Home Gujarat Surat Congress Gives Ticket To Listed Bootlegger Vandana Salunke In Ward 29 Politics Heats Up Surat

સુરત કોંગ્રેસે લિસ્ટેડ બુટલેગરને ટિકિટ આપતા રાજકીય ગરમાવો : કોંગ્રેસના નિર્ણયે ભાજપને હાથોહાથ આપી દીધો મુદ્દો

Surat Congress Listed Bootlegger Candidate Ticket Controversy
Published by: Nirali Gohil
Last Updated: Apr 13, 2026, 07:33 AM IST

Surat Congress Ticket Controversy: સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારોની યાદીમાં એક એવું નામ સામે આવ્યું છે જેણે શહેરના રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. સુરતના વોર્ડ નંબર 29 (અલથાણ, ભમરોલી, વડોદ) માંથી કોંગ્રેસે વંદના ભીમરાવ સાળુંકેને મેદાનમાં ઉતાર્યા છે, જેઓ પોલીસ ચોપડે 'લિસ્ટેડ બુટલેગર' તરીકે ઓળખાય છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા ચહેરાને ટિકિટ આપવાના કોંગ્રેસના આ નિર્ણય સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને વિરોધ પક્ષોને પણ આક્રમક થવા માટે નવો મુદ્દો મળી ગયો છે.

ભેદવાડ સ્થિત પ્રેમ નગર ઝુંપડપટ્ટીમાં રહેતા વંદના સાળુંકે સામે પ્રોહિબિશન એક્ટ (દારૂબંધી) હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા છે. ખાસ કરીને પાંડેસરા પોલીસ મથકમાં તેમના વિરુદ્ધ દારૂના વેપાર અંગેની ગંભીર ફરિયાદો નોંધાઈ ચૂકી છે. કોંગ્રેસે આ વખતે પક્ષના જૂના કાર્યકરોને સાઈડલાઈન કરીને આવા વિવાદાસ્પદ ચહેરા પર પસંદગી ઉતારતા સ્થાનિક સ્તરે પણ કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો છે.

બે વાર સજા અને દંડ: પ્રોહિબિશન એક્ટ હેઠળ કોર્ટે ફટકારી છે સજા

વંદના સાળુંકેનો ગુનાહિત રેકોર્ડ તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. વર્ષ 2022 અને 2024માં પાંડેસરા પોલીસ મથકે તેમની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધ્યા હતા. વર્ષ 2023માં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ) હેઠળના કેસમાં કોર્ટે તેમને 'કોર્ટ ઉઠે ત્યાં સુધીની સજા' અને દંડ ફટકાર્યો હતો. આટલું જ નહીં, વર્ષ 2025માં પણ સમાન પ્રકારના ગુનામાં તેમને ફરીથી સજા અને દંડની સજા કરવામાં આવી હતી. આમ, કાયદાકીય રીતે સાબિત થયેલા ગુના છતાં તેમને ટિકિટ આપતા ચર્ચા જાગી છે.

આ પણ વાંચો: સુરત ભાજપમાં ભડકો! : સ્થાનિક ઉમેદવારની અવગણના થતા મધ્યસ્થ કાર્યાલય પર 300 કાર્યકરોનો હલ્લાબોલ

25 વર્ષની વફાદારીનું મળ્યું 'કડવું' ફળ?

માહિતી મુજબ, વંદના સાળુંકે છેલ્લા અંદાજે 25 વર્ષથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે. જોકે, આટલા લાંબા સમયમાં ક્યારેય તેમને ચૂંટણી લડવાની તક મળી નહોતી. આ વખતે પ્રથમવાર કોંગ્રેસે તેમને ટિકિટ આપી છે, પરંતુ તેમની જૂની પ્રવૃત્તિઓએ પક્ષની છબી સામે પ્રશ્નાર્થ ચિહ્નો મૂક્યા છે. સાત ધોરણ સુધી ભણેલા વંદના સાળુંકેએ પોતાની ઉમેદવારી અરજીમાં પોતે કરેલા ગુનાઓની કબૂલાત પણ કરી છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ચૂંટણીમાં શું પડશે અસર?

સુરતમાં ભાજપ જ્યારે શિસ્ત અને 'ક્લીન ઇમેજ'ની વાત કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ દ્વારા બુટલેગર તરીકે ઓળખાતા ઉમેદવારને મેદાનમાં ઉતારવા તે એક મોટું જોખમ ગણાઈ રહ્યું છે. સ્થાનિક મતદારોમાં આ મામલે મિશ્ર પ્રતિસાદ છે. શું કોંગ્રેસનો આ દાવ સફળ રહેશે કે પછી ભાજપ આ મુદ્દાને ચગાવીને કોંગ્રેસને નુકસાન પહોંચાડશે? તે આગામી સમય જ બતાવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now