રાજકોટ શહેરમાં અંધશ્રદ્ધા અને મેલી વિદ્યાના નામે મહિલાના શોષણનો ગંભીર મામલો સામે આવ્યો છે. શહેરના એક કારખાનેદારની પત્નીએ કોટડા સાંગાણી તાલુકાના ખેરડા ગામના એક વ્યક્તિ સામે અવારનવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે ભારે ચકચાર મચી છે. આરોપી પોતાને મેલડી માતાનો ભુવો અને મેલી વિદ્યાનો જાણકાર હોવાનું કહી મહિલાના પરિવારનો વિશ્વાસ જીત્યો હતો અને ત્યારબાદ ધમકી, ડર તથા અંધશ્રદ્ધાનો લાભ લઈ મહિલાનું લાંબા સમય સુધી શારીરિક શોષણ કર્યાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.
આ સમગ્ર મામલે રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. ફરિયાદ મુજબ આરોપીએ મહિલાના પરિવારને “ઘરમાં મેલું છે” અને “વિધિ કરવી પડશે” કહી વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ વિધિના બહાને મહિલાને એકાંતમાં રાખી કુકર્મ આચર્યું હોવાનું જણાવાયું છે.
આ પણ વાંચો: મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસનો મોટો સપાટો : લાખોના 'મ્યુલ એકાઉન્ટ' કૌભાંડનો પર્દાફાશ, 5 શખ્સો સામે ગુનો દાખલ
મેલી વિદ્યાના નામે પરિવારનો વિશ્વાસ જીત્યો
ફરિયાદ મુજબ, મૂળ જામનગર પંથકના વતની અને હાલ રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલાના પતિ ગોંડલ ચોકડી પાસે સબમર્શીબલ પંપનું કારખાનું ચલાવે છે. આરોપી તુષાર રણછોડ સિંધવ કારખાનાના સંપર્કમાં આવ્યો હતો અને પોતે મેલડી માતાનો ભુવો હોવાનું કહેતો હતો. તે કારખાનામાં ધાર્મિક પાઠ અને વિધિઓ પણ કરતો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે.
આરોપીએ પરિવારને એવું કહ્યું હતું કે તેમના ઘરમાં “મેલું” છે અને તે દૂર કરવા ખાસ વિધિ કરવી પડશે. ફરિયાદ અનુસાર, ત્રણ વર્ષ પહેલાં આરોપી રાત્રિના સમયે વિધિ માટે સામાન લઈને મહિલાના ઘરે પહોંચ્યો હતો. તેણે મહિલાના પતિ અને બાળકને બીજા રૂમમાં જવા કહ્યું હતું અને ત્યારબાદ રૂમનો દરવાજો બંધ કરી મહિલાની સાથે જબરદસ્તી કરી હતી.
મહિલાએ વિરોધ કરતાં આરોપીએ બળજબરીપૂર્વક મોઢું દબાવી દીધું હતું. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ છે કે મહિલાને કોઈ વસ્તુ ખવડાવ્યા બાદ તે અર્ધબેભાન જેવી સ્થિતિમાં પહોંચી ગઈ હતી. ભાનમાં આવ્યા બાદ પોતાની સાથે દુષ્કર્મ થયું હોવાની જાણ થતાં મહિલાએ આરોપીને સવાલ કર્યો હતો.
બાળકને જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ
ફરિયાદ મુજબ, આરોપીએ મહિલાના નાનકડા પુત્રના ગળા પર છરી રાખી ધમકી આપી હતી કે જો આ અંગે કોઈને કહેશે તો બાળકને મારી નાખશે. આ ધમકીના કારણે મહિલા અને તેનો પરિવાર ભયમાં જીવી રહ્યો હતો.
બાદમાં આરોપી વારંવાર મહિલાના ઘરે આવતો હતો અને પતિની ગેરહાજરીનો લાભ લઈ મહિલાનું શારીરિક શોષણ કરતો હતો. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપી મહિલાને કહેતો હતો કે “માતાજીએ કહ્યું છે કે હું જ તારો પતિ છું.”
એક બનાવમાં આરોપી દારૂના નશામાં મહિલાના ઘરે પહોંચ્યો હતો અને ફરી બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ વિરોધ કરતાં ફરી બાળકને નુકસાન પહોંચાડવાની ધમકી આપવામાં આવી હતી. ફરિયાદ મુજબ, આ દરમિયાન મહિલાને ઈજા પણ પહોંચી હતી.
આ પણ વાંચો: વિધાનસભાની નવી સમિતિમાં આંદોલનકારીઓને 'પ્રમુખ સ્થાન' : હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર સહિતના મુળ કોંગ્રેસીઓને મળી મહત્વની જવાબદારી, જાણો કોની શું ભૂમિકા?
પરિવાર સતત ભયમાં જીવતો રહ્યો
ફરિયાદ અનુસાર, આરોપી માત્ર ધમકીઓ જ આપતો નહોતો પરંતુ પરિવાર પાસેથી પૈસાની માંગણી પણ કરતો હતો. આરોપી પોતાના સગા PSI હોવાનું કહી પોલીસનો ડર બતાવતો હતો. લાંબા સમય સુધી ચાલેલા માનસિક અને શારીરિક ત્રાસથી પરિવાર અત્યંત કંટાળી ગયો હતો.
પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે દંપતીએ પોતાનું જીવન ટૂંકવવાવનો વિચાર પણ કર્યો હતો. જોકે બાદમાં પરિવારજનો અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેઓએ આ પગલું ભર્યું નહોતું.
આરોપીના ભયથી દંપતીએ છેલ્લા એક વર્ષમાં અનેક વખત મકાન બદલ્યા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. દર થોડા મહિનાએ તેઓ નવું ભાડાનું મકાન રાખતા હતા, છતાં આરોપી કોઈ રીતે સરનામું મેળવી ત્યાં પહોંચી જતો હતો. આખરે છેલ્લા કેટલાક મહિનાથી રહેણાંક સ્થળ ગુપ્ત રાખવામાં આવતા આરોપી ત્યાં પહોંચી શક્યો ન હતો.
મહિલાએ આખરે પોલીસનો સહારો લીધો
લાંબા સમય સુધી ડર અને દબાણ હેઠળ જીવ્યા બાદ આખરે મહિલાએ હિંમત કરીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. આજીડેમ પોલીસે આરોપી તુષાર રણછોડ સિંધવ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ હવે મહિલાના નિવેદન, પરિવારજનોની વિગતો અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવી રહી છે. આરોપીની ધરપકડ માટે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: વન નેશન, વન ઇલેક્શન મુદ્દે ગુજરાત સરકારનો મજબૂત ટેકો : JPC સમક્ષ રજૂઆતમાં અનેક મહત્વના મુદ્દાઓ ઉઠ્યા
અંધશ્રદ્ધા અને ભયના નામે શોષણના વધતા બનાવો
ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં અંધશ્રદ્ધા, તાંત્રિક વિધિ અને મેલી વિદ્યાના નામે છેતરપિંડી તથા શોષણના બનાવો વારંવાર સામે આવતા રહ્યા છે. ખાસ કરીને ભય, ધાર્મિક માન્યતાઓ અને પરિવારની સમસ્યાઓનો લાભ લઈ કેટલાક લોકો મહિલાઓ અને પરિવારોને નિશાન બનાવતા હોવાના અનેક કિસ્સાઓ નોંધાયા છે.
સામાજિક કાર્યકરોનું માનવું છે કે આવા કેસોમાં લોકો સમયસર કાયદાનો સહારો લે અને અંધશ્રદ્ધા સામે જાગૃતિ વધે તે અત્યંત જરૂરી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કોઈપણ વ્યક્તિ દ્વારા ડર, ધાર્મિક દબાણ અથવા ચમત્કારના દાવા કરી શારીરિક કે આર્થિક શોષણ કરવામાં આવે તો તરત પોલીસ અથવા કાયદાકીય સત્તાધિકારીઓનો સંપર્ક કરવો જોઈએ.





