અમદાવાદ શહેરમાં દારૂના ગેરકાયદે વેપાર સામે પોલીસે સતત કાર્યવાહી હાથ ધરી છે જેના ભાગરૂપે એક મોટો પર્દાફાશ થયો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સૂચના હેઠળ પ્રોહિબિશન પ્રવૃત્તિઓને નાબૂદ કરવા સક્રિય PCBએ (પ્રોહિબિશન કન્ટ્રોલ બ્રાંચ) નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સફળ ઓપરેશન હાથ ધરાયું છે. આ કામગીરી દરમિયાન ટ્રકમાં છુપાવીને લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
બાતમીના આધારે હાથ ધરાયું ઓપરેશન
પોલીસને બાતમી મળી હતી કે ચંદીગઢથી એક આઈસર ટ્રકમાં ટીવીના બિલના આધારે વિદેશી દારૂ ભરીને નડિયાદ તરફ લઈ જવાઈ રહ્યો છે. આ માહિતીને ગંભીરતાથી લઈને પીસીબી ટીમે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે નાના ચિલોડાથી દહેગામ ચાર રસ્તા તરફ જતા માર્ગ પર આવેલા ગામઠી રેસ્ટોરન્ટ પાસે વોચ ગોઠવી હતી. થોડા સમય બાદ શંકાસ્પદ ટ્રક ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ કરતાં ટ્રકમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો.
લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
પોલીસ તપાસમાં ટ્રકમાંથી કુલ 67,57,488 રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત ટ્રક સહિત કુલ 87,67,928 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી રાજ્યમાં દારૂના ગેરકાયદે વેપાર સામે એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. આ કેસમાં પોલીસે કમલસિંગ યાદવ નામના એક આરોપીની ધરપકડ કરી છે જે રાજસ્થાનનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે.
ફરાર આરોપીઓની શોધખોળ તેજ
આ મામલે અન્ય 4 આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસે તેમને ઝડપવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ તેજ કરી છે. શક્યતા છે કે આ દારૂની હેરફેર પાછળ એક મોટું ગેંગ કાર્યરત હોય, જેના તાર અન્ય રાજ્યો સાથે પણ જોડાયેલા હોઈ શકે છે.
આગામી સમયમાં આવી પ્રવૃત્તિઓ પર વધુ કડક કાર્યવાહી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે જનતાને પણ અનુરોધ કર્યો છે કે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો માહિતી તાત્કાલિક અધિકારીઓને આપવી.





