Home Gujarat Medicine Prices Will Increase Drastically From Next July Know The Reason

મોંઘવારીનો વધુ એક માર : આગામી જુલાઈ મહિનાથી દવાની કિંમતોમાં થશે તોતિંગ વધારો, જાણો શું છે કારણ

Medicine Price Hike
Image Credit: AI
Published by: Nirali Gohil
Last Updated: May 15, 2026, 06:58 AM IST

અમદાવાદ: ગુજરાતના સામાન્ય નાગરિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મોંઘા તેલ અને ગેસ બાદ હવે સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ એક બોજ પડવા જઈ રહ્યો છે. આગામી જુલાઈ મહિનાથી રાજ્યમાં અનેક જીવનરક્ષક અને સામાન્ય વપરાશની દવાઓના ભાવમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓએ કાચા માલના વધતા ભાવને કારણે દવાની કિંમતો વધારવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

દવાના ભાવ વધવા પાછળનું મુખ્ય કારણ: પશ્ચિમ એશિયાનો સંઘર્ષ

છેલ્લા કેટલાક સમયથી પશ્ચિમ એશિયા (વેસ્ટ એશિયા) માં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. ફાર્મા ઉદ્યોગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દવા બનાવવા માટે જરૂરી એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ (API) એટલે કે કાચા માલના ભાવમાં ફેબ્રુઆરી મહિનાથી અત્યાર સુધીમાં ૩૦% થી ૫૦% સુધીનો વધારો ઝીંકાયો છે. આ ખર્ચને સરભર કરવા માટે ફાર્મા કંપનીઓએ હવે દવાની છૂટક કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: મધુર ડેરીનો 128 કરોડનો અદ્યતન પ્લાન્ટ તૈયાર : 17 મેના રોજ અમિત શાહ કરશે લોકાર્પણ, જાણો દૂધ ઉત્પાદકોને કેટલો ફાયદો

કઈ દવાઓ મોંઘી થશે?

સરકાર દ્વારા નિયંત્રિત (Scheduled) દવાઓ સિવાયની તમામ 'નોન-શેડ્યુલ્ડ' દવાઓના ભાવમાં ૧૦% સુધીનો વધારો થઈ શકે છે. જેમાં મુખ્યત્વે નીચે મુજબની દવાઓનો સમાવેશ થાય છે:

  • પેઇનકિલર્સ (દુખાવાની દવાઓ)

  • એન્ટિબાયોટિક્સ

  • વિટામિન્સ અને મિનરલ્સના સપ્લિમેન્ટ્સ

  • ચામડીના રોગોની દવાઓ (Dermatology products)

  • શ્વાસને લગતી બીમારીઓની દવાઓ

  • માનસિક રોગોની દવાઓ

જુલાઈથી જ કેમ દેખાશે અસર?

જોકે ઘણી કંપનીઓએ એપ્રિલ અને મે મહિનાથી જ ભાવવધારાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, પરંતુ છૂટક બજારમાં તેની અસર જુલાઈ મહિનાથી જોવા મળશે. ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર, હાલમાં મેડિકલ સ્ટોર્સ પાસે જૂનો સ્ટોક ઉપલબ્ધ છે. નવી કિંમતોવાળી બેચ બજારમાં આવતા બે થી ત્રણ મહિનાનો સમય લાગે છે, તેથી ગ્રાહકોને જુલાઈ અથવા ઓગસ્ટથી સીધી અસર વર્તાશે.

આ પણ વાંચો: અમદાવાદ કોંગ્રેસે NEET-UG પેપર લીકને ગણાવી રાષ્ટ્રીય આપત્તિ : સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ

સરકારી નિયમો શું કહે છે?

ભારત સરકારના ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર (DPCO) હેઠળ બે પ્રકારની દવાઓ હોય છે.

1. શેડ્યુલ્ડ ડ્રગ્સ: જેમાં જીવનરક્ષક દવાઓનો સમાવેશ થાય છે, તેના ભાવમાં આ વર્ષે માત્ર 0.6% વધારાની મંજૂરી અપાઈ છે.

2. નોન-શેડ્યુલ્ડ ડ્રગ્સ: કંપનીઓ આ કેટેગરીની દવામાં વર્ષમાં એકવાર મહત્તમ 10% સુધીનો વધારો કરી શકે છે. હાલના સંજોગોમાં મોટાભાગની કંપનીઓ આ મહત્તમ મર્યાદા સુધી ભાવ વધારવાનું આયોજન કરી રહી છે.

ફાર્મા ઉદ્યોગની સરકાર પાસે માંગ

ઈન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (IDMA) અને FICCI ગુજરાતના પ્રતિનિધિઓનું કહેવું છે કે પેકેજિંગ મટીરિયલ અને ઇનપુટ કોસ્ટમાં અસાધારણ વધારો થયો છે. ઉદ્યોગ જગતે સરકારને વિનંતી કરી છે કે અસાધારણ સંજોગોને ધ્યાનમાં રાખીને શેડ્યુલ્ડ દવાઓના ભાવમાં પણ થોડી રાહત આપવામાં આવે જેથી કંપનીઓનું માર્જિન જળવાઈ રહે અને દવાનું ઉત્પાદન ખોરવાય નહીં. હાલમાં તો એ સ્પષ્ટ છે કે, આગામી દિવસોમાં મધ્યમ વર્ગના ઘરના બજેટમાં દવાનો ખર્ચ પણ વધવાનો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now