સુરત: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના જંગમાં શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં સુરત ખાતે મોટું ગાબડું પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સુરતના વોર્ડ નંબર 10 (અડાજણ-પાલ) વિસ્તારમાં ઉમેદવારોની પસંદગી થતાની સાથે જ ભાજપનો આંતરિક અસંતોષ જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો છે. લાંબા સમયથી પક્ષ માટે લોહી-પરસેવો એક કરનારા સ્થાનિક કાર્યકરોની અવગણના કરીને 'બહારના' ચહેરાઓને સ્થાન આપવામાં આવતા કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અસંતોષ એટલી હદે વકર્યો હતો કે મોડી રાત્રે 300થી વધુ કાર્યકરોએ મધ્યસ્થ કાર્યાલયને ઘેરી લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા.
સુરત પશ્ચિમ બેઠક હેઠળ આવતા આ વોર્ડમાં ભાજપ દ્વારા જાહેર કરાયેલા નામો બાદ સ્થાનિકોમાં 'યાદવાસ્થળી' શરૂ થઈ છે. કાર્યકરોનો આક્ષેપ છે કે પક્ષે જમીની સ્તરના કાર્યકર્તાઓને સાઈડલાઈન કરીને એવા લોકોને ટિકિટ આપી છે જેમને વિસ્તારના પ્રશ્નો સાથે કોઈ લેવાદેવા નથી. આ પરિસ્થિતિને જોતા કાર્યાલય પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી.
ગામડાના ઉમેદવારોની અવગણના: અડાજણ-પાલના રહીશો લાલચોળ
અડાજણ, પાલ અને ભાઠા ગામના વતનીઓ અને વર્ષો જૂના કાર્યકરોએ પક્ષ સામે મોરચો માંડ્યો છે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે, "જેમને ટિકિટ મળી છે તેમને અમે પાંચ વર્ષમાં ક્યારેય જોયા નથી." સ્થાનિકોએ બેનરો અને પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરીને હાઈકમાન્ડ સુધી પોતાનો અવાજ પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. તેમની સ્પષ્ટ માંગ છે કે ટિકિટ સ્થાનિક અને સક્રિય કાર્યકરને જ મળવી જોઈએ.
આ પણ વાંચો: વડોદરામાં ભાજપના ઉમેદવાર સામે 'બગાવત' : 'વોર્ડ-10ના ઉમેદવાર યોગ્ય નથી' લાગ્યા પોસ્ટરો, કાર્યકરોમાં ભયંકર રોષ
કોળી અને પાટીદાર સમાજની 25 હજાર મતોથી હારવાની ચીમકી
વોર્ડ નંબર 10 માં વર્ચસ્વ ધરાવતા કોળી અને કડવા પાટીદાર સમાજમાં આ નિર્ણયથી ભારોભાર રોષ છે. સામાજિક આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં પક્ષ પોતાના નિર્ણય પર પુનઃવિચાર નહીં કરે, તો અડાજણ-પાલના અંદાજે 25,000 જેટલા મતદારો મતદાનનો બહિષ્કાર કરશે અથવા ભાજપની વિરુદ્ધમાં મતદાન કરશે. સમાજનું કહેવું છે કે ચૂંટણી ટાણે યુવાનોનો ઉપયોગ કરાય છે પરંતુ સત્તાની ભાગીદારીમાં તેમને અન્યાય કરવામાં આવે છે.
પૂર્ણેશ મોદીના મધ્યસ્થીના પ્રયાસો: પોલીસના પહેરા વચ્ચે બેઠક
મામલો ગરમાતા પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી તાત્કાલિક મધ્યસ્થ કાર્યાલય પર પહોંચ્યા હતા. રોષે ભરાયેલા ટોળાને શાંત પાડવા અને સમાજના આગેવાનો સાથે વાટાઘાટો કરવા માટે તેમણે બંધ બારણે બેઠક યોજી હતી. જોકે, કાર્યકરો હજુ પણ તેમની માંગ પર અડગ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. હવે જોવાનું એ રહેશે કે ભાજપ હાઈકમાન્ડ ડેમેજ કંટ્રોલમાં સફળ રહે છે કે પછી આ બળવો પક્ષને ભારે પડશે.





