Home Gujarat Madhur Dairy New Milk Processing Plant Gandhinagar Inauguration Amit Shah

મધુર ડેરીનો 128 કરોડનો અદ્યતન પ્લાન્ટ તૈયાર : 17 મેના રોજ અમિત શાહ કરશે લોકાર્પણ, જાણો દૂધ ઉત્પાદકોને કેટલો ફાયદો

Madhur Dairy
Published by: Suman Dabhi
Last Updated: May 15, 2026, 06:56 AM IST

Madhur Dairy: ગાંધીનગર જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે એક ઐતિહાસિક ક્ષણ આવી રહી છે. દશેલા ગામ ખાતે મધુર ડેરી દ્વારા તૈયાર કરાયેલ અત્યાધુનિક ફુલ્લી ઓટોમેટીક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાન્ટનું 17 મે 2026ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ થવાનું છે. 128 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ માત્ર ડેરી ઉદ્યોગ માટે જ નહીં પરંતુ સમગ્ર સહકારી આર્થિક વ્યવસ્થાને નવી દિશા આપનાર સાબિત થઈ શકે છે.

ગાંધીનગર જિલ્લાના દશેલા ગામે આવેલ ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, મધુર ડેરીનો આધુનિક ફુલ્લી ઓટોમેટીક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાન્ટ હવે કાર્યરત થવા તૈયાર છે. આગામી તા. 17 મે 2026, રવિવારના રોજ આ પ્લાન્ટનું ભવ્ય લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી Amit Shah ના વરદ હસ્તે કરવામાં આવશે.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ, Dy CM હર્ષ સંધવી, ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કૃષિ મંત્રી જીતુ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

2.5 લાખથી 5 લાખ લિટર સુધી વધશે ક્ષમતા

અંદાજિત 128 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ આ અદ્યતન પ્લાન્ટની દૈનિક દૂધ પ્રોસેસિંગ ક્ષમતા હાલ 2.5 લાખ લિટર છે. જોકે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ ક્ષમતાને 5 લાખ લિટર પ્રતિ દિવસ સુધી સરળતાથી વિસ્તૃત કરી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

આ નવા પ્લાન્ટના શરૂ થયા બાદ મધુર ડેરીની કુલ દૂધ પ્રોસેસિંગ અને પેકેજીંગ ક્ષમતા 5 લાખ લિટર પ્રતિ દિવસ સુધી પહોંચી જશે. આ સાથે મધુર ડેરી ગાંધીનગર જિલ્લાની સૌથી મોટી સહકારી દૂધ સંઘ તરીકે પોતાની ઓળખ વધુ મજબૂત બનાવશે.

ડેરી ક્ષેત્રના નિષ્ણાતો માનીએ તો વધતી શહેરી વસતિ, દૂધ અને દૂધજન્ય ઉત્પાદનોની વધી રહેલી માંગ તથા ગુણવત્તાસભર પ્રોસેસિંગ સુવિધાની જરૂરિયાત વચ્ચે આ પ્રકારનો આધુનિક પ્લાન્ટ ખૂબ મહત્વનો બની રહ્યો છે. ખાસ કરીને સંપૂર્ણ ઓટોમેટીક ટેકનોલોજી દ્વારા ગુણવત્તા નિયંત્રણ, હાઇજિન અને ઉત્પાદન ક્ષમતા વધુ મજબૂત બનશે.

દૂધ ઉત્પાદકોને મળશે સીધો લાભ

નવા પ્લાન્ટના કારણે ગાંધીનગર જિલ્લાના હજારો દૂધ ઉત્પાદકોને સીધો લાભ મળશે. અત્યાર સુધી કેટલીકવાર વધારાનું દૂધ પ્રોસેસિંગ ક્ષમતાના અભાવે મુશ્કેલીરૂપ બનતું હતું, પરંતુ હવે જિલ્લાના દૂધ ઉત્પાદકોનું લગભગ સમગ્ર દૂધ મધુર ડેરી દ્વારા પ્રોસેસ કરી શકાશે.

તે ઉપરાંત ખેડૂતો અને પશુપાલકોને પોષણક્ષમ અને સ્પર્ધાત્મક ભાવ મળવાની શક્યતા પણ વધી રહી છે. ડેરી સાથે સંકળાયેલા ગ્રામિણ પરિવારો માટે આ વિકાસ આર્થિક સમૃદ્ધિ તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહ્યું છે.

ગ્રાહકોને પણ ગુણવત્તાયુક્ત દૂધ તથા વિવિધ દૂધજન્ય બનાવટો વધુ પ્રમાણમાં ઉપલબ્ધ થશે. ખાસ કરીને અમુલ ફેડરેશન માટે નવી દૂધની બનાવટો બનાવવા ક્ષમતા વધતા ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ પુરવઠો મજબૂત બનવાની સંભાવના છે.

1971માં માત્ર 4 મંડળીઓથી થઈ હતી શરૂઆત

મધુર ડેરીની સફર સહકારી આંદોલનની પ્રેરણાદાયક કહાની તરીકે જોવામાં આવે છે. તા. 6 ફેબ્રુઆરી 1971ના રોજ માત્ર 4 દૂધ મંડળીઓના સહયોગથી તેની સ્થાપના કરવામાં આવી હતી. તે સમયે દરરોજ સરેરાશ માત્ર 6,433 લિટર દૂધ સંપાદન થતું હતું.

વર્ષો દરમિયાન સહકારી કાર્યકરોની મહેનત, દૂધ ઉત્પાદકોનો વિશ્વાસ અને ગુણવત્તાસભર સેવાઓના કારણે ડેરીએ સતત વિકાસ કર્યો. આજે મધુર ડેરી દરરોજ સરેરાશ 2,76,000 લિટર દૂધનું સંપાદન કરી રહી છે, જે વર્ષ 2025-26ના આંકડા મુજબ નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે.

શરૂઆતના સમયમાં ડેરીનું વાર્ષિક ટર્નઓવર માત્ર 7 લાખ રૂપિયા હતું, જ્યારે હાલ આ આંકડો વધીને આશરે 628 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ વૃદ્ધિ માત્ર આર્થિક સફળતા જ નહીં પરંતુ સહકારી મોડલની મજબૂત અસરનું પણ પ્રતિબિંબ છે.

સહકારી ક્ષેત્રમાં નવી દિશા

મધુર ડેરી છેલ્લા કેટલાક વર્ષોથી માળખાકીય વિકાસ, નવી ટેકનોલોજી અને વિસ્તરણ યોજનાઓ પર સતત કામ કરી રહી છે. લાંબા ગાળાની વ્યૂહરચનાના ભાગરૂપે વિવિધ પ્રોજેક્ટ્સ અમલમાં મુકાતા જિલ્લાના દૂધ ઉત્પાદકોને વધુ સશક્ત બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

ગુજરાતમાં અમુલ મોડલને વિશ્વસ્તરે સફળ સહકારી ચળવળ તરીકે ઓળખવામાં આવે છે. મધુર ડેરી જેવી જિલ્લા સ્તરની સંસ્થાઓ આ સમગ્ર નેટવર્કને મજબૂતી આપતી મહત્વપૂર્ણ કડી છે. નવા પ્લાન્ટથી અમુલ ફેડરેશનની ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો થશે, જેના કારણે બજારમાં નવા પ્રોડક્ટ્સ અને વધુ પુરવઠાની શક્યતાઓ ઊભી થશે.

આ પણ વાંચો: ગુજરાતને મળી મોટી ભેટ : અમદાવાદ-ધોલેરા વચ્ચે ₹20,667 કરોડના ખર્ચે દોડશે સેમી હાઈસ્પીડ ટ્રેન, કેબિનેટની મંજૂરી

કેમ મહત્વનો પ્રોજેક્ટ?

ગાંધીનગર જિલ્લામાં ડેરી ઉદ્યોગ ગ્રામિણ અર્થતંત્રનો મહત્વપૂર્ણ આધાર છે. હજારો પરિવારોની આવક દૂધ ઉત્પાદન સાથે સીધી રીતે જોડાયેલી છે. આવા સમયમાં 128 કરોડ રૂપિયાનું આધુનિક રોકાણ માત્ર ઔદ્યોગિક વિકાસ નહીં પરંતુ ગ્રામિણ રોજગાર, ખેડૂતોની આવક અને સહકારી આર્થિક માળખાને વધુ મજબૂત બનાવનાર સાબિત થઈ શકે છે.

ખાસ કરીને સંપૂર્ણ ઓટોમેટીક ટેકનોલોજી ધરાવતા પ્લાન્ટથી ગુણવત્તા, સ્ટોરેજ, પ્રોસેસિંગ અને વિતરણ વ્યવસ્થામાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. આવનારા વર્ષોમાં મધુર ડેરી માત્ર ગાંધીનગર પૂરતી સીમિત ન રહી રાજ્યસ્તરે વધુ મજબૂત ખેલાડી તરીકે ઉભરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now