Home Gujarat Modi Jamnagar Visit Schedule Security Gujarati

જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 2 દિવસીય પ્રવાસ : રાત્રિ રોકાણ સાથે વિશેષ કાર્યક્રમોની તૈયારી

PMનાં આગમનની તૈયારીની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 09, 2026, 09:09 AM IST

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે જામનગરની મુલાકાતે આવી રહ્યાં છે જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓએ વિશેષ તૈયારી હાથ ધરી છે. આ પ્રવાસનું મહત્વ એ છે કે પ્રધાનમંત્રી અહીં રાત્રિ રોકાણ પણ કરશે જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને વ્યવસ્થાના કડક માપદંડો અમલમાં મુકાયા છે. એરફોર્સ સ્ટેશનથી લઈને સર્કિટ હાઉસ સુધીનો સમગ્ર કાર્યક્રમ જાણો.

PMનાં આગમન પહેલાં જ શહેરમાં પોલીસ, SPG અને અન્ય સુરક્ષા દળોની તહેનાતી વધારી દેવામાં આવી છે. મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયંત્રણ, પાર્કિંગ વ્યવસ્થા અંગે તૈયારી કરાઈ છે. આગ લાગતી પરિસ્થિતિઓને પહોંચી વળવા ફાયર તંત્રને સજ્જ રાખવામાં આવ્યું છે. સ્થાનિક નાગરિકોમાં પણ આ પ્રવાસને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે.

એરફોર્સ સ્ટેશન પર આગમન અને સ્વાગત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે રાત્રે 9:00 વાગ્યે દિલ્હીથી વિશેષ વિમાનથી જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે પહોંચશે. એરબેઝ પર રાજ્ય સરકારના મંત્રીમંડળના અગ્રણીઓ અને સ્થાનિક નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે.

સ્વાગત સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, જામનગરના સાંસદ પૂનમબહેન માડમ, રાજ્યમંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિતના રાજકીય આગેવાનો હાજર રહેશે. સાથે જ જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, એસપી ડૉ. રવિમોહન સૈની અને મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન. મોદી જેવા ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે.

આ પણ વાંચો: જામનગરમાં વડાપ્રધાન મોદીના પ્રવાસને લઈ ટ્રાફિક પ્રતિબંધ : આ મુખ્ય માર્ગો પર 10 મે સુધી વાહન વ્યવહાર બંધ, વિકલ્પ રૂટ જાહેર

લાલ બંગલા સર્કલ પર જન અભિવાદન

એરફોર્સ સ્ટેશનથી રાત્રે 9:05 વાગ્યે પ્રધાનનો કાફલો સર્કિટ હાઉસ તરફ રવાના થશે. લગભગ 13 મિનિટમાં કાફલો લાલ બંગલા સર્કલ ખાતે પહોંચશે, જ્યાં પ્રધાનમંત્રી માટે વિશેષ અભિવાદન કાર્યક્રમ યોજાશે.

તાજેતરમાં પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડીચેરી જેવા રાજ્યોમાં મળેલી રાજકીય સફળતા બાદ વડાપ્રધાનનો આ પ્રથમ જામનગર પ્રવાસ છે, જેને કારણે કાર્યકરો અને નાગરિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. લાલ બંગલા સર્કલ ખાતે મોટી સંખ્યામાં લોકો હાજર રહી પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે તેવી સંભાવના છે.

સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ

લાલ બંગલા સર્કલથી આગળ વધીને વડાપ્રધાન લગભગ 9:25 કલાકે જામનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચશે. અહીં તેઓ રાત્રિ રોકાણ કરશે. સર્કિટ હાઉસને એસપીજી સુરક્ષા ધોરણો મુજબ સંપૂર્ણ રીતે સજ્જ કરવામાં આવ્યું છે.

સર્કિટ હાઉસ આસપાસના વિસ્તારોમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પ્રવેશ નિયંત્રણ, CCTV સર્વેલન્સ અને ફાયર સેફ્ટી માટે વિશેષ વ્યવસ્થાઓ અમલમાં મુકવામાં આવી છે. આ ઉપરાંત, આવશ્યકતા મુજબ આરોગ્ય સેવાઓ અને ઈમરજન્સી ટીમોને પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.

આ પણ વાંચો: શુવેન્દુ અધિકારીના શપથ ગ્રહણ સમયે PMએ એક વૃદ્ધના ચરણ સ્પર્શ કર્યા : જાણો કોણ છે આ વૃદ્ધ વ્યક્તિ

બીજા દિવસનો કાર્યક્રમ અને સોમનાથ પ્રસ્થાન

પ્રવાસના બીજા દિવસે, એટલે કે સોમવારે સવારે 7:00 વાગ્યે પ્રધાનમંત્રીની નિયમિત પ્રવૃત્તિઓ શરૂ થશે. સવારે 8:30 વાગ્યે પ્રધાનમંત્રીનો કાફલો સર્કિટ હાઉસથી જામનગર એરફોર્સ સ્ટેશન તરફ રવાના થશે. ત્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે સોમનાથ માટે પ્રસ્થાન કરશે. સોમનાથ ખાતે તેમના ધાર્મિક અને જાહેર કાર્યક્રમોની સંભાવના છે જોકે તેના વિગતવાર કાર્યક્રમ અંગે હજી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

શહેરમાં સુરક્ષા અને ટ્રાફિક પર ખાસ ધ્યાન

પ્રધાનમંત્રીનાં સમગ્ર પ્રવાસ દરમિયાન જામનગર શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અમલમાં રહેશે. મુખ્ય માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કરી શકાય છે, જેને કારણે નાગરિકોને થોડા સમય માટે અસુવિધા થઈ શકે છે. પોલીસે નાગરિકોને સહકાર આપવા અને સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

આ ઉપરાંત, અગ્નિસુરક્ષા, તબીબી સેવાઓ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીના પ્રવાસને સફળ બનાવવા માટે સ્થાનિક વહીવટી તંત્રએ તમામ સંભવિત તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now