Home Gujarat Jetpar Khedut Andolan Parna Program Poster Viral Part 3

જેતપર ખેડૂત આંદોલનનો અંત? પારણા કાર્યક્રમની જાહેરાત : પારણા સાથે જ અંદોલન 'પાર્ટ-3'?

જેતપર ખેડૂત આંદોલન
Published by: OBS Bureau
Last Updated: Jul 05, 2026, 07:07 PM IST

Morbi News: મોરબી જિલ્લાના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં નવો વળાંક આવતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 18 દિવસથી આમરણાંત ઉપવાસ પર રહેલા ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયાની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ઉપવાસીઓને પારણા કરાવીને આંદોલનના આગામી ત્રીજા તબક્કાની જાહેરાત કરવામાં આવી શકે.

આ દરમિયાન સોશિયલ મીડિયા પર 'પારણા કાર્યક્રમ' અંગેનું એક પોસ્ટર વાયરલ થયું છે. પોસ્ટર મુજબ 6 જુલાઈએ રાત્રે 9:30 વાગ્યે જેતપર સ્થિત ગુજરાત ઉપવાસ છાવણી ખાતે પારણા કાર્યક્રમ યોજવાની અપીલ કરવામાં આવી છે. પોસ્ટરમાં ખેડૂત ભાઈઓ અને બહેનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

પોસ્ટરમાં વધુમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પારણા બાદ 'પાર્ટ-3'ની શરૂઆત અંગે તમામની હાજરીમાં જાહેરાત કરવામાં આવશે. સાથે જ ગુજરાતભરના ખેડૂતોને એકજૂથ કરીને નવા તબક્કાના આંદોલનની રૂપરેખા જાહેર કરવાનો સંકેત પણ આપવામાં આવ્યો છે.

જોકે, આ પોસ્ટરની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી આંદોલનકારીઓ અથવા સંબંધિત આગેવાનો દ્વારા કરવામાં આવી નથી. તેમ છતાં સોશિયલ મીડિયા પર પોસ્ટર વાયરલ થતાં ખેડૂત આંદોલનના આગામી તબક્કાને લઈને ચર્ચાઓ તેજ બની છે.

નેહુલ અમૃતિયાની તબિયત બગડ્યા બાદ ઉપવાસ સમાપ્ત કરાવવાની શક્યતા વચ્ચે હવે સૌની નજર 6 જુલાઈના સંભવિત પારણા કાર્યક્રમ અને ત્યારબાદ જાહેર થઈ શકે તેવી આંદોલનની નવી રણનીતિ પર ટકેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now