NDAના ઉપરાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત એનડીએ સહિત અન્ય સાંસદો તેમની સાથે ઉમેદવારી નોંધાવા પહોંચ્યા હતા. ઉમેદવારી નોંધાવતી વખતે PM મોદી તેમના પહેલા પ્રસ્તાવક બન્યા હતા.
સીપી રાધાકૃષ્ણને ઉમેદવારી નોંધાવી
કેન્દ્ર સરકારના એનડીએ ગઠબંધને રવિવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને આગામી ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. આ જાહેરાત ભાજપ સંસદીય બોર્ડની બેઠક બાદ કરવામાં આવી હતી. આ નિર્ણય એનડીએના સહયોગી પક્ષોના સમર્થન બાદ લેવામાં આવ્યો હતો.
I.N.D.I.A ગઠબંધને સુદર્શન રેડ્ડીને ઉમેદવાર બનાવ્યા
વિપક્ષે અનેક મથામણોના અંતે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી. સુદર્શન રેડ્ડીનું નામ જાહેર કર્યું છે. I.N.D.I.A ગઠબંધને ઉપરાષ્ટ્રપતિ પદ માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી. સુદર્શન રેડ્ડીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. જેના પરિણામ તે જ દિવસે જાહેર થશે.