Home Gujarat Vadodara Vmc Garbage Vehicle Liquor Accident Road Sinkhole

વડોદરામાં VMCને બેવડો આંચકો: એક કચરાગાડીએ કારને મારી ટક્કર : તપાસમાં દારૂની પોટલીઓ મળી; બીજી ગાડી રસ્તાના ભુવામાં ગરકાવ

વડોદરામાં અકસ્માતગ્રસ્ત VMC કચરાગાડી અને રસ્તાના ભુવામાં ફસાયેલી પાલિકાની ગાડી.
Published by: OBS Bureau
Last Updated: Jul 05, 2026, 04:40 PM IST

Vadodara New: સંસ્કારી નગરી વડોદરામાં રવિવારની સવાર બે ચોંકાવનારી ઘટનાઓ સાથે શરૂ થઈ હતી, જેણે વડોદરા મહાનગરપાલિકા (VMC)ના વહીવટ અને માર્ગ વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. પ્રથમ ઘટનામાં ગોત્રી-સેવાસી રોડ પર VMCની ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરતી ગાડીએ અકસ્માત સર્જ્યો હતો, જ્યારે બીજી ઘટનામાં પાલિકાની જ બીજી કચરાગાડી રસ્તા પર પડેલા ભુવામાં ફસાઈ ગઈ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, ગોત્રીથી સેવાસી રોડ પર નાયરા પેટ્રોલ પંપ નજીક VMCની કચરાગાડીના ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. કચરાગાડી ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં પહોંચી સામેથી આવતી કાર સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માતમાં કારચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

કચરાગાડીમાંથી દારૂની પોટલીઓ મળતાં ખળભળાટ

અકસ્માત બાદ પોલીસે કચરાગાડીની તપાસ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. ગાડીમાંથી કચરાના બદલે દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી. ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં મહાનગરપાલિકાના વાહનમાં દારૂ મળી આવતાં પોલીસ અને વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને દારૂ ક્યાંથી આવ્યો તેમજ તેની હેરફેરમાં કોણ સંડોવાયેલું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

રસ્તાના ભુવામાં પાલિકાની ગાડી ગરકાવ

આ ઘટનાના થોડા સમય બાદ વડોદરાના હરિનગરથી વોર્ડ નંબર-11 તરફ જતા માર્ગ પર બીજી ઘટના બની હતી. પ્રથમ વરસાદ બાદ રસ્તા પર પડેલા મોટા ભુવામાં VMCની ડોર-ટુ-ડોર કચરાગાડી અચાનક ફસાઈ ગઈ હતી. ગાડીનો એક ભાગ ભુવામાં ધસી જતાં આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
પછી ક્રેનની મદદથી ભારે જહેમત બાદ ગાડીને ભુવામાંથી બહાર કાઢવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ રસ્તાની ગુણવત્તા અને પાલિકાની કામગીરી સામે ફરી પ્રશ્નો ઊભા થયા છે.

તંત્ર સામે ગંભીર સવાલો

એક જ દિવસે પાલિકાના બે વાહનો સાથે બનેલી આ બંને ઘટનાઓએ વડોદરા મહાનગરપાલિકાની કામગીરી, માર્ગોની ગુણવત્તા અને દેખરેખ અંગે ગંભીર ચર્ચા જગાવી છે. એક તરફ સરકારી વાહનમાં દારૂ મળવાનો મુદ્દો ચર્ચામાં છે, તો બીજી તરફ પ્રથમ વરસાદમાં જ રસ્તા પર પડેલા ભુવાએ વિકાસકાર્યોની ગુણવત્તા પર સવાલો ઊભા કર્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now