Home Gujarat Newborn Baby Found Alive On Godhra Railway Track

પંચમહાલમાં દેખાયો 'કળિયુગ'! : ગોધરા રેલવે ટ્રેક પર જીવિત અવસ્થામાં નવજાત શિશુ મળતા ચકચાર

સફેદ કપડાંમાં નવજાત શિશુને લઈ જતાં વ્યક્તિઓ
Published by: Chintan Chavda
Last Updated: May 12, 2026, 06:28 AM IST

પંચમહાલ જિલ્લાના ગોધરા રેલવે સ્ટેશન પર માનવતાને ઝંઝોળી નાખે તેવી ઘટના સામે આવી છે. ગોધરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ નજીક આવેલા રેલવે ટ્રેક ઉપર જીવિત અવસ્થામાં એક નવજાત શિશુ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા વ્યક્તિ દ્વારા નવજાત શિશુને ટ્રેક નંબર 6 અને 7 વચ્ચે ત્યજી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની માહિતી મળતા જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ નવજાત શિશુને સુરક્ષિત રીતે બહાર કાઢીને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. હાલ બાળકની તબિયત અંગે તબીબો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

સ્ટોલ મેનેજરની સતર્કતાથી બચ્યો જીવ

માહિતી મુજબ પ્લેટફોર્મ નંબર ત્રણ પર આવેલા એક સ્ટોલના મેનેજરની નજર ટ્રેક વચ્ચે પડેલા નવજાત શિશુ પર પડી હતી. શરૂઆતમાં તેમને કોઈ કપડાનું ગોછર લાગ્યું હતું, પરંતુ નજીકથી જોતા બાળક હોવાની જાણ થતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા.

તેમણે વિલંબ કર્યા વગર તરત જ રેલવે પોલીસ અને સ્ટેશન સ્ટાફને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ અને રેલવે કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ટ્રેક પર સતત ટ્રેનની અવરજવર વચ્ચે જીવિત બાળક મળી આવતા સૌ કોઈ આશ્ચર્યચકિત બની ગયા હતા.
કચ્છમાં ટાપુ પરથી મળી શંકાસ્પદ AIS સિસ્ટમ: ટેક્નિકલ અને ફોરેન્સિક તપાસ શરૂ

પોલીસ દ્વારા તપાસ શરૂ

પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. સ્ટેશન પર લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ ચકાસીને બાળકને ત્યાં મૂકી જનાર વ્યક્તિની ઓળખ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પ્રાથમિક અનુમાન મુજબ નવજાત શિશુને જન્મ બાદ થોડા જ સમયમાં અહીં લાવવામાં આવ્યું હોઈ શકે છે. બાળકને કોણ અને કયા કારણસર ત્યજી ગયું તે મુદ્દે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. રેલવે સ્ટેશન આસપાસના વિસ્તારો તેમજ હોસ્પિટલોમાં પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
રાજ્યની સૌથી 'સેફ' જેલમાંથી કેદી ફરાર: હાઈ સિક્યોરિટી જેલની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો

માનવતાને હચમચાવતી ઘટના

આ ઘટનાએ ફરી એકવાર સમાજ સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. નવજાત શિશુને જીવના જોખમે રેલવે ટ્રેક પર મૂકીને જતી રહેવાની ઘટનાએ લોકોમાં ભારે આક્રોશ અને દુઃખની લાગણી ફેલાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now