Morbi News: મોરબી જિલ્લાના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે મોટો વિકાસ સામે આવ્યો છે. છેલ્લા 18 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલા ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયાની તબિયત અચાનક લથડતા તેમને તાત્કાલિક જેતપર આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, નેહુલ અમૃતિયાની તબિયત ગંભીર રીતે બગડતાં તેઓ બેભાન થઈ ગયા હતા. આ ઘટનાને પગલે આંદોલનકારીઓએ ગામમાંથી એક વીડિયો જાહેર કરીને જણાવ્યું છે કે હવે અન્ય ઉપવાસીઓના જીવને જોખમ ન થાય તે માટે તેમને પારણા કરાવવા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
'વધુ કોઈની તબિયત બગડે તો ગુજરાતભરમાંથી ખેડૂતોને બોલાવીશું'
જાહેર કરાયેલા વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે નેહુલ અમૃતિયા હાલમાં બેભાન અવસ્થામાં હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ ચેતવણી પણ આપવામાં આવી છે કે જો વધુ કોઈ ઉપવાસીની તબિયત લથડશે અથવા જીવનું જોખમ ઊભું થશે તો સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતોને જેતપર ખાતે એકત્રિત કરવામાં આવશે અને આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
જેતપર ગામે ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને આંદોલન ચાલી રહ્યું છે, જેમાં ઉપવાસીઓ છેલ્લા 18 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે. નેહુલ અમૃતિયાની તબિયત બગડતાં હવે આંદોલનના આગામી તબક્કા પર સૌની નજર ટકેલી છે.





