Home Sports IPL 2026 Rcb Vs Gt Ipl 2026 Match Preview Gujarati

IPL 2026; પાટીદાર vs ગિલની કેપ્ટનશીપની આજે અગ્નિપરીક્ષા! : ચિન્નાસ્વામીમાં ફરી થશે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, RCB-GT મેચમાં કોની થશે જીત?

Virat Kohli, Rajat Patidar, Shubman Gill, Mohammed Siraj
Image Credit: OBS Bureau
Published by: Aryan Shah
Last Updated: Apr 24, 2026, 10:44 AM IST

RCB vs GT : IPL 2026 ની રોમાંચક સિઝન હવે તેના અડધા પડાવ પર પહોંચી ગઈ છે. આજે શુક્રવારે રમાનારી સિઝનની 34 મી મેચમાં બે દિગ્ગજ ટીમો, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ આમને-સામને ટકરાશે. આ હાઇ-વોલ્ટેજ મુકાબલો બેંગલુરુના પ્રસિદ્ધ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. પોઇન્ટ્સ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે બંને ટીમો માટે આ મેચ જીતવી ખૂબ જ અનિવાર્ય છે. ખાસ કરીને રજત પાટીદાર અને શુભમન ગિલની કેપ્ટનશીપની કસોટી આજે આ મેદાન પર જોવા મળશે.

કેપ્ટન અને પોઇન્ટ્સ ટેબલની સ્થિતિ

RCB ની કમાન આ વખતે રજત પાટીદારના હાથમાં છે, જેને પોતાની બેટિંગ અને નેતૃત્વથી સૌને પ્રભાવિત કર્યા છે. પાટીદાર અત્યારે શાનદાર ફોર્મમાં છે અને સિઝનમાં સૌથી વધુ સિક્સર મારનારા ખેલાડીઓની લિસ્ટમાં બીજા સ્થાને છે. RCB અત્યાર સુધી 6 મેચ રમી છે, જેમાં 4 જીત અને 2 હાર સાથે 8 પોઇન્ટ્સ મેળવીને ટેબલમાં ત્રીજા સ્થાને છે. બીજી તરફ, ગુજરાત ટાઇટન્સની ટીમ શુભમન ગિલના નેતૃત્વમાં મિશ્ર પ્રદર્શન કરી રહી છે. GT એ 6 માંથી 3 મેચ જીતી છે અને 6 પોઇન્ટ્સ સાથે તેઓ ટેબલમાં સાતમા સ્થાને છે.

હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કાંટાની ટક્કર

IPL ઇતિહાસની વાત કરીએ તો, ગુજરાત અને બેંગલુરુ વચ્ચે હંમેશા રસાકસીનો જંગ રહ્યો છે. અત્યાર સુધી બંને ટીમો કુલ 6 વખત ટકરાઈ છે, અને આશ્ચર્યજનક રીતે બંને ટીમોએ 3-3 મેચ જીતીને બરાબરી જાળવી રાખી છે. એટલે કે, આજે જે ટીમ જીતશે તે હેડ-ટુ-હેડ આંકડામાં સરસાઈ મેળવશે. ચિન્નાસ્વામીમાં આ બંને ટીમો જ્યારે પણ સામસામે આવી છે ત્યારે પ્રેક્ષકોને ચોગ્ગા-છગ્ગાની રમઝટ જોવા મળી છે.RCB માટે કોહલી અને ભુવી મહત્વના

બેંગલુરુના ફેન્સ માટે સૌથી મોટી ખુશીની વાત વિરાટ કોહલીનું ફોર્મ છે. કોહલીએ 6 મેચમાં 247 રન બનાવીને ઓરેન્જ કેપની રેસમાં પોતાની દાવેદારી મજબૂત કરી છે. તે 157 થી વધુના સ્ટ્રાઇક રેટથી રન બનાવી રહ્યો છે, જે ટીમને મજબૂત પાયો આપે છે. બોલિંગમાં અનુભવી ભુવનેશ્વર કુમારે મોરચો સંભાળ્યો છે. તેને અત્યાર સુધી 10 વિકેટ ઝડપી છે અને પાવરપ્લેમાં તે ગુજરાતના ઓપનરો માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે.

ગુજરાતની તાકાત ગિલ અને પ્રસિદ્ધ

ગુજરાત ટાઇટન્સ માટે કેપ્ટન શુભમન ગિલ બેટિંગમાં પિલર સાબિત થઈ રહ્યો છે. તેને 5 મેચમાં 265 રન ફટકાર્યા છે, જેમાં ત્રણ અડધી સદી સામેલ છે. ગિલની બેટિંગ સ્ટાઇલ ચિન્નાસ્વામીની નાની બાઉન્ડ્રી પર વિરોધી ટીમના બોલરોને મુશ્કેલીમાં મૂકી શકે છે. બોલિંગ વિભાગમાં પ્રસિદ્ધ ક્રિષ્નાએ અત્યાર સુધી કમાલ કરી છે અને 12 વિકેટ સાથે પર્પલ કેપની રેસમાં છે. જોકે, તેની ઇકોનોમી થોડી ચિંતાનો વિષય છે, પરંતુ વિકેટ ટેકિંગ ક્ષમતા તેને ઘાતક બનાવે છે.

આ પણ ખાસ વાંચો : શું 'કેપ્ટન કૂલ' IPL માં એક પણ મેચ નહીં રમે? : કોચ માઈકલ હસીએ તોડી ચુપ્પી!

પિચ અને મેદાનના રસપ્રદ આંકડા

એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ હંમેશા બેટર્સ માટે સ્વર્ગ ગણાય છે. અહીં રન બનાવવા ખૂબ જ સરળ છે કારણ કે, બાઉન્ડ્રી નાની છે અને આઉટફિલ્ડ વીજળી જેવી ફાસ્ટ છે. આ મેદાન પર અત્યાર સુધી 106 IPL મેચ રમાઈ છે, જેમાંથી બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમ વધુ વખત (54%) જીતી છે. આંકડા મુજબ અહીંનો એવરેજ ફર્સ્ટ ઇનિંગ સ્કોર 170 રન છે, પરંતુ આજના યુગમાં અહીં 200 થી વધુ રન પણ સુરક્ષિત ગણાતા નથી.

આ પણ ખાસ વાંચો : લખનઉ સ્ટેડિયમમાં ફેન્સ વચ્ચે થઈ "બાકાજીકી" : મેચ કરતાં સ્ટેન્ડમાં ચપ્પલથી મારામારીનો વિવાદ ચર્ચામાં!

હવામાન અને ટોસનું મહત્વ

મેચ દરમિયાન બેંગલુરુનું વાતાવરણ ક્રિકેટ માટે સાનુકૂળ રહેશે. વરસાદની કોઈ સંભાવના નથી, પરંતુ રાત્રે ભેજ (Dew) નું પ્રમાણ વધવાની શક્યતા છે. જ્યારે મેદાન પર ઝાકળ પડે છે ત્યારે સ્પિનરો માટે બોલ ગ્રીપ કરવો મુશ્કેલ બને છે અને બેટર્સ માટે રન ચેઝ કરવા સરળ બની જાય છે. આથી, ટોસ જીતનારી ટીમ કોઈપણ ખચકાટ વગર પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લેશે.

RCB vs GT ની સંભવિત પ્લેઇંગ-12

RCB : રજત પાટીદાર (કેપ્ટન), વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, ટીમ ડેવિડ, જિતેશ શર્મા (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, રાસિખ સલામ અને સુયશ શર્મા.

GT : શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાહુલ તેવતિયા, વોશિંગ્ટન સુંદર, રાશિદ ખાન, પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ, કાગીસો રબાડા અને અશોક શર્મા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now