Home Gujarat Banaskantha Liquor Line Geniben Thakor Police Allegations

બનાસકાંઠામાં 'ખાખી'ના પહેરા હેઠળ દારૂના 'વરઘોડા' : ગેનીબેન ઠાકોરના પોલીસ તંત્ર પર તેજાબી પ્રહારથી ગુજરાતમાં ભૂકંપ!

Banaskantha liquor scandal
Play Video
Published by: Viral Patel
Last Updated: Apr 24, 2026, 02:48 PM IST

Banaskantha News: ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે કે શું? એવો પ્રશ્ન ફરી એકવાર બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના તેજાબી ભાષણથી ગાજી રહ્યો છે. ધાનેરાના સાંકડ ગામે યોજાયેલી એક સભામાં ગેનીબેને જે રીતે પોલીસ તંત્રની પોલ ખોલી છે, તેનાથી ગાંધીનગર સુધીના વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પોલીસનું 'પાઇલોટીંગ' અને વોટ્સએપ ગ્રુપનું નેટવર્ક

ગેનીબેન ઠાકોરે અત્યંત ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, બનાસકાંઠા અને ધાનેરાની બોર્ડર પરથી જ્યારે દારૂની ગાડીઓ પસાર થાય છે, ત્યારે પોલીસ તેનું 'રાજા-મહારાજાના વરઘોડા' જેવું પાયલોટીંગ કરે છે. ગેનીબેનના મતે, દારૂની ગાડીઓ ક્યાં પહોંચી, કોઈએ રોકી તો નથી ને, તે જોવા માટે પોલીસના ખાસ WhatsApp ગ્રુપ ચાલે છે. બોર્ડરથી લઈને અમદાવાદ સુધી ગાડીઓ સુરક્ષિત પહોંચે તે માટે પોલીસ વોચ ગોઠવે છે. જે પોલીસની જવાબદારી દારૂ પકડવાની છે, તે જ પોલીસ આજે બુટલેગરોની 'રક્ષક' બનીને ઊભી છે.

આ પણ વાંચો: મુંબઈમાં પણ નાસિક TCS જેવો કાંડ! : ટેલિકોલિંગની જોબ છોડ્યા બાદ યુવતીને મોકલ્યા અશ્લીલ મેસેજ, આરોપીની ધરપકડ

"દારૂ વેચવા માટે પોલીસને ટાર્ગેટ આપવામાં આવે છે"

સાંસદના આ આક્ષેપે સૌને ચોંકાવી દીધા છે. તેમણે કહ્યું કે, પોલીસ અધિકારીઓને ઉપરથી ટાર્ગેટ આપવામાં આવે છે કે તમારે આટલા દારૂનું વેચાણ કરાવવું પડશે! જ્યારે કોઈ જાગૃત નાગરિક PSI કે PI ને ફરિયાદ કરે છે, ત્યારે પોલીસ ગુનેગારને પકડવાને બદલે બુટલેગરને ફોન કરીને કહી દે છે કે, "દારૂ આઘો-પાછો કરી દેજો, ફરિયાદ આવી છે." ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, "ગરીબ માણસ ફરિયાદ કરવા જાય તો પોલીસ પાસે સમય નથી, પણ બુટલેગરોની ગાડીઓ પસાર કરાવવા માટે પોલીસ પાસે પૂરતો સમય છે. પોલીસને જનતાની દયા નથી, તેમને માત્ર કરોડોના હપ્તામાં રસ છે."

બુટલેગરોની દાદાગીરી: "અમે હપ્તા આપીએ છીએ, જે કરવું હોય તે કરી લો"

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી કથળી છે તેનો પુરાવો આપતા ગેનીબેને કહ્યું કે, બુટલેગરો હવે ખુલ્લેઆમ ચેલેન્જ આપે છે. તેઓ જાહેરમાં કહે છે કે, અમે હપ્તા આપીએ છીએ, તમારે જેટલી ફરિયાદ કરવી હોય એટલી કરી લો, અમને કોઈ અડી શકવાનું નથી. સરકારી મશીનરી જે જનતાની સુરક્ષા માટે છે, તેનો ઉપયોગ આજે બુટલેગરોને બચાવવા માટે થઈ રહ્યો છે તેવો ગંભીર આરોપ તેમણે લગાવ્યો છે.


આ પણ વાંચો: ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 336 બેઠકો : 10.86 લાખ મતદારો નક્કી કરશે 956 ઉમેદવારનું ભાવી

સળગતા સવાલો

1. શું રાજ્યનું ગૃહ વિભાગ આ 'વોટ્સએપ ગ્રુપ' નેટવર્કથી અજાણ છે?

2. બોર્ડર પર તૈનાત પોલીસ કર્મીઓ અને અધિકારીઓની સંપત્તિની તપાસ ક્યારે થશે?

3. જનપ્રતિનિધિ જ્યારે જાહેરમાં આવા આક્ષેપ કરે, ત્યારે સરકાર મૌન કેમ છે?

ઉલ્લેખનીય છે કે, ગેનીબેન ઠાકોરનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે અને જનતામાં પોલીસની છબી ખરડાઈ રહી છે. હવે જોવાનું એ રહે છે કે આ 'દારૂના વરઘોડા' રોકાશે કે પછી 'હપ્તા રાજ' આમ જ ચાલતું રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now