કેન્દ્ર સરકાર આજે લોકસભામાં એવા ત્રણ મોટા બિલ રજૂ કરી રહી છે, જે વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી અને રાજ્યોના મંત્રીઓને ગંભીર ગુનાહિત કેસોમાં ધરપકડ અથવા કસ્ટડીમાં લેવાય તો પદ પરથી દૂર કરવાની જોગવાઈ લાવશે.
હાલમાં, બંધારણ કે અન્ય કાયદાઓમાં આવી કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી. આ ખામી દૂર કરવા માટે સરકાર દ્વારા ત્રણ સુધારા બિલ તૈયાર કરવામાં આવ્યા છે.
રજૂ થનારા ત્રણ બિલ
કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર (સુધારો) બિલ, 2025
1963 ના અધિનિયમમાં ફેરફાર કરીને જો કોઈ મુખ્યમંત્રી કે મંત્રી ગંભીર ગુનામાં ધરપકડ થાય અને સતત 30 દિવસ કસ્ટડીમાં રહે તો તેને પદ પરથી દૂર કરવાની જોગવાઈ થશે.
બંધારણ (130મો સુધારો) બિલ, 2025
કલમ 75, 164 અને 239AAમાં સુધારો કરાશે.
વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી અથવા રાજ્ય મંત્રીને જો પાંચ વર્ષ કે તેથી વધુ સજાપાત્ર ગુનામાં ધરપકડ થાય અને 30 દિવસથી વધુ કસ્ટડીમાં રહે, તો તેમને પદ પરથી આપમેળે દૂર કરી શકાશે.
જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ, 2025
2019ના કાયદામાં કલમ 54(4A) ઉમેરાશે.
જો કોઈ મંત્રી સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રહે તો 31મા દિવસે ઉપરાજ્યપાલ દ્વારા પદ પરથી દૂર કરવામાં આવશે, અથવા મુખ્યમંત્રી પગલું ન ભરે તો તે મંત્રીનું પદ આપમેળે ખાલી થઈ જશે.
31મા દિવસે જાતે જ ખુરશી જશે
સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રહેનાર મંત્રી કે વડાપ્રધાનને 31મા દિવસે પદ પરથી દૂર કરવામાં આવશે.
આ જોગવાઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને માટે લાગુ પડશે.
જાહેર વિશ્વાસ પર ભાર
બિલના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું ચારિત્ર્ય નિર્દોષ હોવું જોઈએ.
ગંભીર ગુનામાં ફસાયેલા નેતાઓ પદ પર રહેશે તો તે બંધારણીય નૈતિકતા અને સુશાસનને ખલેલ પહોંચાડે છે.
જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પરનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે આ બિલ આવશ્યક છે.
કોંગ્રેસની તીખી પ્રતિક્રિયા : નવા બિલ પર સવાલો
લોકસભામાં રજૂ થનારા ત્રણ સુધારા બિલોને લઈને કૉંગ્રેસે કડક વિરોધ નોંધાવ્યો છે. મધ્યરાત્રે આ સમાચાર બહાર આવતા જ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ.
અભિષેક મનુ સિંઘવીનો પ્રહાર
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલ અભિષેક મનુ સિંઘવીએ X (પૂર્વે Twitter) પર પોતાની કટુ પ્રતિક્રિયા આપી.
તેમણે લખ્યું:
"કેટલું દુષ્ટ વર્તુળ! ધરપકડ માટે કોઈ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું નથી! વિપક્ષી નેતાઓની ધરપકડ આડેધડ અને અસંગત રીતે થઈ રહી છે. નવા કાયદા હેઠળ મુખ્યમંત્રીને ધરપકડ પછી તરત જ પદ પરથી દૂર કરી દેવામાં આવશે."
સિંઘવીએ વધુમાં આરોપ મૂક્યો કે:
વિપક્ષને અસ્થિર કરવાનો સહેલો રસ્તો આ જ છે.
પક્ષપાતી કેન્દ્રીય એજન્સીઓને વિપક્ષી મુખ્યમંત્રીઓની ધરપકડ કરવા માટે છોડી દેવામાં આવશે.
જ્યારે ચૂંટણીમાં હરાવવામાં નિષ્ફળતા મળે ત્યારે તેમને મનસ્વી ધરપકડ દ્વારા દૂર કરવામાં આવશે.
પરંતુ શાસક પક્ષના મુખ્યમંત્રી કે મંત્રીને ક્યારેય હાથ પણ લગાડવામાં નથી આવતા.