ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, જ્યાં કુલ 336 બેઠકો માટે 956 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. આ ચૂંટણીમાં 10.86 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય કરશે. જિલ્લા તંત્ર દ્વારા ચૂંટણીને શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન કરવા માટે વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
જિલ્લામાં કુલ 1343 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, જેમાંથી 310 મતદાન મથકો અતિ સંવેદનશીલ અને 378 સંવેદનશીલ તરીકે ઓળખવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કડક પોલીસ બંદોબસ્ત સાથે સમગ્ર જિલ્લામાં ચુસ્ત નજર રાખવામાં આવશે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
પાલિકા અને પંચાયત સ્તરે ત્રિકોણીય મુકાબલો
ભરૂચની ચાર નગરપાલિકાની 33 વોર્ડની 126 બેઠકો માટે 345 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં આશરે 2.19 લાખ મતદારો મતદાન કરશે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, AIMIM તેમજ અપક્ષ ઉમેદવારો વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે.
જિલ્લા પંચાયતની 33 બેઠકો માટે 111 ઉમેદવારો અને 9 તાલુકા પંચાયતની 177 બેઠકો માટે 500 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે. પંચાયત ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ, બાપ અને અપક્ષ ઉમેદવારો મેદાનમાં હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં પણ ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે. કુલ મળીને 8.67 લાખ મતદારો પંચાયત સ્તરે મતદાન કરશે.
આ પણ વાંચો: ગાંધીનગર જિલ્લા પંચાયતની ચૂંટણીની તૈયારી પૂર્ણ : 28 બેઠકોમાંથી 3 બેઠકો બિનહરીફ થઈ 25 ઉમેદવારો મેદાને
તંત્રની વિશાળ તૈયારીઓ અને સ્ટાફ તૈનાત
ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવા માટે કુલ 6663 સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. દરેક મતદાન મથક પર તાલીમબદ્ધ પોલિંગ સ્ટાફ તૈનાત રહેશે. સાથે સાથે સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જિલ્લા અને તાલુકા પંચાયત માટે 212 મતદાન મથકો અતિ સંવેદનશીલ અને 330 સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે નગરપાલિકાના 98 મતદાન મથકો અતિ સંવેદનશીલ અને 48 સંવેદનશીલ છે. આ તમામ સ્થળોએ પોલીસ તંત્ર દ્વારા ખાસ પેટ્રોલિંગ અને નજર રાખવામાં આવશે.
આ પણ વાંચો: વડોદરામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા : ભાજપના ઉમેદવારોના સ્વાગતમાં લહેરાવાઈ ખુલ્લી તલવારો
મતદાન પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન
જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાએ નાગરિકોને અનિવાર્ય રીતે મતદાન કરવા અપીલ કરી છે. મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રહેશે. નગરપાલિકા ચૂંટણીમાં મતદારોને મહત્તમ 4 મત આપવાના રહેશે અને અંતે રજિસ્ટ્રેશન બટન દબાવવું ફરજિયાત રહેશે, ત્યારબાદ જ મત માન્ય ગણાશે. તાલુકા અને જિલ્લા પંચાયત માટે એક-એક મત આપવાનો રહેશે. મતદારોને સરળતા રહે તે માટે EVM અંગે માર્ગદર્શન અને ડેમો પણ આપવામાં આવ્યા છે.
વિશેષ વ્યવસ્થા અને ચૂંટણી પર નજર
દર વખતે જેમ વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે, તે મુજબ આ વખતે પણ આલિયાબેટ ખાતે કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે, જે રાજ્યમાં અનોખું ઉદાહરણ માનવામાં આવે છે. ચૂંટણી દરમિયાન અત્યાર સુધી આચારસંહિતાના ભંગની 5 ફરિયાદો નોંધાઈ છે, જે અંગે તંત્ર તપાસ કરી રહ્યું છે. જિલ્લા તંત્રનો દાવો છે કે ચૂંટણી સંપૂર્ણ રીતે મુક્ત અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થશે. ભરૂચ જિલ્લામાં ચૂંટણીને લઈને ઉત્સાહનો માહોલ છે. હવે મતદાન બાદ 956 ઉમેદવારોમાંથી કોણ જીતશે તે સ્પષ્ટ થશે, જે સ્થાનિક રાજકીય દિશા અને વિકાસના મુદ્દાઓને અસર કરશે.





