Home Gujarat Mahuva Hospital Ceiling Fan Fell Woman Injured

કાળઝાળ ગરમીમાં પંખો ચાલુ કરીને સુતા હોય તો સાવધાન! : આ હોસ્પિટલમાં મહિલા દર્દીના માથા પર પંખો પડતા થયા લોહીલુહાણ

Bhavnagar News
Published by: Viral Patel
Last Updated: May 15, 2026, 07:03 AM IST

Bhavnagar News: ભાવનગર જિલ્લાના મહુવાની સરકારી જનરલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલના બાળકોના વોર્ડમાં ચાલુ પંખો નીચે પડતા એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઘટનાને પગલે સરકારી તંત્રની કામગીરી અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ઘટનાની વિગત: બાળકનો આબાદ બચાવ

ગઈકાલે સાંજે મહુવા હોસ્પિટલના પિડિયાટ્રિક (બાળકોના) વોર્ડમાં રાબેતા મુજબ સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક ચાલુ હાલતમાં રહેલો સીલિંગ પંખો ધડાકાભેર નીચે પડ્યો હતો. પંખો બરાબર દર્દીના સગા શબાનાબેન શેખ પર પડ્યો હતો. આ અકસ્માતમાં શબાનાબેનને માથાના ભાગે અને આંખ પાસે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજા એટલી ગંભીર હતી કે તેમને તાત્કાલિક ટાંકા લેવા પડ્યા હતા. હાલમાં તેમને આંખે જોવામાં પણ તકલીફ પડી રહી હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે, પંખો માસૂમ બાળક પર ન પડતા એક મોટી જાનહાનિ ટળી હતી.

મોંઘવારીનો વધુ એક માર : આગામી જુલાઈ મહિનાથી દવાની કિંમતોમાં થશે તોતિંગ વધારો, જાણો શું છે કારણ

તંત્રની કામગીરી સામે સવાલોના ઘેરામાં

આ ઘટનાએ હોસ્પિટલ પ્રશાસન અને પીડબલ્યુડી (PWD) વિભાગની કામગીરીની પોલ ખોલી દીધી છે. નોંધનીય બાબત એ છે કે હોસ્પિટલ બિલ્ડિંગનું રિનોવેશન થયાને હજુ માત્ર એક જ વર્ષ થયું છે. એક વર્ષમાં જ પંખા જેવા ફિટિંગ્સ તૂટી પડે તે નબળી ગુણવત્તાનું કામ સૂચવે છે. બાળકોના વોર્ડ જેવી સંવેદનશીલ જગ્યાએ જો આવી ઘટના બને, તો અન્ય વોર્ડની સ્થિતિ કેવી હશે? સ્થાનિક નાગરિકે જણાવ્યું હતું કે રિનોવેશન પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં જો દર્દીઓ સુરક્ષિત ન હોય, તો આ કામગીરી કોના ભરોસે કરવામાં આવી હતી?"

જવાબદારો સામે કાર્યવાહીની માંગ

આ ઘટના બાદ સ્થાનિક લોકો અને દર્દીઓના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે જે કોન્ટ્રાક્ટર દ્વારા રિનોવેશનનું કામ કરવામાં આવ્યું છે અને જે અધિકારીઓએ આ કામને મંજૂરી આપી છે, તેમની સામે કડક તપાસ કરવામાં આવે. હોસ્પિટલ જેવી જગ્યાએ જ્યાં લોકો સાજા થવા આવે છે, ત્યાં તંત્રની આવી ઘોર બેદરકારી કોઈનો જીવ પણ લઈ શકતી હતી. હવે જોવાનું એ રહે છે કે હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટ કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે કેવા પગલાં ભરે છે.

મધુર ડેરીનો 128 કરોડનો અદ્યતન પ્લાન્ટ તૈયાર : 17 મેના રોજ અમિત શાહ કરશે લોકાર્પણ, જાણો દૂધ ઉત્પાદકોને કેટલો ફાયદો


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now