શાસન સ્થાપિત કરવા માટે દિવસ-રાત મહેનત કરી છે. હવે તેઓ સ્વેચ્છાએ પદ છોડી રહ્યા છે અને નવી સરકારને માર્ગદર્શન આપતા રહેશે તેવું આશ્વાસન આપ્યું છે.

'X' પર ભાવુક પોસ્ટ: બિહારની જનતા અને PM મોદીનો માન્યો આભાર

રાજીનામું આપ્યા બાદ નીતિશ કુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વિસ્તૃત પોસ્ટ લખી છે. તેમણે લખ્યું, "24 નવેમ્બર 2005ના રોજ જ્યારે પ્રથમ વખત NDA સરકાર બની ત્યારથી અમે બિહારમાં ન્યાય સાથે વિકાસનો મંત્ર સાકાર કર્યો છે. શિક્ષણ, આરોગ્ય, રસ્તા અને મહિલા સશક્તિકરણ માટે જે કામો થયા છે તેનાથી બિહાર આજે પ્રગતિના પથ પર છે." તેમણે વધુમાં ઉમેર્યું કે આગામી પાંચ વર્ષ માટે '7 નિશ્ચય-3' ની યોજના તૈયાર છે અને કેન્દ્ર સરકારના સહયોગ બદલ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આભારી છે.

  • છેલ્લી કેબિનેટમાં રડી પડ્યા

કેબિનેટ બેઠકમાં ગમગીન માહોલ: મંત્રીઓની આંખો પણ થઈ ભીની

નીતિશ કુમારે જ્યારે પોતાની છેલ્લી કેબિનેટ બેઠકમાં વિદાયની વાત કરી ત્યારે હોલનો માહોલ ગમગીન થઈ ગયો હતો. જેડીયુ અને ભાજપના મંત્રીઓએ પણ તેમના નેતૃત્વની પ્રશંસા કરી હતી. મંત્રી લેશી સિંહે કહ્યું કે, બિહારને નીતિશ કુમાર જેવા વડીલ નેતાની ખોટ હંમેશા સાલશે. નીતિશ કુમારે ખાતરી આપી હતી કે બિહારના વિકાસની ગતિ અટકવી જોઈએ નહીં અને તેઓ નવી સરકારને પણ પૂરતો સહયોગ આપશે.

આ પણ વાંચો: નીતીશ યુગનો આજે અંત : બપોરે 3:15 વાગ્યે રાજ્યપાલને સોંપશે રાજીનામું, જાણો કોણ બનશે બિહારનો નવો નાથ?

નીતિશ કુમારની રાજકીય સફર: 10 વખત મુખ્યમંત્રી બનવાનો અનોખો રેકોર્ડ

1974ના જેપી આંદોલનથી શરૂ થયેલી નીતિશ કુમારની સફર ભારતીય રાજકારણમાં ઐતિહાસિક રહી છે.

  • 1974: જેપી આંદોલન દ્વારા રાજકારણમાં પ્રવેશ

  • 1985: પહેલીવાર બિહાર વિધાનસભામાં હરનોત બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા

  • 1989: પહેલીવાર લોકસભામાં ચૂંટાયા અને જનતા દળના સચિવ બન્યા

  • 1994: લાલુ પ્રસાદ યાદવ સાથે મતભેદ થતાં જનતા દળથી અલગ થઈને જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે સમતા પાર્ટીની સ્થાપના કરી

  • 1998 - 2004: અટલ બિહારી વાજપેયીની સરકારમાં રેલવે મંત્રી, કૃષિ મંત્રી જેવા મહત્ત્વના પદો સંભાળ્યા

  • 3 માર્ચ, 2000: પહેલીવાર બિહારના મુખ્યમંત્રી બન્યા, પરંતુ બહુમતી ન હોવાથી માત્ર 7 દિવસમાં રાજીનામું આપવું પડ્યું

  • 2003: સમતા પાર્ટીનું શરદ યાદવની જનતા દળમાં વિલીનીકરણ થયું અને જનતા દળ (યુનાઇટેડ) - JD(U) અસ્તિત્વમાં આવી

  • 2005: ભાજપ સાથે ગઠબંધન કરીને પૂર્ણ બહુમતી સાથે બીજી વાર CM બન્યા

  • 2010: ભારે બહુમતી સાથે સતત ત્રીજી વાર CM પદે પરત ફર્યા 

  • 2013: નરેન્દ્ર મોદીને PM પદના ઉમેદવાર જાહેર કરાતા ભાજપ સાથે 17 વર્ષ જૂનું ગઠબંધન તોડ્યું

  • 2014: લોકસભા ચૂંટણીમાં પરાજય નૈતિક જવાબદારી સ્વીકારી CM પદેથી રાજીનામું આપ્યું અને જીતન રામ માંઝીને ગાદી સોંપી

  • 2015: લાલુ યાદવની RJD અને કોંગ્રેસ સાથે મળીને 'મહાગઠબંધન' બનાવ્યું અને ફરી CM બન્યા

  • 2017: ભ્રષ્ટાચારના મુદ્દે RJD સાથે છેડો ફાડ્યો અને ફરી ભાજપ સાથે મળીને સરકાર બનાવી

  • 2020: NDA ગઠબંધનમાં રહીને સાતમી વાર CM તરીકે શપથ લીધા

  • 2022: ફરી એકવાર પલટી મારીને ભાજપનો સાથ છોડ્યો અને RJD સાથે મળીને સરકાર બનાવી

  • 2024: લોકસભા ચૂંટણી પહેલા ફરી ભાજપ સાથે જોડાઈને NDA સરકારના CM તરીકે નવમી વાર શપથ લીધા

  • 2025 (બિહાર વિધાનસભા ચૂંટણી):  નીતિશ કુમારે પોતાની પકડ જાળવી રાખી અને 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનીને ઇતિહાસ રચ્યો

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now