Home National Supreme Court Verdict On Wife Career And Marital Cruelty Gujarati News

"આજ્ઞાકારી પત્ની બનવા સપનાઓ છોડવા જરૂરી નથી" : સુપ્રીમ કોર્ટે પત્નીના કરિયરને લઈને સંભળાવ્યો ઐતિહાસિક ચુકાદો

Supreme Court Verdict Women Rights
Image Credit: AI
Published by: Nirali Gohil
Last Updated: May 13, 2026, 09:23 AM IST

Supreme Court Verdict: ભારતના ન્યાયતંત્રના ઇતિહાસમાં મહિલાઓના સ્વાતંત્ર્ય અને તેમના કરિયરને લઈને સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વનો અને ક્રાંતિકારી ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, લગ્ન પછી પણ મહિલાની પોતાની અલગ ઓળખ અને સ્વતંત્રતા જળવાઈ રહે છે. પત્નીને માત્ર પતિના ઘરનો એક ગૌણ હિસ્સો કે 'સહાયક' માની શકાય નહીં. કોર્ટે નીચલી અદાલતોના એવા તારણોને ફગાવી દીધા છે જેમાં પત્ની દ્વારા કરિયર બનાવવાની જીદને પતિ પ્રત્યેની 'ક્રૂરતા' ગણાવવામાં આવી હતી. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે આ મામલે સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટ અને ફેમિલી કોર્ટના વલણને 'રૂઢિચુસ્ત' અને 'ચિંતાજનક' ગણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે ટકોર કરી કે આજના યુગમાં એવી અપેક્ષા રાખવી કે મહિલા પોતાનું કરિયર છોડીને માત્ર 'આજ્ઞાકારી પત્ની'ની ભૂમિકા ભજવે, તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.

શું હતો સમગ્ર મામલો? (અમદાવાદ કનેક્શન)

આ કેસની વિગત મુજબ, એક લાયકાત ધરાવતી મહિલા ડેન્ટિસ્ટના લગ્ન વર્ષ 2009માં એક આર્મી ઓફિસર સાથે થયા હતા. લગ્ન બાદ પત્નીએ પુણેમાં પોતાનું ક્લિનિક શરૂ કર્યું હતું, પરંતુ પતિની પોસ્ટિંગ કારગિલમાં થતાં અને બાદમાં ગર્ભાવસ્થા દરમિયાન પુત્રીની ગંભીર બીમારીને કારણે મહિલા અમદાવાદ પરત આવી હતી. અહીં તેમણે પોતાની મેડિકલ પ્રેક્ટિસ ચાલુ રાખવા માટે ડેન્ટલ ક્લિનિક શરૂ કર્યું હતું. જોકે, પતિ અને સાસરી પક્ષે આક્ષેપ કર્યો હતો કે, પત્નીએ તેમની પરવાનગી વગર ક્લિનિક શરૂ કર્યું છે અને તે પતિની સાથે પોસ્ટિંગની જગ્યાએ રહેતી નથી, જે માનસિક ક્રૂરતા છે. ફેમિલી કોર્ટે આ દલીલને ગ્રાહ્ય રાખી મહિલાના આ પગલાને 'ક્રૂરતા' અને પતિનો ત્યાગ ગણાવ્યો હતો.

આ પણ વાંચો: પ્રતિક યાદવનું કરોડોનું કાર કલેક્શન તમને પણ કરી દેશે આશ્ચર્યચકિત! : લક્ઝરી અને પ્રીમિયમ ગાડીઓના શોખીન હતા

"સામંતશાહી માનસિકતા હવે નહીં ચાલે": સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતોના રૂઢિચુસ્ત વલણ સામે સખત નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજના આધુનિક સમયમાં સામંતશાહી માનસિકતાને કોઈ સ્થાન નથી. અદાલતે ભારપૂર્વક કહ્યું કે લગ્ન એ કોઈ બંધન નથી જે મહિલાની પોતાની આકાંક્ષાઓ, સપનાઓ કે તેની સ્વતંત્ર ઓળખનો અંત લાવી દે. કોર્ટે એક અત્યંત તાર્કિક પ્રશ્ન ઉઠાવતા પૂછ્યું હતું કે, જો આ જ પરિસ્થિતિ ઉલટી હોત, તો શું કોઈ પતિ પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવત કે તે તેની પત્નીની નોકરી કે કરિયર માટે પોતાનો વ્યવસાય છોડી દે? ન્યાયમૂર્તિઓએ વધુમાં ઉમેર્યું કે, માત્ર એટલા માટે કે એક મહિલા આર્મી ઓફિસરની પત્ની છે, તે પોતાની ડેન્ટિસ્ટ તરીકેની કારકિર્દી કે વ્યાવસાયિક સપનાઓ વિશે વિચારી પણ ન શકે, તેવું માનવું એ અત્યંત પછાત અને સંકુચિત વિચારધારાનું પ્રતીક છે. કોર્ટના મતે, પત્નીને પતિના જીવનનો માત્ર એક ગૌણ હિસ્સો માનવાને બદલે તેના વ્યક્તિગત અસ્તિત્વ અને વ્યાવસાયિક સ્વતંત્રતાનું સન્માન કરવું અનિવાર્ય છે.

છૂટાછેડા મંજૂર, પણ 'ક્રૂરતા'ના ડાઘા હટાવ્યા

સુપ્રીમ કોર્ટે પત્ની પર લાગેલા 'ક્રૂરતા' અને 'પરિત્યાગ' (Desertion) ના તમામ આરોપો અને તારણોને રદ કરી દીધા છે. જોકે, કોર્ટે જોયું કે દંપતી વચ્ચેના સંબંધો સુધરી શકે તેમ નથી અને પતિએ કથિત રીતે બીજા લગ્ન પણ કરી લીધા છે. તેથી, લગ્ન સંપૂર્ણપણે તૂટી ગયા હોવાના આધારે (Irretrievable Breakdown of Marriage) કોર્ટે છૂટાછેડાને માન્ય રાખ્યા છે.

આ પણ વાંચો: થલાપતિનો પાવર શો : વિધાનસભામાં ભારે બહુમતી સાથે ફ્લોર ટેસ્ટ જીત્યો, સ્ટાલિનની DMK જોતી રહી ગઈ

વેરની ભાવનાથી કરાયેલી માંગ ફગાવી

પતિએ પત્ની વિરુદ્ધ કોર્ટમાં ખોટી જુબાની (Perjury) આપવાનો કેસ ચલાવવાની પણ માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે આ માંગને ફગાવતા કહ્યું કે, આ માત્ર વ્યક્તિગત બદલાની ભાવનાથી પ્રેરિત લાગે છે. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે પતિ-પત્નીએ એકબીજાના વ્યવસાયિક સપનાઓનું સન્માન કરવું જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now