Home Gujarat Jagdish Vishwakarma Addresses Vikas Sankalp Sabha In Junagadh Sarcasm On Rahul Gandhi

"કોંગ્રેસે હંમેશા ગુજરાતીઓને બદનામ કરવાનું પાપ કર્યું છે" : જૂનાગઢમાં જગદીશ વિશ્વકર્માની ગર્જના, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

Junagadh Local Body Elections BJP Jagdish Vishwakarma
Published by: Nirali Gohil
Last Updated: Apr 13, 2026, 10:08 AM IST

જૂનાગઢ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જૂનાગઢ જિલ્લાના અગતરાય અને સમઢીયાળા ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’માં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે પ્રચંડ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનારા તત્વોને આગામી 26 તારીખે જનતા પાઠ ભણાવશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષે પોતાના સંબોધનની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી. તેમણે જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જનસમર્થન માંગતા કહ્યું કે, ભાજપ હંમેશા ખેડૂતો, મહિલાઓ અને છેવાડાના માનવીની પડખે ઊભી રહી છે.

ખેડૂતો માટે રૂ. 10,000 કરોડનું રાહત પેકેજ: સરકાર હંમેશા સંકટના સમયે સાથે

જગદીશ વિશ્વકર્માએ ખેડૂતલક્ષી કાર્યોની યાદી આપતા જણાવ્યું કે, જ્યારે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે જગતનો તાત મુશ્કેલીમાં હતો, ત્યારે ડબલ એન્જિન સરકારે રૂ. 10,000 કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ ઉપરાંત, રૂ. 15,000 કરોડની ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોના હિતનું રક્ષણ કર્યું છે. આજે ‘કિસાન સન્માન નિધિ’ અને ખાતર પરની સબસીડીના નાણાં સીધા ખેડૂતોના ખાતામાં જમા થઈ રહ્યા છે, જે પારદર્શક વહીવટનો પુરાવો છે.

પ્રાકૃતિક ખેતી અને કિસાન સૂર્યોદય યોજનાથી કૃષિ ક્ષેત્રે ક્રાંતિ

રાજ્યમાં કૃષિ ક્ષેત્રના આધુનિકીકરણ અંગે વાત કરતા તેમણે ઉમેર્યું કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીના પ્રયાસોથી આજે ગુજરાતના 10 લાખથી વધુ ખેડૂતો ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. આ ખેડૂતોના ઉત્પાદનોને ‘અમૂલ’ દ્વારા વૈશ્વિક બજાર મળે તેવા આયોજનો પણ કરાયા છે. સાથે જ, ‘કિસાન સૂર્યોદય યોજના’ હેઠળ રાજ્યના 16 હજાર ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું ભગીરથ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: "સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસાથી વિકાસ કરીશ?" : કુમાર કાનાણીના એક નિવેદનથી છેડાયો વિવાદ, આખા ગુજરાતમાં ચર્ચા

કોંગ્રેસની માનસિકતા પર પ્રહાર: "ગુજરાતીઓને મૂર્ખ કહેવાનું પરિણામ ભોગવવું પડશે"

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનનો ઉલ્લેખ કરતા વિશ્વકર્માએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, "કોંગ્રેસ હંમેશા ગુજરાત અને ગુજરાતીઓને બદનામ કરવાનું પાપ કરતી રહી છે. જે પક્ષના અધ્યક્ષ ગુજરાતની જનતાને ‘અભણ અને મૂર્ખ’ કહીને અપમાનિત કરે, તેમને અહીંની જનતા ક્યારેય માફ નહીં કરે." વધુમાં તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, ઇટાલી જેમનું મોસાળ છે તેવા નેતાઓ ક્યારેય ગામડાની ગરીબી કે ચુલાના ધુમાડાથી પીડાતી માતાઓની વ્યથા સમજી શકતા નથી.

નર્મદા યોજના અને સૌની યોજના: પાણીદાર ગુજરાતનું સપનું સાકાર

સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાનો અંત લાવવા માટે ભાજપ સરકારના પ્રયાસોને ગણાવતા તેમણે કહ્યું કે, વર્ષો સુધી લટકેલી નર્મદા યોજનાને નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યાના માત્ર 17 જ દિવસમાં મંજૂરી આપી હતી. આજે ‘સૌની યોજના’ અને ‘નલ સે જલ’ મિશન દ્વારા દરેક ઘર સુધી પાણી પહોંચ્યું છે. ગુજરાત આજે સોલર રૂફટોપમાં 10 લાખથી વધુ ઘરો સાથે દેશમાં પ્રથમ ક્રમે છે, જેનાથી સામાન્ય નાગરિકોના વીજ બિલમાં મોટી બચત થઈ રહી છે.

જનહિતની યોજનાઓ: 10 લાખની મફત સારવાર અને છેવાડાના માનવીનો વિકાસ

જગદીશભાઈએ આયુષ્માન ભારત યોજના હેઠળ રૂ. 10 લાખની મફત સારવાર, ઉજ્જવલા યોજના અને જનધન યોજના દ્વારા મળતા સીધા લાભોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો, ત્યારથી જ તેમણે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ જેવી યોજનાઓ દ્વારા પાયાની જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

આ પણ વાંચો: સુરત કોંગ્રેસે લિસ્ટેડ બુટલેગરને ટિકિટ આપતા રાજકીય ગરમાવો : કોંગ્રેસના નિર્ણયે ભાજપને હાથોહાથ આપી દીધો મુદ્દો

વિજય વિશ્વાસ: વિરોધ પક્ષો પાસે પૂરતા ઉમેદવારો પણ નથી

સભાના અંતે તેમણે દાવો કર્યો હતો કે વિરોધ પક્ષો પાસે આજે ચૂંટણી લડવા માટે પૂરતા ઉમેદવારો પણ નથી. ચૂંટણી ટાણે ‘બહુરૂપિયા’ બનીને આવતા લોકોને જનતા ઓળખી ગઈ છે. તેમણે 26 તારીખે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના તમામ ભાજપ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા આહ્વાન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણા, પ્રભારી અરવિંદભાઈ રૈયાણી, કિરીટભાઈ પટેલ, પૂર્વ મંત્રી દેવાભાઈ માલમ સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now