Home Gujarat One Nation One Election Jpc Meets Governor Acharya Devvrat

‘વન નેશન, વન ઈલેક્શન’ સમિતિના પ્રતિનિધિમંડળે રાજ્યપાલની લીધી મુલાકાત : બંધારણીય પાસાઓ વિશે રાજ્યપાલને કરાયા માહિતગાર

‘વન નેશન,વન ઈલેક્શન’સમિતિના પ્રતિનિધિમંડળે રાજ્યપાલ સાથે મુલાકાતની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 21, 2026, 11:34 AM IST

ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે આજે ‘વન નેશન, વન ઈલેક્શન’ મુદ્દે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ના પ્રતિનિધિમંડળે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન દેશમાં એક સાથે ચૂંટણી યોજવાની સંભાવનાઓ, બંધારણીય પાસાઓ અને વહીવટી અસરકારકતા જેવા વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ પી.પી. ચૌધરીના નેતૃત્વમાં સમિતિના સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. પ્રતિનિધિમંડળમાં સમિતિના સભ્યો, વિષ્ણુ દત્ત શર્મા, પરષોત્તમભાઈ રૂપાલા, કવિતા પાટીદાર અને પી. વિલ્સન ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત સમિતિના વરિષ્ઠ અધિકારીઓમાં રાહુલ સિંહ, નીતિશ યાદવ અને દિનેશ ચૌધરી પણ હાજર રહ્યાં હતાં.

ચૂંટણી સુધારાઓ

મુલાકાત દરમિયાન ‘વન નેશન, વન ઈલેક્શન’ની સંકલ્પનાને લઈને ચાલી રહેલી રાષ્ટ્રવ્યાપી ચર્ચા અને પરામર્શ પ્રક્રિયા અંગે રાજ્યપાલને માહિતગાર કરવામાં આવ્યા હતા. સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે દેશમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે તો ખર્ચમાં ઘટાડો, શાસનવ્યવસ્થામાં સ્થિરતા અને વિકાસલક્ષી કાર્યોમાં ગતિ લાવવામાં મદદ મળી શકે છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પણ આ મુદ્દે પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ભારતીય લોકશાહી હવે પરિપક્વ તબક્કામાં પ્રવેશી રહી છે અને સમયાંતરે ચૂંટણી સુધારાઓ અંગે ગંભીર ચર્ચા થવી જરૂરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે રાષ્ટ્રહિતને કેન્દ્રમાં રાખીને લેવામાં આવતા આવા નિર્ણયો ભવિષ્યમાં વહીવટી કાર્યક્ષમતાને મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ શકે છે.

રાજ્યપાલે વધુમાં ઉમેર્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વારંવાર લાગુ થતી આચારસંહિતાના કારણે અનેક વિકાસ કાર્યો પર અસર પડે છે. જો દેશભરમાં એક સાથે ચૂંટણી યોજાય તો શાસનતંત્રને લાંબા ગાળાની નીતિઓ પર વધુ અસરકારક રીતે કામ કરવાની તક મળશે.

આ પણ વાંચો: ઈંધણ બાદ હવે ખાદ્યતેલોના ભાવમાં વધારો : ડબ્બે આટલા રૂપિયાનો થયો વધારો

બંધારણીય અને રાજકીય પાસાઓ પર ધ્યાન

‘વન નેશન, વન ઈલેક્શન’ મુદ્દો છેલ્લા કેટલાક વર્ષોથી દેશની રાજકીય અને નીતિગત ચર્ચાઓના કેન્દ્રમાં રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ વિચારને આગળ વધારવા માટે વિવિધ સ્તરે ચર્ચા, અભ્યાસ અને પરામર્શ શરૂ કરવામાં આવ્યા છે. સંયુક્ત સંસદીય સમિતિ દેશના વિવિધ રાજ્યો અને હિતધારકો સાથે ચર્ચા કરીને અભિપ્રાયો એકત્રિત કરી રહી છે.

સમિતિના સભ્યોએ રાજ્યપાલને જણાવ્યું હતું કે આ પ્રક્રિયામાં બંધારણીય સુધારાઓ, રાજ્યોની સંમતિ, ચૂંટણી પંચની તૈયારી અને રાજકીય સહમતિ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચારણા ચાલી રહી છે. લોકશાહી માળખાને અખંડિત રાખીને ચૂંટણી પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે વિવિધ વિકલ્પોનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: ભરૂચમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મોટી સફળતા : 130 મીટર લાંબા સ્ટીલ બ્રિજ સ્પાનનું સફળ લોન્ચિંગ

રાજ્યપાલે સમિતિના પ્રયાસોને બિરદાવ્યા

મુલાકાતના અંતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સમિતિના સભ્યોને તેમના આ રાષ્ટ્રીય મહત્વના કાર્ય બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે લોકશાહીના મૂલ્યોને જાળવી રાખીને અને તમામ હિતધારકોના અભિપ્રાયોનો સન્માન કરીને આગળ વધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. રાજ્યપાલે જણાવ્યું હતું કે દેશના લોકશાહી માળખાને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવા માટે કરવામાં આવતા પ્રયાસો રાષ્ટ્રના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ચર્ચા અને સંવાદના માધ્યમથી દેશ માટે યોગ્ય અને સર્વસ્વીકાર્ય માર્ગ બહાર આવશે.

આ મુલાકાતને ‘વન નેશન, વન ઈલેક્શન’ મુદ્દે ચાલી રહેલી વ્યાપક ચર્ચાના ભાગરૂપે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગુજરાત મુલાકાત દરમિયાન સમિતિ અન્ય વિવિધ હિતધારકો સાથે પણ ચર્ચા કરી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now