ભાવનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય પક્ષોમાં આંતરિક ખેંચતાણ ચરમસીમાએ પહોંચી છે. ભાજપમાં ટિકિટ વિતરણ બાદ શરૂ થયેલો વિખવાદ હજુ શાંત પડ્યો નથી, ત્યાં હવે ભાવનગર કોંગ્રેસમાં પણ મોટું ભંગાણ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવતાની સાથે જ પક્ષનો આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. ખાસ કરીને વર્ષોથી પક્ષ વફાદાર રહેલા પીઢ નેતાની ટિકિટ કપાતા કાર્યકરો અને સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5 (ઉત્તર કૃષ્ણનગર-રુવા) માં સતત 4 ટર્મથી વિજયી બનતા અને કોંગ્રેસનો ગઢ સાચવી રાખનારા પૂર્વ વિપક્ષી નેતા જીતુ સોલંકીની ટિકિટ કાપી નાખવામાં આવતા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ મામલે જીતુ સોલંકીએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે અને છેક દિલ્હી સુધી પોતાની નારાજગી પહોંચાડી છે.
ઓડિયો ક્લિપ વાયરલ થતા રાજકીય ખળભળાટ
આ સમગ્ર વિવાદમાં ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે પૂર્વ વિપક્ષી નેતા જીતુ સોલંકી, કોંગ્રેસના બાહુબલી નેતા ભરત બુધેલીયા અને પ્રદેશ નિરીક્ષક વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. આ વાયરલ ઓડિયોમાં કોંગ્રેસ દ્વારા સ્થાનિક આગેવાનોને 'કોરા મેન્ડેટ' આપવામાં આવતા હોવાનો ચોંકાવનારો સ્વીકાર પ્રદેશ નિરીક્ષક દ્વારા કરવામાં આવ્યો હોવાનું સંભળાય છે. આ ખુલાસા બાદ ભાવનગરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
રાહુલ ગાંધીને આત્મવિલોપનની ચીમકી
પોતાની અવગણના થતી જોઈ જીતુ સોલંકીએ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીને મળીને ન્યાયની માંગ કરી છે અને જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો જાહેરમાં આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. એક તરફ ભાજપમાં અસંતોષ છે ત્યારે કોંગ્રેસમાં પણ આ પ્રકારની સ્થિતિ સર્જાતા આગામી ચૂંટણીમાં સમીકરણો બદલાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
4 ટર્મનો દબદબો છતાં ટિકિટ કપાતા સવાલો
વોર્ડ નંબર 5 માં જીતુ સોલંકીનું વર્ચસ્વ વર્ષોથી રહ્યું છે. સતત ચાર ટર્મથી જીતતા આવતા ઉમેદવારની ટિકિટ કયા કારણોસર કાપવામાં આવી તે અંગે અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે કે આંતરિક જૂથવાદ અને પક્ષના ચોક્કસ નેતાઓની મનમાનીને કારણે પીઢ કાર્યકરોને અન્યાય થઈ રહ્યો છે.






