Home Gujarat Vadodara Pension Life Certificate Apk Fraud Vadodara

પેન્શન લાઈફ સર્ટિફિકેટના નામે 10 લાખની ઠગાઈ! : APK ફાઈલ અને સ્ક્રીન શેરથી નિવૃત્ત બેંક મેનેજરનું એકાઉન્ટ થયું ખાલી

Cyber ​​fraud
Published by: Aryan Shah
Last Updated: Apr 12, 2026, 11:04 AM IST

Cyber ​​fraud : વડોદરાના સુસેન-તરસાલી રિંગ રોડ પર રહેતા બેંક ઓફ બરોડાના નિવૃત્ત મેનેજર પરેશભાઈ પંડ્યા સાથે ચોંકાવનારી સાયબર છેતરપિંડી થઈ છે. પેન્શન માટે જરૂરી 'લાઈફ સર્ટિફિકેટ' વેરિફિકેશનના બહાને ઠગોએ તેમના બે અલગ-અલગ બેંક ખાતામાંથી કુલ રૂ. 10 લાખની રકમ સાફ કરી દીધી છે. આ ઘટનાએ ઓનલાઇન બેન્કિંગ સુરક્ષા સામે પ્રશ્નો ઉભા કર્યા છે.

ઠગાઈની માસ્ટર પ્લાનિંગ

પરેશભાઈએ ગત 8 નવેમ્બર 2025 ના રોજ બેંકની સત્તાવાર વેબસાઈટ પર લાઈફ સર્ટિફિકેટ માટે ડેટા અપલોડ કર્યો હતો. ત્યારબાદ તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. ફોન કરનારે જણાવ્યું કે, વેરિફિકેશન માટે વોટ્સએપ વીડિયો કોલ કરવો પડશે. આ રીતે ઠગોએ વિશ્વાસમાં લઈને તેમની સાથે સંપર્ક સાધ્યો હતો.

સ્ક્રીન શેરિંગ અને APK ફાઈલની જાળ

વીડિયો કોલ દરમિયાન ઠગોએ પરેશભાઈને વોટ્સએપ પર સ્ક્રીન શેર કરવાનું કહ્યું. સ્ક્રીન શેરિંગ ચાલુ કરાવીને એક ફોર્મ ભરાવ્યું અને ત્યારબાદ "આ તમારું સર્ટિફિકેટ છે" તેમ કહીને એક શંકાસ્પદ APK ફાઈલ ડાઉનલોડ કરાવી. સર્વર ડાઉન હોવાનું બહાનું બતાવીને ઠગોએ સતત 38 મિનિટ સુધી પરેશભાઈનો ફોન પોતાની દેખરેખ હેઠળ રાખ્યો હતો.

આ પણ ખાસ વાંચો : સાવધાન! : મની લોન્ડરિંગના નામે તમને પણ આવી શકે છે વિડિયો કોલ, ગુજરાત પોલીસે પશ્ચિમ બંગાળ અને બિહારથી ઠગબાજોને દબોચ્યા

રૂપિયાની ઉઠાંતરી અને સમયસૂચકતા

પરેશભાઈની પત્નીને શંકા જતાં તેમણે તરત કોલ ડિસ્કનેક્ટ કરાવ્યો અને બેંક ખાતા ફ્રીઝ કરવાની પ્રક્રિયા હાથ ધરી. ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ જેવી સુવિધાઓ બંધ કરી દીધી હતી. જોકે, ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું. ઠગોએ 38 મિનિટમાં જ બંને ખાતામાંથી 5-5 લાખ રૂપિયા મળીને કુલ 10 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા.

પોલીસ કાર્યવાહી અને ચેતવણી

આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મોબાઈલ નંબર અને બેંક ખાતાની વિગતોના આધારે ગુનેગારોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે નાગરિકોને અજાણી લિંક કે APK ફાઈલ ડાઉનલોડ ન કરવા અને અજાણ્યા વ્યક્તિ સાથે સ્ક્રીન શેર ન કરવા ખાસ અપીલ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now