RBI Plastic Notes: ભારતમાં ડિજિટલ પેમેન્ટ અને UPIનો વ્યાપ ઝડપથી વધ્યો હોવા છતાં રોકડ વ્યવહારોમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી. દેશભરમાં હજુ પણ કેશની માંગ સતત વધી રહી છે, જેના કારણે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) પર ચલણી નોટો છાપવાનો અને જાળવવાનો ખર્ચ વધી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે RBI ફરી એકવાર ભારતમાં પ્લાસ્ટિક એટલે કે પોલીમર ચલણી નોટો (Polymer Banknotes) લાવવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે. પટના અને મુંબઈમાં યોજાયેલી આરબીઆઇની સેન્ટ્રલ બોર્ડ બેઠકમાં આ મુદ્દે ગંભીર ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે અને ટૂંક સમયમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
શા માટે RBI પ્લાસ્ટિક નોટો તરફ વળી રહી છે?
દેશમાં ચલણમાં રોકડની વધતી માંગ અને નોટો છાપવાના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને RBI નવા વિકલ્પો પર વિચાર કરી રહી છે. RBIના વાર્ષિક અહેવાલ અનુસાર, નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન બેંકનોટ પ્રિન્ટિંગનો ખર્ચ વધીને ₹6,372.8 કરોડ સુધી પહોંચી ગયો છે, જ્યારે અગાઉના વર્ષે આ ખર્ચ ₹5,101.4 કરોડ હતો. આ ઉપરાંત, દેશમાં મે મહિનાના મધ્ય સુધી ચલણમાં રહેલી કુલ રોકડ ₹42.86 ટ્રિલિયન સુધી પહોંચી ગઈ છે, જે વાર્ષિક ધોરણે આશરે 11.5 ટકાનો વધારો દર્શાવે છે. માત્ર એક જ વર્ષમાં બજારમાંથી 23.8 અબજ જેટલી ફાટેલી અને મેલી નોટો પરત ખેંચવી પડી હતી, જેમાં ₹500ની નોટોનો સૌથી વધુ હિસ્સો હતો. આવી સ્થિતિમાં લાંબા સમય સુધી ટકી રહે તેવી નોટો લાવવાનો વિચાર આરબીઆઇ માટે મહત્વપૂર્ણ બની રહ્યો છે.
શું છે પોલીમર નોટોની ખાસિયત?
પ્લાસ્ટિક અથવા પોલીમર નોટો પરંપરાગત કપાસ આધારિત કાગળની નોટો કરતાં વધુ મજબૂત અને ટકાઉ ગણાય છે. વૈશ્વિક રિપોર્ટ્સ મુજબ, પોલીમર નોટો સામાન્ય કાગળની નોટોની સરખામણીમાં 2.5થી 4 ગણી વધુ ટકી શકે છે અને સરળતાથી ફાટતી નથી. આ નોટો ખાસ પ્રકારની બાય-એક્સિઅલી ઓરિએન્ટેડ પોલીપ્રોપીલિન ફિલ્મથી બનાવવામાં આવે છે, જેના કારણે પાણી, ભેજ, કાદવ અથવા બેક્ટેરિયાનું તેના પર કોઈ ખાસ પ્રભાવ પડતો નથી. સાથે જ તેમાં અદ્યતન સિક્યોરિટી ફીચર્સ અને ખાસ પ્રકારની શાહીનો ઉપયોગ થતો હોવાથી તેની નકલ કરવી અત્યંત મુશ્કેલ બને છે. જોકે પોલીમર નોટો છાપવાનો પ્રારંભિક ખર્ચ વધુ હોય છે, પરંતુ તેની લાંબી આયુષ્યને કારણે લાંબા ગાળે સરકારને હજારો કરોડ રૂપિયાની બચત થઈ શકે છે.
આ પણ વાંચો: NEET વિવાદ પર સુપ્રીમ કોર્ટનું કડક વલણ: NTA ને વધુ મજબૂત બનાવવા કેન્દ્ર સરકાર પાસેથી માંગ્યો જવાબ
અગાઉ પણ થયો હતો પ્રયાસ, પણ સફળતા મળી નહોતી
ભારતમાં પ્લાસ્ટિક નોટો લાવવાનો પ્રયાસ આ પહેલીવાર નથી થઈ રહ્યો. વર્ષ 2009માં RBIએ ₹10ની લગભગ 1 અબજ પ્લાસ્ટિક નોટો બહાર પાડવા માટે વૈશ્વિક ટેન્ડર જાહેર કર્યું હતું. ત્યારબાદ 2015-16 દરમિયાન મૈસૂર, શિમલા, જયપુર, કોચી અને ભુવનેશ્વર જેવા વિવિધ આબોહવા ધરાવતા શહેરોમાં તેનો ફિલ્ડ ટ્રાયલ કરવાની યોજના હતી. પરંતુ તે સમયે ટેક્નિકલ સમસ્યાઓ અને ATM ઓપરેશનલ ખામીઓના કારણે આ પ્રોજેક્ટને અટકાવી દેવામાં આવ્યો હતો. હવે RBIનું માનવું છે કે દેશનું બેંકિંગ ઈકોસિસ્ટમ અને ATM ઓથેન્ટિકેશન સિસ્ટમ ઘણી હદ સુધી અપગ્રેડ થઈ ગઈ છે, જેથી આ વખતે પ્રોજેક્ટ સફળ થવાની શક્યતા વધુ છે.
દુનિયાના ઘણા દેશોમાં વર્ષોથી ચાલે છે પ્લાસ્ટિક મની
વિશ્વમાં સૌથી પહેલા ઓસ્ટ્રેલિયાએ 1988માં પોલીમર નોટો રજૂ કરી હતી અને 1996 સુધીમાં સંપૂર્ણપણે પ્લાસ્ટિક કરન્સી પર શિફ્ટ થઈ ગયું હતું. આજે બ્રિટન, કેનેડા, ન્યુઝીલેન્ડ, વિયેતનામ, માલદીવ્સ, રોમાનિયા અને બ્રુનેઈ જેવા અનેક દેશોમાં પોલીમર નોટોનો સફળતાપૂર્વક ઉપયોગ થઈ રહ્યો છે.લ જો RBI આ વખતે પાયલોટ પ્રોજેક્ટને લીલી ઝંડી આપે છે, તો આગામી સમયમાં ભારતીય ચલણી નોટોમાં પણ મોટો બદલાવ જોવા મળી શકે છે.






