MI vs PBKS : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની 24 મી મેચમાં આજે ક્રિકેટ ચાહકોને એક રોમાંચક મુકાબલો જોવા મળશે. આજે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. આ શાનદાર મેચ મુંબઈના હોમ ગ્રાઉન્ડ એટલે કે વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટૉસ સાંજે 7:00 વાગ્યે ઉછાળવામાં આવશે. આ સિઝનમાં બંને ટીમો પહેલીવાર એકબીજાની સામે રમવા જઈ રહી છે, ત્યારે કોણ બાજી મારશે તે જોવું રસપ્રદ રહેશે.
પંજાબ પાસે નંબર-1 બનવાની તક
જો આપણે ગઈ સિઝનની વાત કરીએ તો, મુંબઈ અને પંજાબ વચ્ચે બે મેચ રમાઈ હતી અને બંને મેચમાં પંજાબની ટીમે શાનદાર જીત મેળવી હતી. આ સિઝનમાં પણ પંજાબ કિંગ્સ ખૂબ જ સારા ફોર્મમાં છે. અત્યાર સુધી રમાયેલી 4 મેચમાંથી પંજાબે 3 મેચ જીતી છે અને તેઓ પોઇન્ટ્સ ટેબલમાં ત્રીજા ક્રમે છે. જો પંજાબ આજની મેચ જીતે છે, તો તેઓ પોઇન્ટ્સ ટેબલમાં પહેલા નંબરે પહોંચી જશે. બીજી બાજુ, મુંબઈ ઈન્ડિયન્સનું અત્યાર સુધીનું પરફોર્મન્સ નિરાશાજનક રહ્યું છે અને તેમને 4 માંથી માત્ર 1 જ મેચમાં જીત મળી છે.
વાનખેડેમાં બંને ટીમોનો રેકોર્ડ
IPL ના ઈતિહાસમાં મુંબઈ અને પંજાબ વચ્ચે હંમેશા રસાકસીભરી મેચો જોવા મળી છે. બંને ટીમો અત્યાર સુધી 34 વખત એકબીજા સામે આવી છે, જેમાં મુંબઈ 17 મેચ જીત્યું છે અને પંજાબ 16 મેચ જીત્યું છે. જ્યારે એક મેચ ટાઈ રહી હતી. જો વાનખેડે સ્ટેડિયમની વાત કરીએ તો, અહીં બંને ટીમો 10 વખત ટકરાઈ છે અને બંનેએ 5-5 મેચ જીતીને બરાબરીનો રેકોર્ડ જાળવી રાખ્યો છે.
મુંબઈને મોટો ફટકો : રોહિત શર્મા બહાર
IPL 2026 માં અત્યાર સુધી રોહિત શર્મા અને શાર્દૂલ ઠાકુરે મુંબઈ માટે ખૂબ જ સારું પરફોર્મન્સ કર્યું છે. રોહિત શર્માએ 4 મેચમાં 165.06 ના શાનદાર સ્ટ્રાઇક રેટથી 137 રન બનાવ્યા છે. પરંતુ, મુંબઈના ફેન્સ માટે એક માઠા સમાચાર છે. હેમસ્ટ્રિંગની ઈજાના કારણે રોહિત શર્મા આજની મેચ રમી શકશે નહીં. ગત રવિવારે રમાયેલી બેંગલુરુ સામેની મેચમાં રોહિત શર્મા રિટાયર્ડ હર્ટ થઈને મેદાનની બહાર ગયો હતો. બોલિંગમાં શાર્દૂલ ઠાકુરે અત્યાર સુધી 4 મેચમાં 5 વિકેટ પોતાના નામે કરી છે.
પંજાબનો સ્ટાર ખેલાડી : શ્રેયસ ઐયર
પંજાબ કિંગ્સ તરફથી શ્રેયસ ઐયર શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે અને તે ટીમનો સૌથી વિશ્વસનીય બેટ્સમેન બની ગયો છે. શ્રેયસ ઐયરે માત્ર 4 મેચમાં 187.67 ના વિસ્ફોટક સ્ટ્રાઇક રેટથી 137 રન ફટકાર્યા છે, જેમાં 2 શાનદાર હાફ-સેન્ચુરી પણ સામેલ છે. બોલિંગ વિભાગમાં વિજયકુમાર વૈશાકે શાનદાર પરફોર્મન્સ કરતાં 4 મેચમાં 5 વિકેટ ઝડપી છે.
આ પણ ખાસ વાંચો : ચાલુ IPL માં જ ચેન્નાઈ સુપર કિંગ્સની મુસીબત વધી! : આ દિગ્ગજ ખેલાડી ઈજાને કારણે IPL માંથી બહાર
વાનખેડેની પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વાનખેડે સ્ટેડિયમની પીચ હંમેશા બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન માનવામાં આવે છે. જોકે શરૂઆતમાં ફાસ્ટ બોલરોને થોડી મદદ મળી શકે છે. આ સિઝનમાં અહીં રમાયેલી બંને મેચોમાં 200 થી વધુનો સ્કોર બન્યો છે. આ મેદાન પર ચેઝ કરવું ફાયદાકારક રહે છે, કારણ કે અત્યાર સુધી રમાયેલી 125 મેચમાંથી 67 વખત લક્ષ્યાંકનો પીછો કરનારી ટીમ જીતી છે. હવામાનની વાત કરીએ તો, આજે મુંબઈમાં આકાશ એકદમ સાફ રહેશે અને વરસાદની કોઈ જ શક્યતા નથી. તાપમાન 24 થી 35 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે.
MI vs PBKS ની સંભવિત પ્લેઇંગ-12
MI : રાયન રિકલ્ટન (વિકેટકીપર), રોબિન મિન્ઝ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિચેલ સેન્ટનર, શાર્દૂલ ઠાકુર, ટ્રેન્ટ બોલ્ટ, મયંક માર્કન્ડે અને જસપ્રીત બુમરાહ. ઇમ્પેક્ટ પ્લેયર: શેરફન રધરફોર્ડ.
PBKS : પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર (કેપ્ટન), કૂપર કોનોલી, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો યાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ. ઇમ્પેક્ટ પ્લેયર: શશાંક સિંહ.





