વૈશ્વિક સ્તરે ઊર્જા સંકટ અને ઇંધણ પુરવઠાને લઈને વધી રહેલી ચિંતાઓ વચ્ચે સર્ગેઈ લાવરૉવએ ભારતને મોટું આશ્વાસન આપ્યું છે. રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે ભારત સાથે ઊર્જા પુરવઠાને લઈને થયેલા તમામ કરારો દરેક પરિસ્થિતિમાં પૂર્ણ કરવામાં આવશે અને ભારતના હિતોને કોઈપણ પ્રકારનું નુકસાન થવા દેવામાં નહીં આવે.
દિલ્હી મુલાકાત પહેલા આપેલા એક ઇન્ટરવ્યૂમાં લાવરૉવે ભારત-રશિયા સંબંધોને “ખાસ મિત્રતા” પર આધારિત ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે બંને દેશોના સંબંધો એટલા મજબૂત છે કે બંનેના રસ્તા ક્યારેય અલગ થઈ શકે નહીં. રશિયાએ હંમેશા ભારત પ્રત્યે પોતાની જવાબદારીઓ નિભાવી છે અને ઊર્જા સપ્લાય મામલે પણ કોઈ બેદરકારી દાખવી નથી.
ઇમરજન્સીએ ઉતાર્યો "India is Indira, and Indira is India" નો ફાંકો : “સિંહાસન ખાલી કરો કે જનતા આતી હૈ.” ના નારાએ રોપ્યું ભાજપના ઉદયનું બીજ
લાવરૉવે કહ્યું, “હું ખાતરી આપું છું કે રશિયાથી થતી ઊર્જા સપ્લાયના મામલે ભારતના હિતોને કોઈ નુકસાન નહીં થાય. અમે દરેક શક્ય પ્રયાસ કરીશું કે અનુચિત અને બેઇમાન સ્પર્ધા અમારા કરારોને અસર ન પહોંચાડે.”
તેલ, ગેસ અને કોલસા સપ્લાયમાં સહકાર વધુ મજબૂત બનશે
રશિયાએ જણાવ્યું કે ભારતને ગેસ, તેલ અને કોલસા જેવા હાઇડ્રોકાર્બનનું સપ્લાય સતત ચાલુ છે અને ભવિષ્યમાં બંને દેશો વચ્ચે ઊર્જા ક્ષેત્રે સહકાર વધુ મજબૂત બનશે. યુક્રેન યુદ્ધ બાદ પશ્ચિમ દેશોએ રશિયા પર વિવિધ પ્રતિબંધો લગાવ્યા હોવા છતાં ભારતે રશિયાથી ઊર્જા આયાત વધારી છે, જેના કારણે બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો વધુ ગાઢ બન્યા છે.
લાવરૉવે કુડનકુલમ પરમાણુ ઊર્જા સંયંત્રનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ પ્રોજેક્ટ ભારત-રશિયા સહકારનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. રશિયાની ટેક્નિકલ મદદથી તૈયાર થતો આ પરમાણુ પ્રોજેક્ટ ભારતની ઊર્જા જરૂરિયાતો પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.
તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટ હેઠળ નવી વીજ ઉત્પાદન યુનિટોના નિર્માણનું કામ ચાલુ છે. રશિયન સરકારી મીડિયા મુજબ, કુડનકુલમ પ્લાન્ટની પ્રથમ 1000 મેગાવોટ ક્ષમતાવાળી યુનિટ ફેબ્રુઆરી 2016 થી સતત સફળતાપૂર્વક કાર્યરત છે અને 2027 સુધી સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ ક્ષમતાથી કાર્યરત થવાની આશા છે.
વડાપ્રધાન મોદીની પ્રશંસા
નરેન્દ્ર મોદી વિશે બોલતા સર્ગેઈ લાવરૉવે તેમને વિશ્વના સૌથી ઊર્જાવાન નેતાઓમાંના એક ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી પોતાની ઊર્જાનો ઉપયોગ ભારતની અર્થવ્યવસ્થા, રક્ષા, સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાને મજબૂત બનાવવા માટે કરી રહ્યા છે.
લાવરૉવના જણાવ્યા મુજબ, ભારત સતત પોતાની સંપ્રભુતા અને વૈશ્વિક પ્રભાવને મજબૂત બનાવી રહ્યું છે અને તેમાં વડાપ્રધાન મોદીની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
‘હિન્દી-રૂસી ભાઈ-ભાઈ’ માત્ર નારો નથી
ભારત-રશિયા સાંસ્કૃતિક સંબંધો અંગે વાત કરતા લાવરૉવે કહ્યું કે “હિન્દી-રૂસી ભાઈ-ભાઈ” માત્ર રાજકીય નારો નથી, પરંતુ બંને દેશોની સંસ્કૃતિનો ભાગ બની ગયો છે.
તેમણે જણાવ્યું કે રાજ કપૂરની ફિલ્મો આજે પણ રશિયામાં ખૂબ લોકપ્રિય છે. ઉપરાંત ભારતીય ફિલ્મો અને ટીવી કાર્યક્રમો પણ રશિયાના વિવિધ વિસ્તારોમાં પસંદ કરવામાં આવે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે બંને દેશોના સંબંધો ચટ્ટાન જેવા મજબૂત છે અને કોઈપણ દબાણ હેઠળ તૂટી શકે તેમ નથી.
ભારત-રશિયા સંબંધોને નબળા પાડવાના પ્રયાસો પર ટિપ્પણી
લાવરૉવે આક્ષેપ કર્યો કે કેટલીક વૈશ્વિક શક્તિઓ ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને નબળા પાડવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે કેટલાક દેશો પોતાના નિયમો લાદવા માટે બંધ આર્થિક અને રાજકીય ગઠબંધનો ઉભા કરી રહ્યા છે, પરંતુ તેમની કોશિશો સતત નિષ્ફળ જઈ રહી છે.
તેમણે કહ્યું કે રશિયા અને ભારત બંને આ પરિસ્થિતિને સારી રીતે સમજે છે અને આ જ બાબત બંને દેશોની મિત્રતાને વધુ કિંમતી બનાવે છે.
BRICS અને G20 મુદ્દાઓ પર થશે ચર્ચા
ભારત પ્રવાસ દરમિયાન સર્ગેઈ લાવરૉવ તેમના ભારતીય સમકક્ષ એસ. જયશંકર સાથે મુલાકાત કરશે. ઉપરાંત તેઓ BRICS દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં પણ ભાગ લેશે.
આ બેઠક દરમિયાન મધ્ય-પૂર્વની પરિસ્થિતિ, વૈશ્વિક રાજકીય મુદ્દાઓ, ઊર્જા સુરક્ષા, BRICS સહકાર અને G20 સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.






