ગાંધીનગર: ગુજરાતમાં સાયબર ક્રાઈમના વધતા જતા બનાવોને ડામવા માટે રાજ્ય પોલીસ સજ્જ બની છે. ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ, સી.આઈ.ડી. ક્રાઈમે એક મોટી સફળતા મેળવતા 'ડિજિટલ અરેસ્ટ' (Digital Arrest) ના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગના ચાર સક્રિય સભ્યોની ધરપકડ કરી છે. આ ગેંગના સભ્યો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) અને ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ હોવાની ખોટી ઓળખ આપી નિર્દોષ નાગરિકોને ડરાવી-ધમકાવીને નાણાં પડાવતા હતા. તાજેતરમાં જ એક ફરિયાદીને મની લોન્ડરિંગના કેસમાં સંડોવણી હોવાનો ડર બતાવી, તેમને વીડિયો કોલ મારફતે ડિજિટલ અરેસ્ટ કરી કુલ રૂ. ૨,૨૭,૪૦,૦૦૦/- ની છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસની ગંભીરતાને ધ્યાને લઈ સી.આઈ.ડી. ક્રાઈમના વડા ડૉ. કે. લક્ષ્મી નારાયણ રાવ અને આઈજી બીપીન આહીરેના માર્ગદર્શન હેઠળ ત્રણ અલગ-અલગ ટીમો બનાવી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
કેવી રીતે આચરતા હતા છેતરપિંડી? (મોડસ ઓપરેન્ડી)
આ ગેંગના સભ્યો વોટ્સએપ અને સિગ્નલ જેવી એપ્લિકેશન પર વિડિયો કોલ કરીને પોતાની ઓળખ આઈપીએસ અધિકારી કે સરકારી એજન્સીના પ્રતિનિધિ તરીકે આપતા હતા. તેઓ ભોગ બનનારને જણાવતા કે તેમનું નામ મની લોન્ડરિંગના કેસમાં આવ્યું છે અને તેમને ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવી 'ડિજિટલ અરેસ્ટ' કરવામાં આવ્યા છે. ત્યારબાદ કેસમાંથી બહાર કાઢવાના બહાને અલગ-અલગ બેંક ખાતાઓમાં મોટી રકમ જમા કરાવતા હતા.
પશ્ચિમ બંગાળ, બિહાર અને હરિયાણાથી ઝડપાયા આરોપીઓ
ગુજરાત સી.આઈ.ડી. ક્રાઈમની ટીમોએ ટેકનિકલ એનાલિસિસ અને સઘન તપાસના આધારે આંતરરાજ્ય કક્ષાએ ઓપરેશન હાથ ધરીને પશ્ચિમ બંગાળ, બિહાર અને હરિયાણામાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે છેતરપિંડી આચરતી ગેંગના ચાર મુખ્ય સાગરીતોની ધરપકડ કરી છે, જેમાં પશ્ચિમ બંગાળના ભૂપેન્દ્રનાથ બીમલ સરકાર, હરિયાણાના અંબાલાના શુભમ સિંગલા તેમજ બિહારના સંજયકુમાર રામ અવધેશ સિંગ અને સોનુ કુમાર મુનશી રામનો સમાવેશ થાય છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે આ ગેંગ પશ્ચિમ બંગાળના કોલકત્તાથી નાણાકીય વ્યવહારોનું સંચાલન કરતી હતી. છેતરપિંડી દ્વારા મેળવેલી રકમને સલામત રીતે સગેવગે કરવા માટે તેઓ બિહાર અને હરિયાણાના વિવિધ બેંક ખાતાઓનો 'ભાડે' અથવા ટ્રાન્ઝેક્શન માટે ઉપયોગ કરતા હતા, જેથી પોલીસ પકડથી બચી શકાય.
નાગરિકો માટે પોલીસની ખાસ સલાહ અને સાવચેતી
સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા નાગરિકોની સુરક્ષા માટે કેટલીક અત્યંત મહત્વની અને લાલબત્તી સમાન સાવચેતીઓ જાહેર કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, ભારતીય કાયદામાં 'ડિજિટલ અરેસ્ટ' જેવી કોઈ જ જોગવાઈ કે પ્રક્રિયા અસ્તિત્વમાં નથી, તેથી જો કોઈ વ્યક્તિ TRAI, CBI, RBI કે ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપીને વિડિયો કોલ દ્વારા તમને ડરાવવાનો પ્રયાસ કરે, તો તેનાથી બિલકુલ ગભરાવું નહીં. આ સાથે જ, સોશિયલ મીડિયા પર શેરબજારમાં ટૂંકા ગાળામાં અનેકગણો નફો કમાવવાની લાલચ આપતી જાહેરાતો કે અજાણી લિંક્સથી દૂર રહેવું જોઈએ, કારણ કે આવી લોભામણી લિંક્સ પર ક્લિક કરવાથી તમે સાયબર ઠગાઈનો ભોગ બની શકો છો. ડિજિટલ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે તમારા તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં 'Two-Factor Authentication' (ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન) ફીચર હંમેશા ઓન રાખવું જોઈએ, જેથી કોઈ અન્ય વ્યક્તિ તમારા એકાઉન્ટનો દુરુપયોગ ન કરી શકે. જો તમારી સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી થાય, તો તરત જ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.
વધુમાં,જો તમારી સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઈમ થાય, તો ડર્યા વગર તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર '૧૯૩૦' પર સંપર્ક કરો અથવા નજીકના સાયબર પોલીસ સ્ટેશનમાં જાણ કરો. સંવેદનશીલ કિસ્સાઓમાં ભોગ બનનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.





