Home Gujarat Morbi Groundnut Fire Nafed Warehouse Investigation

મોરબીમાં મગફળી આગકાંડ: જેઠાભાઈ ભરવાડ અને મોહન કુંડારિયાનું નિવેદન : નાફેડના ડાયરેક્ટર- ચેરમેન દ્વારા CCTV-FSL તપાસના આદેશ

નાફેડના ડાયરેક્ટર મોહન કુંડારિયા અને ચેરમેન જેઠાભાઈ ભરવાડ
Published by: OBS Bureau
Last Updated: Jul 05, 2026, 04:05 PM IST

મોરબીના રફાળેશ્વર ગામ નજીક આવેલા ગોડાઉનમાં સંગ્રહિત અંદાજે ₹44.90 કરોડની કિંમતની મગફળીમાં લાગેલી ભીષણ આગના મામલે નાફેડ અને વહીવટી તંત્ર સક્રિય બન્યા છે. નાફેડના ડાયરેક્ટર મોહન કુંડારિયા અને નાફેડના ચેરમેન જેઠાભાઈ ભરવાડએ અલગ-અલગ નિવેદન આપીને ઘટનાની નિષ્પક્ષ તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહીનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

મોહન કુંડારિયાએ જણાવ્યું કે નાફેડ દ્વારા ખરીદવામાં આવેલી આશરે 1.60 લાખ બોરી મગફળી ગુજરાત સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશન મારફતે ભાડે રાખવામાં આવેલા ગોડાઉનમાં સંગ્રહિત હતી. ગોડાઉનની સુરક્ષા અને જથ્થાની જવાબદારી સંપૂર્ણપણે વેરહાઉસ કોર્પોરેશનની હોવાથી નુકસાનની ભરપાઈ પણ કોર્પોરેશને જ કરવાની રહેશે.

તેમણે જણાવ્યું કે સમગ્ર મામલે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને તપાસમાં જે કોઈ જવાબદાર જણાશે તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ નાફેડને થયેલા નુકસાનની રિકવરી માટે પણ જરૂરી પગલાં લેવામાં આવશે.

બીજી તરફ, નાફેડના ચેરમેન જેઠાભાઈ ભરવાડે જણાવ્યું કે આગમાં સળગેલો મગફળીનો જથ્થો ગુજકોમાસોલ દ્વારા નાફેડ માટે ખરીદવામાં આવ્યો હતો અને તેનો સંગ્રહ મોરબી સ્થિત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશનના મેજીક સિરામિક ગોડાઉનમાં કરવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ DySP, FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓને સ્થળ પર મોકલી નિષ્પક્ષ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ગોડાઉનમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજની પણ તપાસ કરવામાં આવશે જેથી આગનું ચોક્કસ કારણ જાણી શકાય.

આ પણ વાંચો: મોરબીમાં મગફળીના ગોડાઉનની આગ હજુ બેકાબૂ : શેડ તોડી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો

જેઠાભાઈ ભરવાડે જણાવ્યું કે હાલ સુધી આગ લાગવાનું કારણ સ્પષ્ટ થયું નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સામે આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે આગમાં સળગેલા અંદાજે ₹44.90 કરોડના મગફળીના જથ્થાનો વીમો ઉતારવામાં આવ્યો હોવાથી નાફેડ અથવા ખેડૂતોને કોઈ આર્થિક નુકસાન નહીં થાય. જો તપાસમાં કોઈની સંડોવણી સામે આવશે તો કોઈને પણ બક્ષવામાં નહીં આવે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now