IPL 2026 : IPL 2026 ની સિઝન જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ રોમાંચની સાથે વિવાદો પણ વધી રહ્યા છે. સામાન્ય રીતે સ્ટેડિયમમાં ફેન્સ પોતાની મનપસંદ ટીમને ચિયર કરવા આવતા હોય છે, પરંતુ લખનઉના ઈકાના સ્ટેડિયમમાં કઈક અલગ જ જોવા મળ્યું. અહીં રમતની મજા માણવા આવેલા બે ફેન્સ અચાનક દુશ્મન બની ગયા હતા અને તેમની વચ્ચે ભયંકર મારામારી થઈ હતી. આ શરમજનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે અને લોકો આ વર્તનને લઈને અયોગ્ય ગણાવી રહ્યા છે.
ચપ્પલ અને લાતોથી થઈ ધોલાઈ
ગત બુધવારે 22 એપ્રિલ 2026 ના રોજ લખનઉ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી હાઇ-વોલ્ટેજ મેચ દરમિયાન આ વિવાદ થયો હતો. સ્ટેન્ડમાં બેઠેલા બે શખસો વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી જે જોતજોતામાં હિંસક બની ગઈ હતી. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક શખસે બીજા વ્યક્તિને જોરથી ધક્કો મારીને નીચેની રો (લાઇન) માં પટકી દીધો હતો. નીચે પડ્યા બાદ તે યુવક તરત ઉપર આવ્યો અને વળતો હુમલો કર્યો હતો. આ ઝઘડો એટલો ઉગ્ર હતો કે, એક યુવકે પોતાના પગમાંથી ચપ્પલ કાઢીને બીજા પર વરસાવવાનું શરૂ કર્યું હતું. આસપાસ બેઠેલા અન્ય દર્શકો ડરના માર્યા દૂર ખસી ગયા હતા અને સિક્યુરિટી માટે બૂમો પાડવા લાગ્યા હતા.
મેદાનમાં રાજસ્થાનનો દબદબો
એક તરફ સ્ટેન્ડમાં મારામારી ચાલતી હતી, તો બીજી તરફ મેદાનમાં રાજસ્થાન રોયલ્સે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. રાજસ્થાનની ટીમે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં 159 રનનો સન્માનજનક સ્કોર ઉભો કર્યો હતો. આ ઈનિંગમાં રવીન્દ્ર જાડેજાએ પરિપક્વતા બતાવી 43 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી, જેના કારણે ટીમ પડકારજનક સ્કોર સુધી પહોંચી શકી હતી. ઈકાનાની પિચ બોલરોને મદદ કરી રહી હોવાથી 160 રનનો લક્ષ્યાંક લખનઉ માટે મોટો પડકાર સાબિત થવાનો હતો.
લખનઉની બેટિંગ લાઇનઅપ ધરાશાયી
160 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી લખનઉ સુપર જાયન્ટ્સની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી. ટીમના મધ્યમ ક્રમના ત્રણ મોટા સ્તંભો આયુષ બદોની, કેપ્ટન રિષભ પંત અને એડન માર્કરમ ખાતું ખોલાવ્યા વિના શૂન્ય રને પેવેલિયન ભેગા થઈ ગયા હતા. જોકે, મિશેલ માર્શે એક છેડો સાચવી રાખી 55 રનની લડાયક ઇનિંગ રમી હતી, પરંતુ સામે છેડેથી કોઈ સાથ ન મળતા આખી ટીમ માત્ર 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ, રાજસ્થાન રોયલ્સે 40 રનથી શાનદાર જીત નોંધાવી હતી.
બોલિંગમાં આર્ચરનો કહેર
રાજસ્થાનની જીતમાં બોલરોનો ફાળો સૌથી વધુ રહ્યો હતો. જોફ્રા આર્ચરે પોતાની સ્પીડથી લખનૌના બેટ્સમેનોને હંફાવ્યા હતા અને 3 મહત્વની વિકેટ ઝડપી હતી. તેને સાથ આપતા બ્રિજેશ શર્મા અને નાન્દ્રે બર્ગરને પણ 2-2 સફળતા મળી હતી. ઓલરાઉન્ડ પ્રદર્શન કરનાર રવીન્દ્ર જાડેજાએ બેટિંગમાં 43 રન બનાવવાની સાથે નિકોલસ પૂરનની કિંમતી વિકેટ પણ લીધી હતી, જેના કારણે તેને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.





