Surat Builder Fined: ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (GujRERA) એ નાણાકીય શિસ્તના ગંભીર ઉલ્લંઘન બદલ સુરતના બિલ્ડરો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. સુરત સ્થિત ડેવલપર 'એવેન્ટિસ ડ્રીમ હોમ્સ LLP' (Avantis Dream Homes LLP) ને પ્રોજેક્ટના નાણાં નિયમ મુજબ બેંક ખાતામાં જમા ન કરાવવા બદલ રૂ. 2 કરોડનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો છે. રાજ્યમાં કોઈ બિલ્ડર પર આટલો મોટો દંડ લાદવામાં આવ્યો હોય તેવી આ સંભવતઃ પ્રથમ ઘટના છે. રેરાના એડજ્યુડિકેટિંગ ઓફિસર પી.આર. પટેલે આ આદેશ જારી કર્યો છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બિલ્ડરે આગામી 30 દિવસમાં આ દંડની રકમ ભરવાની રહેશે. સુરતના 'ઓફિરા સિએસ્ટા' (Ofira Siesta) પ્રોજેક્ટમાં નાણાકીય ફાઇલિંગમાં ગેરરીતિઓ જણાતા રેરા ઓથોરિટીએ સુઓમોટો ફરિયાદ નોંધીને આ તપાસ હાથ ધરી હતી, જેમાં બિલ્ડરની મોટી બેદરકારી સામે આવી છે.
શું હતો સમગ્ર મામલો? 40.7 કરોડનો હિસાબ ગાયબ
તપાસમાં બહાર આવ્યું છે કે, બિલ્ડરે વર્ષ 2021 થી 2024 ના ત્રણ નાણાકીય વર્ષો દરમિયાન ગ્રાહકો પાસેથી ઉઘરાવેલા રૂ. 40.7 કરોડ નિર્ધારિત રેરા બેંક ખાતામાં જમા કરાવ્યા નહોતા. RERA એક્ટ મુજબ, બિલ્ડરે ગ્રાહકો પાસેથી મળેલી રકમના 70 ટકા નાણાં એક અલગ ખાતામાં રાખવા ફરજિયાત છે, જેથી તે રકમનો ઉપયોગ માત્ર બાંધકામ અને જમીનની કિંમત ચૂકવવા માટે જ થઈ શકે. આ નિયમનો ભંગ થતા રેરાએ કડક વલણ અપનાવ્યું છે.
આ પણ વાંચો: વડોદરામાં SRP જવાનનું હાર્ટ એટેકથી મોત : પી.ટી. પરેડ બાદ છાતીમાં દુખાવો ઉપડ્યો અને પછી...
બિલ્ડરનો બચાવ: 'બેંકની મજબૂરી હતી'
બિલ્ડરે પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે આ ભૂલ જાણીજોઈને કરવામાં આવી નહોતી. પ્રોજેક્ટનું લોન ખાતું SBIમાં હોવાથી, ગ્રાહકો દ્વારા જમા કરાતા નાણાં બેંક સીધા લોનના હપ્તા પેટે કાપી લેતી હતી. બાંધકામ અટકે નહીં તે માટે તેમણે સીધા જ નાણાં ખર્ચ્યા હતા. જોકે, રેરા ઓથોરિટીએ આ દલીલ ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે બિલ્ડરે લોન ખાતાની પૂરી વિગતો આપી નથી કે અગાઉથી મંજૂરી પણ માંગી નથી.
શ્રી કુબેરજી એલિગન્ટને પણ 50 લાખનો દંડ
આ ઉપરાંત, સુરતના અન્ય એક બિલ્ડર 'શ્રી કુબેરજી એલિગન્ટ' (Shree Kuberji Elegant) સામે પણ રેરાએ લાલ આંખ કરી છે. આ પ્રમોટરે વર્ષ 2022 થી 2024 દરમિયાન ગ્રાહકો પાસેથી મળેલા રૂ. 9.77 કરોડ રેરા એકાઉન્ટમાં જમા કરાવ્યા નહોતા. બિલ્ડરે આ ભૂલ માટે એકાઉન્ટન્ટની અજ્ઞાનતાનું બહાનું કાઢ્યું હતું, પરંતુ ઓથોરિટીએ તેને 'નાણાકીય ગેરશિસ્ત' ગણાવીને રૂ. 50 લાખનો દંડ ફટકાર્યો છે.





