Home Gujarat Gujarat Local Body Elections Campaigning End This Evening Voting In Over 10000 Seats On Sunday

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી : આજે સાંજે પ્રચારના પડઘમ શાંત થશે, રવિવારે 10,000થી વધુ બેઠકો પર મતદાન

Gujarat Election 2026
Published by: Nirali Gohil
Last Updated: Apr 24, 2026, 06:53 AM IST

Gujarat Election 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો જંગ હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે. આજે 24 એપ્રિલના રોજ પ્રચારનો અંતિમ દિવસ (Last Day of Campaigning) હોવાથી તમામ રાજકીય પક્ષોએ મતદારોને રિઝવવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. આજે સાંજે 6 વાગ્યાથી જાહેર પ્રચાર પર પ્રતિબંધ લાગી જશે, જે બાદ રેલીઓ, સભાઓ અને લાઉડસ્પીકરોનો અવાજ શાંત થઈ જશે. જોકે, ઉમેદવારોને મર્યાદિત લોકો સાથે રૂબરૂ મળીને 'ડોર-ટૂ-ડોર' સંપર્ક કરવાની છૂટ રહેશે. રાજ્ય ચૂંટચણી પં પણ મતદાનની આખરી તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે.

ગાંધીનગર: ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ

રાજધાની ગાંધીનગરમાં જિલ્લા અને તાલુકા પંચાયતની સાથે નગરપાલિકાની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે. આજે પ્રચારના અંતિમ કલાકોમાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈને ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેની માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. 6 વાગ્યા પછી બહારના કાર્યકરોએ જે-તે વિસ્તાર છોડવો પડશે, તે માટે વહીવટી તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવશે.

અમદાવાદ: ઓઢવ-બાપુનગરમાં રોડ-શોની ધૂમ

અમદાવાદમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઓઢવ અને બાપુનગર જેવા વિસ્તારોમાં ઉમેદવારો દ્વારા ભવ્ય રોડ-શો અને બાઇક રેલીઓનું આયોજન કરાયું છે. 26 એપ્રિલના રોજ યોજાનારા મતદાનને લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં છે. જિલ્લા પોલીસ વડા આજે બોપલ સહિતના સંવેદનશીલ મતદાન કેન્દ્રોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે.

આ પણ વાંચો: મતદાનના 48 કલાક પહેલાં કેમ શાંત કરી દેવાય છે ચૂંટણીનો પ્રચાર પડઘમ? : જાણો ‘સાઇલન્સ પિરિયડ’થી લઈને ડોર-ટુ-ડોર પ્રચાર સુધી તમામ નિયમો

નર્મદા અને પંચમહાલ: વહીવટી તંત્ર સજ્જ

પંચમહાલના ગોધરામાં આજે કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રેસ કોન્ફરન્સ યોજીને મતદાનની ટકાવારી વધારવા માટે કરવામાં આવેલા આયોજનોની વિગત આપશે. બીજી તરફ, નર્મદાના ચીકડામાં ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. સાંસદ મનસુખ વસાવાએ કાળઝાળ ગરમીને જોતા રાત્રિ સભાઓ અને ખાટલા બેઠકો દ્વારા પ્રચાર તેજ કર્યો છે.

મહિસાગરમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી અને સાબરકાંઠામાં બાઇક રેલી

મહિસાગરના લુણાવાડામાં એક વિચિત્ર સ્થિતિ સર્જાઈ છે. ડોકેલાવ ગામના 200થી વધુ મતદારોએ મતદાન મથક 8 કિમી દૂર ખસેડાતા ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે, જે તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. જ્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ બાઇક રેલી કાઢીને શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું છે. પ્રચારના અંતિમ કલાકોમાં હિંમતનગર કેસરીયા રંગે રંગાયેલું જોવા મળી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now