Home Gujarat Rajula Lion Attack Youth Death Arjun Modhwadia Reaction

"તાત્કાલિક કાર્યવાહી કરતાં સંબંધિત બે સિંહોને પકડીને રેસ્ક્યુ..." : અરમેલીમાં સિંહના હુમલામાં યુવકના મોત બાદ વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ આપી પ્રતિક્રિયા

અર્જુન મોઢવાડિયા
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Jun 16, 2026, 11:25 AM IST

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ઉવાયા ગામ નજીક સિંહના હુમલામાં એક યુવકના મૃત્યુની ઘટના બાદ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ દુઃખ વ્યક્ત કરી સમગ્ર મામલે વન વિભાગને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે. ઘટનાને લઈને સ્થાનિક વિસ્તારમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે વન વિભાગ દ્વારા પણ સતર્કતા વધારવામાં આવી છે.

મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર મૃતક યુવક નજીકના એક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. કોઈ કારણસર તે અચાનક ત્યાંથી નીકળી ગયો હતો અને ત્યારબાદ તેના મૃત્યુના દુઃખદ સમાચાર સામે આવ્યા હતા. સમગ્ર ઘટનાની વિગતો જાણવા માટે વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

બે સિંહોને રેસ્ક્યુ કરાયા

ઘટના બાદ વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરતાં સંબંધિત બે સિંહોને પકડી લઈને રેસ્ક્યુ કર્યા હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. સાથે જ સિંહ પરિવાર સાથે રહેલા નાના બચ્ચાઓને પણ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

વન વિભાગની ટીમો દ્વારા સમગ્ર વિસ્તાર પર સતત નજર રાખવામાં આવી રહી છે. ભવિષ્યમાં આવી પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે વધારાની તકેદારીના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.

અમદાવાદના કયા વિસ્તારોમાં સૌથી ઝડપથી વધી રહ્યા છે પ્રોપર્ટીના ભાવ?: જાણો રોકાણકારો ક્યાં લગાવી રહ્યાં છે સૌથી વધુ દાવ

ટ્રેકરોની સંખ્યા વધારવા સૂચના

મંત્રીએ જણાવ્યું કે સામાન્ય રીતે એશિયાટિક સિંહો દ્વારા મનુષ્યો પર હુમલાની ઘટનાઓ ભાગ્યે જ બનતી હોય છે. જોકે, કેટલીક વખત સિંહોના વર્તનમાં બદલાવ, રહેઠાણની પરિસ્થિતિ અથવા અન્ય સંજોગોના કારણે આવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે.

આ ઘટનાને ધ્યાનમાં રાખીને રાજુલા અને આસપાસના વિસ્તારોમાં ટ્રેકરોની સંખ્યા વધારવા માટે વન વિભાગને સૂચના આપવામાં આવી છે. વન્યજીવોની હિલચાલ પર વધુ અસરકારક દેખરેખ રાખી શકાય અને સમયસર લોકોને ચેતવણી આપી શકાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

નાગરિકોને વન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ

અર્જુન મોઢવાડિયાએ નાગરિકોને વન વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે વન્યજીવોના વિસ્તારોમાં જતાં સમયે સાવચેતી રાખવી જરૂરી છે અને કોઈપણ શંકાસ્પદ સ્થિતિ જણાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવી જોઈએ.

તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્ય સરકાર અને વન વિભાગ માનવ-વન્યજીવ સંઘર્ષના બનાવો ઘટાડવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. આગામી દિવસોમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે જે પણ જરૂરી પગલાં લેવાના રહેશે તે લેવામાં આવશે.

માત્ર માથું જ બચ્યું!: અમરેલીમાં સિંહણે એક યુવકને ફાડી ખાધો

માનવ-સિંહ સંઘર્ષ ફરી ચર્ચામાં

રાજુલાની આ ઘટના બાદ ગીર અને આસપાસના વિસ્તારોમાં વધતા માનવ-સિંહ સંઘર્ષનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સિંહોની સંખ્યા અને તેમની હિલચાલના વિસ્તરણ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં આવી ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત થતી રહી છે.

હાલ સમગ્ર મામલે વન વિભાગની તપાસ ચાલુ છે અને ઘટના પાછળના ચોક્કસ સંજોગો અંગે વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now