Ahmedabad News: ભારત રત્ન સમાન લોકનેતા સ્વ. રામવિલાસ પાસવાનની જન્મજયંતિ નિમિત્તે લોક જન શક્તિ પાર્ટી (રામવિલાસ) ગુજરાત પ્રદેશ દ્વારા અમદાવાદમાં સેવા અને જનકલ્યાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જરૂરિયાતમંદ પરિવારોને રાશન કિટ, વિદ્યાર્થીનીઓને સાયકલ, બહેનોને કૂકર અને મિક્સર તેમજ વિદ્યાર્થીઓને બેન્ચનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પાલડી સ્થિત પ્લેટિનમ ઇન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લોક જન શક્તિ પાર્ટી (રામવિલાસ)ના ગુજરાત રાજ્ય પ્રભારી કુવર આસિમખાન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ આશિષભાઈ પટેલ અને અમદાવાદ શહેર પ્રમુખ સંકેતભાઈ સોની સહિત પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ સ્વ. રામવિલાસ પાસવાનના જીવન, સમાજસેવા અને જનકલ્યાણ માટેના તેમના યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ વિવિધ લાભાર્થીઓને સહાય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગ સુધી મદદ પહોંચાડવાનો ઉદ્દેશ્ય લઈને આ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ ભવિષ્યમાં પણ આવા જનકલ્યાણના કાર્યક્રમો યોજાતા રહેશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.






