Home Gujarat Panchmahal Election 2026 Voting Preparation Evm Dispatch

પંચમહાલ જિલ્લા અને તાલુકા પંચાયતની કેટલી બેઠકો પર યોજાશે ચૂંટણી : જાણો ગોધરા નપાની પણ શું છે સ્થિતિ

EVMના ટીસ્પેચની કામગીરીની છબી
Published by: Niraj Chokshi
Last Updated: Apr 25, 2026, 07:42 AM IST

પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આવતીકાલે મતદાન યોજાવાનું છે જેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગે તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપ્યો છે. સવારે 7:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જિલ્લાનાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવા માટે લોકો તૈયાર થઈ રહ્યા છે. મતદાન પૂર્વે આજે જિલ્લાના વિવિધ તાલુકા મથકો પર આવેલા EVM સ્ટ્રોંગ રૂમમાંથી પોલિંગ સ્ટાફ સાથે મશીનોને મતદાન મથકો પર મોકલવાની કામગીરી હાથ ધરાઈ હતી. સમગ્ર પ્રક્રિયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ચૂંટણી સામગ્રી સુરક્ષિત રીતે પહોંચે.

જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્થિતિ

પંચમહાલ જિલ્લા પંચાયતની કુલ 38 બેઠકોમાંથી 7 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. તેથી હવે બાકીની 31 બેઠકો માટે આવતીકાલે મતદાન યોજાશે. જિલ્લા પંચાયત સ્તરે કેટલાક વિસ્તારોમાં સીધી ટક્કર જોવા મળી રહી છે. જેના પરિણામો સ્થાનિક વિકાસના દિશા પર અસર કરશે.

તાલુકા પંચાયત સ્તરે પણ નોંધપાત્ર ચૂંટણીનો માહોલ છે. કુલ 174 બેઠકોમાંથી 26 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે બાકીની 148 બેઠકો માટે મતદાન યોજાશે. ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જે લોકશાહી પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે.

આ પણ વાંચો: ચૂંટણી પહેલાં અમદાવાદમાં દારૂ ઘુસાડનો પ્રયાસ : PCBએ 67 લાખના દારૂ સાથે એક આરોપીને ઝડપ્યો, 4 આરોપી ફરાર

ગોદરા નગરપાલિકા ચૂંટણી

ગોધરા નગરપાલિકામાં કુલ 11 વોર્ડની 44 બેઠકોમાંથી 4 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જેથી હવે 40 બેઠકો માટે મતદાન યોજાશે. અહીં રાજકીય સ્પર્ધા નોંધપાત્ર માનવામાં આવી રહી છે અને અનેક વોર્ડોમાં ત્રિકોણીય મુકાબલો થવાની શક્યતા છે.

જ્યારે શહેરા નગરપાલિકામાં કુલ 7 વોર્ડની 28 બેઠકોમાંથી 17 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જેથી માત્ર 11 બેઠકો માટે મતદાન યોજાશે. અહીં બિનહરીફ બેઠકોનું પ્રમાણ વધુ હોવાને કારણે ચૂંટણીનું ચિત્ર થોડું અલગ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: વડોદરામાં 18 કેન્દ્રો પર 240 મતદાન મથકે ચૂંટણી સામગ્રીનું વિતરણ : પોલીસનો ગોઠવાયો ચુસ્બંત દોબસ્ત

ગોઠવાઈ લોખંડી સુરક્ષા

ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ તહેનાત કરવામાં આવી છે. ચૂંટણી તંત્રએ મતદાન મથકો પર જરૂરી તમામ સુવિધાઓ કરી દીધી છે. મતદાન પહેલા મોક પોલ (Mock Poll) પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં EVM મશીનોની કામગીરી ચકાસવામાં આવશે. ત્યારબાદ વિધિવત રીતે મતદાન શરૂ કરવામાં આવશે. અધિકારીઓ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવશે, જેથી પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રહે.

આવતીકાલે યોજાનાર મતદાન પંચમહાલ જિલ્લામાં સ્થાનિક શાસન માટે મહત્વપૂર્ણ છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગામી વર્ષોમાં જિલ્લા અને તાલુકા સ્તરે વિકાસકાર્યોને દિશા આપશે. મતદારોની સક્રિય ભાગીદારી આ ચૂંટણીને વધુ મહત્વપૂર્ણ બનાવે છે. જિલ્લા તંત્ર માટે પણ આ ચૂંટણી એક કસોટી સમાન છે, જેમાં કાર્યક્ષમતા અને પારદર્શિતાની પરીક્ષા થશે. તમામ તૈયારીઓ પૂર્ણ થતા હવે નજર આવતીકાલના મતદાન અને ત્યારબાદના પરિણામો પર કેન્દ્રિત થઈ ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now