Bhavnagar News: ભાવનગરમાં 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કોળી સમાજે અત્યારથી જ રાજકીય માહોલ ગરમાવ્યો છે. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવિણ કોળીએ નિવેદન આપતાં જણાવ્યું કે, કોળી સમાજ અને ઠાકોર સમાજની લાગણી છે કે વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં પરસોતમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીને ચૂંટણી લડાવવી જોઈએ.
પ્રવિણ કોળીએ જણાવ્યું કે, ઉમેદવારી અંગે પક્ષે જે નિર્ણય લેવો હોય તે લે, પરંતુ કોળી સમાજે મન બનાવી લીધું છે કે દિવ્યેશ સોલંકી ચૂંટણી લડશે. તેમના જણાવ્યા મુજબ, દિવ્યેશ સોલંકી યુવા નેતા છે અને સમાજને જ્યારે પણ જરૂર પડે ત્યારે તેઓ હંમેશા હાજર રહે છે.
તેમણે વધુમાં કહ્યું કે, દિવ્યેશ સોલંકીને પોતાને સાબિત કરવા માટે દિલ્હી જઈને અધિવેશનો કરવાની જરૂર નથી. તેઓ સતત સમાજ વચ્ચે રહીને કામગીરી કરી રહ્યા છે. પરસોતમભાઈ સોલંકીએ વર્ષો સુધી કોળી સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કર્યું છે, પરંતુ હાલ તેમની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી દિવ્યેશ સોલંકી વધુ સક્રિય બન્યા છે.
પ્રવિણ કોળીના જણાવ્યા અનુસાર, 2027 બાદ કોળી અને ઠાકોર સમાજ માટે સારા દિવસો આવશે તેવી સમાજને આશા છે.
આ દરમિયાન તેમણે માહિતી આપી કે દિવ્યેશ સોલંકીના જન્મદિવસ નિમિત્તે આવતીકાલે વિવિધ સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ અંતર્ગત હોસ્ટેલમાં રહેતી કોળી સમાજની વિદ્યાર્થીનીઓને જરૂરી સામગ્રીનું વિતરણ સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ યોજાશે.





