IPL 2026 : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની સિઝન અત્યારે તેના પૂરા જોશમાં ચાલી રહી છે, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સના કરોડો ફેન્સના મનમાં એક જ સવાલ ચાલી રહ્યો છે કે, મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર ક્યારે જોવા મળશે? મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી હાઇ-વોલ્ટેજ મેચમાં જ્યારે ધોની પ્લેઈંગ ઈલેવનમાં ન દેખાયા, ત્યારે ફેન્સની ચિંતા વધી ગઈ હતી. જોકે, હવે ટીમના બેટિંગ કોચ માઈકલ હસીએ ધોનીની ઈજા અને ધોનીના કમબેક અંગે જે વિગતો આપી છે, તેનાથી ફેન્સને થોડી રાહત મળી છે.
વાનખેડેમાં ફેન્સને નસીબ ન થઈ માહીની ઝલક
ગુરુવારે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં એવી આશા રાખવામાં આવી હતી કે, ધોની મેદાનમાં ઉતરશે. જ્યારે ટોસ કરવા માટે ચેન્નાઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ આવ્યા, ત્યારે આખું સ્ટેડિયમ 'ધોની-ધોની' ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. પરંતુ જેવી ગાયકવાડે પ્લેઈંગ-11 ની જાહેરાત કરી અને તેમાં ધોનીનું નામ નહોતું, ત્યારે સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો હતો. ધોનીની ગેરહાજરીએ તેની ફિટનેસ અને આખી સિઝનમાં તેની ઉપલબ્ધતા વિશે અનેક તર્ક-વિતર્કો ઉભા કર્યા હતા.
બેટિંગ કોચ માઈકલ હસીની મહત્વની સ્પષ્ટતા
મેચ દરમિયાન જ્યારે બ્રોડકાસ્ટર્સ દ્વારા ધોનીની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે CSK ના બેટિંગ કોચ માઈકલ હસીએ પરિસ્થિતિ સ્પષ્ટ કરી હતી. માઈકલ હસીએ જણાવ્યું કે, "ધોની હાલમાં નેટ્સમાં ખૂબ જ મહેનત કરી રહ્યો છે અને બેટિંગમાં તે સારા લયમાં દેખાય છે. પરંતુ, ક્રિકેટમાં માત્ર બેટિંગ જ નહીં, વિકેટો વચ્ચે ઝડપથી દોડવું પણ એટલું જ જરૂરી છે. ધોની અત્યારે 100 ટકા ફિટ નથી અને તેને દોડવામાં તકલીફ થઈ રહી છે. અમે કોઈ ઉતાવળ કરવા માંગતા નથી, કારણ કે, અમે ઈચ્છીએ છીએ કે, જ્યારે તે પાછો આવે ત્યારે પૂરી તાકાત સાથે આવે."
ઈજા પાછળનું અસલી કારણ અને રિકવરી
રિપોર્ટ્સ મુજબ, 44 વર્ષીય મહેન્દ્ર સિંહ ધોની અત્યારે 'કાફ મસલ' (પગની માંસપેશી) ની ઈજા સામે ઝઝૂમી રહ્યા છે. આ ઈજા તેમને IPL 2026 શરૂ થાય તે પહેલા પ્રી-સિઝન કેમ્પ દરમિયાન થઈ હતી. વધતી જતી ઉંમરને કારણે સ્નાયુઓની ઈજામાંથી બહાર આવવામાં થોડો વધુ સમય લાગે છે. ધોની અત્યારે ફિઝિયોથેરાપી અને હળવી પ્રેક્ટિસના તબક્કામાં છે, જેથી આગામી મેચો સુધીમાં તે ફિટ થઈ શકે.
કમબેકની સંભવિત તારીખ અને આગામી મેચો
CSK ના મેનેજમેન્ટ અને રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર, ધોનીના કમબેક માટે હવે બહુ લાંબી રાહ જોવી નહીં પડે. એવી પ્રબળ શક્યતા છે કે, ધોની 26 એપ્રિલના રોજ ગુજરાત ટાઇટન્સ સામે રમાનારી મેચમાં ટીમનો ભાગ બની શકે છે. જો કોઈ કારણોસર તે મેચમાં વાપસી ન થાય, તો 2 મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામેની હોમ મેચમાં તે ચોક્કસપણે મેદાન પર પરત ફરી શકે છે. ચેન્નાઈના ચાહકો આ બે તારીખોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
IPL માં ધોનીનો પ્રભુત્વ અને CSK નો દબદબો
મહેન્દ્ર સિંહ ધોની માત્ર એક ખેલાડી નથી, પણ ચેન્નાઈ સુપર કિંગ્સની ઓળખ છે. તેમની કેપ્ટનશીપ હેઠળ ટીમે 5 વખત IPL ટ્રોફી જીતી છે. ધોનીએ અત્યાર સુધીની 278 મેચોમાં 39 થી વધુની એવરેજથી 5439 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમનો સ્ટ્રાઇક રેટ પણ શાનદાર રહ્યો છે. ધોનીની ગેરહાજરીમાં પણ ચેન્નાઈએ મુંબઈને 103 રનથી હરાવીને ઇતિહાસ રચ્યો હતો, જે મુંબઈ ઈન્ડિયન્સની IPL ઇતિહાસની સૌથી મોટી હાર છે.





