Home Gujarat Vadodara Protest Posters Against Bjp Candidate In Vadodara Were Put Up Overnight In Ward 10

વડોદરામાં ભાજપના ઉમેદવાર સામે 'બગાવત' : 'વોર્ડ-10ના ઉમેદવાર યોગ્ય નથી' લાગ્યા પોસ્ટરો, કાર્યકરોમાં ભયંકર રોષ

Vadodara BJP Ward 10 Poster War
Published by: Nirali Gohil
Last Updated: Apr 13, 2026, 06:36 AM IST

વડોદરા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં સત્તાધારી પક્ષ ભાજપ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. શહેરના વોર્ડ નંબર 10 માં ઉમેદવારની પસંદગીને લઈ પક્ષમાં આંતરિક ભડકો થયો છે. પાયાના કાર્યકરોની નારાજગી હવે સપાટી પર આવી ગઈ છે અને ભાજપના શિસ્તબદ્ધ ગણાતા સંગઠનમાં ભંગાણના સંકેતો મળી રહ્યા છે. ટિકિટ વિતરણથી નારાજ કાર્યકરોએ હવે ખુલ્લેઆમ વિરોધનો માર્ગ અપનાવતા રાજકારણ ગરમાયું છે.

વોર્ડ નંબર 10 માં ભાજપ દ્વારા અવની સ્ટેમ્પવાળાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા જ વિવાદનો મધપૂડો છંછેડાયો છે. સ્થાનિક સ્તરે સક્રિય એવા કાર્યકરો અને મતદારોમાં એવી લાગણી પ્રવર્તી રહી છે કે પક્ષે જમીની સ્તરના નેતાઓની અવગણના કરી છે. આ રોષ એટલી હદે વકર્યો છે કે મોડી રાત્રે વોર્ડના વિવિધ વિસ્તારોમાં ભાજપના જ ઉમેદવાર વિરુદ્ધ 'ઉમેદવાર યોગ્ય નથી' તેવા લખાણ સાથેના પોસ્ટરો અને બેનરો રાતોરાત લગાડી દેવામાં આવ્યા હતા, જેનાથી શનિવારની સવારે વડોદરામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.

પાયાના કાર્યકરોમાં 'પેરાશૂટ' ઉમેદવાર સામે આક્રોશ

કાર્યકરોનો મુખ્ય આક્ષેપ છે કે, જે વ્યક્તિએ ક્યારેય વિસ્તારના લોકપ્રશ્નો માટે મેદાનમાં ઉતરીને કામ કર્યું નથી, તેમને પક્ષે સીધી ટિકિટ આપીને વર્ષોથી પરસેવો પાડતા કાર્યકરોને અન્યાય કર્યો છે. "સ્થાનિક ન હોય તેવા વ્યક્તિને ટિકિટ કેમ?" તેવા સવાલો સાથે કાર્યકરોમાં બગાવત જેવી સ્થિતિ સર્જાઈ છે. આ અસંતોષને કારણે ભાજપની 'કેડર બેઝ્ડ' પાર્ટી હોવાની છબી સામે પણ પ્રશ્નાર્થો ઉભા થયા છે.

નીતિન દોંગા અને ટીમ મેદાનમાં: ડેમેજ કંટ્રોલના પ્રયાસો

વોર્ડમાં પોસ્ટરો લાગતાની સાથે જ ભાજપ સંગઠન હરકતમાં આવ્યું હતું. પક્ષની આબરૂ બચાવવા માટે જાણીતા હિન્દુવાદી નેતા નીતિન દોંગા અને તેમની ટીમ તાત્કાલિક મેદાનમાં ઉતરી હતી. નીતિન દોંગાની ટીમે વિસ્તારમાં ફરીને તમામ વિવાદાસ્પદ બેનરો અને પોસ્ટરો હટાવવાની કામગીરી હાથ ધરી હતી. પક્ષના અગ્રણીઓ દ્વારા કાર્યકરોને સમજાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, જેથી મતદાન પર તેની નકારાત્મક અસર ન પડે.

આ પણ વાંચો: ભાવનગર કોંગ્રેસમાં ભડકો : ટિકિટ કપાતા પૂર્વ વિપક્ષી નેતા લાલચોળ, રાહુલ ગાંધી પાસે આત્મવિલોપનની ઉચ્ચારી ચીમકી

શું પોસ્ટરો હટાવવાથી અસંતોષ શમશે?

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે દિવાલો પરથી પોસ્ટરો હટાવી દેવા એ કામચલાઉ ઉકેલ હોઈ શકે છે, પરંતુ કાર્યકરોની અંદર સળગી રહેલો અસંતોષ ચૂંટણીના પરિણામો પર મોટી અસર કરી શકે છે. જો ભાજપનું હાઈકમાન્ડ આ જૂથવાદને ડામવામાં નિષ્ફળ રહેશે, તો વોર્ડ-10 ની બેઠક જીતવી પક્ષ માટે લોઢાના ચણા ચાવવા જેવી સાબિત થઈ શકે છે. હાલમાં તો વડોદરાનું આ "પોસ્ટર વોર" સોશિયલ મીડિયા પર પણ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now