કચ્છના માંડવી ખાતે યોજાયેલા શ્રી વૃંદાવન સેવા અમૃત મહોત્સવ દરમિયાન કરવામાં આવેલા એક નિવેદનને લઈને વિવાદ ઊભો થયો છે. સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બ્રહ્મ સમાજ અને બ્રાહ્મણ સમાજ અંગે કરેલી ટિપ્પણી બાદ બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. કાર્યક્રમ દરમિયાન કરાયેલા આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો હવે ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.
માહિતી અનુસાર, કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધાર્મિક આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ તેમજ રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. માંડવીના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધ દવે પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આશરે 1400 જેટલા બ્રાહ્મણોની હાજરી વચ્ચે આપવામાં આવેલા નિવેદનને લઈને કાર્યક્રમ બાદ વિરોધના સ્વર ઉઠવા લાગ્યા છે.
“બ્રહ્મ સમાજ ભીખ માંગતો હોય તો પણ બ્રહ્મ સમાજ જ” – નિવેદનથી ઉઠ્યો વિવાદ
કાર્યક્રમ દરમિયાન પોતાના પ્રવચનમાં શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ કહ્યું હતું કે, “શ્રેષ્ઠ સમાજ જો હોય તો એ માત્ર બ્રહ્મ સમાજ છે. ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે બ્રહ્મ સમાજ આજે તમારી પાસે આવીને ભીખ માંગતો હોય પેટ માટે, તો પણ એ બ્રહ્મ સમાજ હોય અને એમાં એની જરાય નાનપ ન હોય.”
આ પણ વાંચો: ગાંધીનગરમાં BRICS દેશોના જસ્ટિસ મિનિસ્ટરોની બેઠક : વૈકલ્પિક વિવાદ નિવારણ પર મહત્વપૂર્ણ ઘોષણાપત્ર સ્વીકારાયું
ઘણા બ્રાહ્મણ આગેવાનોનું માનવું છે કે બ્રાહ્મણ સમાજનો ઐતિહાસિક અને ધાર્મિક સ્થાન અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે અને આવા શબ્દો જાહેર મંચ પરથી બોલવા યોગ્ય નથી. ઘટનાને લઈને સમાજના વિવિધ સંગઠનો દ્વારા આંતરિક ચર્ચાઓ પણ શરૂ થઈ હોવાનું જાણવા મળે છે.
ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ મંચ પરથી જ આપ્યો પ્રતિસાદ
વિવાદાસ્પદ નિવેદન બાદ કાર્યક્રમમાં હાજર માંડવીના ધારાસભ્ય અને ભાજપના પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવેએ મંચ પરથી જ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “સ્વામીએ અહિયાંથી કહ્યું બ્રાહ્મણ ભીખ... બ્રાહ્મણ કદી ભીખ ન માંગે. બ્રાહ્મણ દાન સ્વીકારે છે અને બ્રાહ્મણને છ કર્મનો અધિકાર છે - દાન દેવું, દાન લેવું, વિદ્યા ભણવી, વિદ્યા ભણાવવી, યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો.”
તેમણે આગળ ઉમેર્યું કે, “તમે પાંચ રૂપિયા આપો તો અમે કહીયે - ધનવાન, પુત્રવાન, કીર્તિવાન, આયુષ્યવાન ભવ. મનકામના સિદ્ધિરસ્તુ. આ બ્રાહ્મણ છે. એ દાન સ્વીકારી અને તમારા કુળને તારે છે, ભીક્ષા નથી માંગતો.”
અનિરુદ્ધ દવેના આ નિવેદન બાદ કાર્યક્રમમાં હાજર અનેક લોકોએ તાળીઓ પાડી સમર્થન વ્યક્ત કર્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ઘટનાના વીડિયોમાં આ ક્ષણો પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે.
આ પણ વાંચો: ગુજરાત પોલીસનું 'ઓપરેશન મિલાપ' : માત્ર બે અઠવાડિયામાં શોધી કાઢ્યા ગુમ થયેલા 701 લોકો
સોશિયલ મીડિયા પર ગરમાયો મુદ્દો
ઘટનાનો વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ છે. કેટલાક લોકો શાસ્ત્રીના નિવેદનને આધ્યાત્મિક સંદર્ભમાં જોવાની વાત કરી રહ્યા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો તેને બ્રાહ્મણ સમાજનું અપમાન ગણાવી રહ્યા છે.
ફેસબુક, વોટ્સએપ અને એક્સ સહિતના પ્લેટફોર્મ પર વીડિયો ઝડપથી ફેલાતા મામલો રાજ્યભરમાં ચર્ચાસ્પદ બન્યો છે. જો કે, લેખ લખાઈ રહ્યો છે ત્યાં સુધી શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામી અથવા સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરવામાં આવી નથી.
ધાર્મિક મંચ પરથી નિવેદનોને લઈને ફરી ચર્ચા
આ ઘટનાએ ફરી એકવાર ધાર્મિક અને સામાજિક મંચો પરથી કરવામાં આવતા નિવેદનો અંગે ચર્ચા જગાવી છે. જાહેર કાર્યક્રમોમાં સમાજવિશેષ અંગે કરવામાં આવતા શબ્દપ્રયોગો કેટલા સંવેદનશીલ હોઈ શકે છે તે મુદ્દો ફરી કેન્દ્રસ્થાને આવ્યો છે.





