Home Gujarat Vadodara Vadodara Fatehgunj Rally Sword Controversy Election Code

વડોદરામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા : ભાજપના ઉમેદવારોના સ્વાગતમાં લહેરાવાઈ ખુલ્લી તલવારો

તલવારો સાથે સ્વાગતની છબી
Published by: Niraj Chokshi
Last Updated: Apr 24, 2026, 11:08 AM IST

વડોદરાનાં વોર્ડ નંબર-3માં ફતેગંજ ખાતે ભગવાન ભરવાડ અને સમર્થકોએ વ્યવસ્થાના ધજાગરા ઉડાવ્યા. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના પ્રચાર દરમિયાન આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યો છે. ફતેગંજ વિસ્તારમાં નીકળેલી રેલીમાં 40 થી વધુ યુવાનોએ ખુલ્લી તલવારો લહેરાવી ઉમેદવારોનું સ્વાગત કરતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ?

ચૂંટણી પંચના કડક નિયમો હોવા છતાં, વોર્ડ-3 ના ભાજપના ઉમેદવારોના સ્વાગત માટે ફતેગંજમાં જાહેરમાં શસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્થાનિક નેતા ભગવાન ભરવાડ અને તેમના સમર્થકોએ હાથમાં ખુલ્લી તલવારો લઈને જે રીતે રેલીનું અભિવાદન કર્યું, તે જોઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. શાંતિપૂર્ણ મતદાનની વાતો વચ્ચે આ પ્રકારે શસ્ત્રો લહેરાવવા તે મતદારોમાં ડરનો માહોલ ઊભો કરવાનો હીન પ્રયાસ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો: ચૂંટણી પહેલા જ જનતાનો મિજાજ ગરમ : બીલ ગામમાં ભાજપની રેલીનો ફિયાસ્કો, ઉગ્ર ઝપાઝપી બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડ્યા

પોલીસ અને ચૂંટણી પંચની ભૂમિકા સામે સવાલ

ચૂંટણી સમયે જ્યારે નાનામાં નાની આચારસંહિતાના ભંગ બદલ સામાન્ય જનતા કે અન્ય પક્ષો પર તવાઈ બોલાવવામાં આવે છે, ત્યારે સત્તાધારી પક્ષની રેલીમાં આટલા મોટા પાયે હથિયારોનું પ્રદર્શન થવા છતાં તંત્ર મુકદર્શક બનીને કેમ બેઠું છે? શહેરભરમાં ચુસ્ત બંદોબસ્તના દાવા વચ્ચે 40 થી વધુ યુવાનો તલવારો સાથે રસ્તા પર કેવી રીતે ઉતરી આવ્યા ક્યાં ગઈ પોલીસની સતર્કતા? આટલા મોટા ઉલ્લંઘન બાદ હજુ સુધી કોઈ પણ જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કેમ કરવામાં આવી નથી ચૂંટણી પંચ મૌન કેમ?

આ પણ વાંચો: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી : આજે સાંજે પ્રચારના પડઘમ શાંત થશે, રવિવારે 10,000થી વધુ બેઠકો પર મતદાન

લોકશાહીમાં હિંસાને સ્થાન નહીં

ચૂંટણી એ લોકશાહીનો ઉત્સવ છે, નહીં કે તાકાત કે હિંસા પ્રદર્શનનું મેદાન. ભાજપના ઉમેદવારોની હાજરીમાં જ આ પ્રકારે તલવારો લહેરાતી રહી અને તેઓ સ્મિત સાથે સ્વાગત સ્વીકારતા રહ્યા, તે લોકશાહીના મૂલ્યો માટે જોખમી સંકેત છે. શું પોલીસ આ વીડિયો અને પુરાવાઓના આધારે ગુનો નોંધશે? કે પછી સત્તાના દબાણ હેઠળ આ મામલાને રફેદફે કરી દેવામાં આવશે?

વડોદરાની જનતા હવે આ ઘટના બાદ ચૂંટણી પંચ પાસે કડક કાર્યવાહીની અપેક્ષા રાખી રહી છે. જો આવા તત્વો સામે પગલાં નહીં લેવાય, તો મતદાનના દિવસે પણ અસામાજિક તત્વો બેફામ બને તેવી ભીતિ સેવાઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now