Home Gujarat Navsari Congress Entire Panel 18 Candidates Forms Cancelled Due To Reduction Mandate

નવસારી કોંગ્રેસમાં 'સેલ્ફ ગોલ' : નેતાઓની આળસને કારણે કાર્યકરોની મહેનત પાણીમાં, આખી પેનલના ફોર્મ રદ

Gujarat Local Body Election 2026
Published by: Nirali Gohil
Last Updated: Apr 13, 2026, 10:28 AM IST

નવસારી: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે નવસારી જિલ્લા કોંગ્રેસમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગણદેવી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના જિલ્લા નેતૃત્વની ઘોર બેદરકારીના કારણે વોર્ડ નંબર 1 ની આખી પેનલના ઉમેદવારી ફોર્મ રદ થયા છે. મેન્ડેટ રજૂ કરવામાં થયેલા વિલંબના કારણે સર્જાયેલી આ સ્થિતિને પગલે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે ભાજપ માટે જીતનો માર્ગ મોકળો બન્યો છે.

રાજ્યભરમાં આજે ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ છે, ત્યારે નવસારીમાં કોંગ્રેસ માટે સ્થિતિ અત્યંત કપરી બની છે. જિલ્લા પ્રમુખ અને તેમની ટીમની આળસ અથવા ગેરવહીવટના કારણે સમય મર્યાદામાં મેન્ડેટ ન પહોંચતા ચૂંટણી અધિકારીએ કાયદેસરની કાર્યવાહી કરી ફોર્મ નામંજૂર કર્યા છે. આ ઘટનાને પગલે નવસારીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વકરવાની શક્યતા દેખાઈ રહી છે.

માત્ર 10 મિનિટનો વિલંબ અને 18 ફોર્મ રદ: શું હતી સમગ્ર ઘટના?

નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકામાં કુલ 6 વોર્ડની 24 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ દ્વારા 18 ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. જોકે, ફોર્મ ભરવાના અંતિમ દિવસે શહેર કોંગ્રેસ પ્રમુખ મેન્ડેટ લઈને બપોરે 3.10 કલાકે એટલે કે નિર્ધારિત સમય કરતાં 10 મિનિટ મોડા પહોંચ્યા હતા. પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સમય મર્યાદા વીતી ગઈ હોવાથી મેન્ડેટ સ્વીકારી શકાય નહીં. પરિણામે, કાયદાકીય જોગવાઈઓ મુજબ કોંગ્રેસના તમામ 18 ફોર્મ રદ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: "કોંગ્રેસે હંમેશા ગુજરાતીઓને બદનામ કરવાનું પાપ કર્યું છે" : જૂનાગઢમાં જગદીશ વિશ્વકર્માની ગર્જના, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

ગણદેવી પાલિકા 'સમરસ' જાહેર થાય તેવી પ્રબળ શક્યતા

કોંગ્રેસના ફોર્મ રદ થતા હવે ગણદેવી નગરપાલિકામાં ભાજપનું પલ્લું ભારે થઈ ગયું છે. હાલમાં આ પાલિકામાં 6 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. જો આવતીકાલે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે આ અપક્ષ ઉમેદવારો પોતાના નામ પાછા ખેંચી લે, તો ગણદેવી નગરપાલિકા સંપૂર્ણપણે 'સમરસ' જાહેર થઈ શકે છે. ભાજપના અગ્રણીઓએ પણ આશા વ્યક્ત કરી છે કે અપક્ષો ભાજપના સમર્થનમાં ફોર્મ પરત ખેંચી લેશે.

નવસારી જિલ્લામાં કોંગ્રેસનું ગાબડું: કુલ 32 બેઠકો પર ફટકો

આ માત્ર ગણદેવી પાલિકા પૂરતું મર્યાદિત નથી, નવસારી જિલ્લામાં કોંગ્રેસની બેદરકારીને કારણે અનેક બેઠકો પર ઉમેદવારી ગુમાવવાનો વારો આવ્યો છે:

  • ગણદેવી નગરપાલિકા: 18 બેઠકો

  • નવસારી મહાનગરપાલિકા: 02 બેઠકો

  • જિલ્લા પંચાયત: 03 બેઠકો

  • ગણદેવી તાલુકા પંચાયત: 06 બેઠકો

  • જલાલપોર તાલુકા પંચાયત: 02 બેઠકો

  • ચીખલી તાલુકા પંચાયત: 01 બેઠક

કાર્યકરોમાં ભારે આક્રોશ: પ્રદેશ કક્ષાએ રજૂઆતની તૈયારી

જીતની આશાએ ફોર્મ ભરનારા કોંગ્રેસના ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળતા જિલ્લાના નેતાઓ સામે રોષ ફાટી નીકળ્યો છે. કાર્યકરોનો આક્ષેપ છે કે મોટા નેતાઓની નિષ્ક્રિયતાના કારણે પાયાના કાર્યકરોએ સહન કરવાનો વારો આવ્યો છે. નારાજ કાર્યકરો હવે આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને રજૂઆત કરવાની અને જવાબદાર નેતાઓ સામે પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: સુરતના બિલ્ડરો પર GujRERAનો અત્યાર સુધીનો સૌથી મોટો સપાટો : 'નાણાકીય ગેરરીતિ' બદલ બિલ્ડરને 2 કરોડનો દંડ

ભાજપ વન-વે વિજય તરફ

નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં કોંગ્રેસની નબળી રણનીતિને કારણે ભાજપની અનેક બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. જેમાં 3 જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 2 મહાનગરપાલિકાના ઉમેદવારોનો સમાવેશ થાય છે. કોંગ્રેસના આ 'સેલ્ફ ગોલ'થી ભાજપ કેમ્પમાં ખુશીનો માહોલ છે અને તેઓ વન-વે વિજયની અપેક્ષા રાખી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now